ધર્મતેજ

જીવનમાં એક સમય થાય પછી ભવનમાં રહીને વનવૃત્તિમાં જીવવું

માનસ મંથન -મોરારિબાપુ

હું એવું માનું કે ઘરમાં દીકરો હોય કે દીકરી,એના લગ્ન થઇ જાય અને પછી એનેય ઘરે બાળકનો જન્મ થાય પછી મા-બાપે ભવનમાં રહી વનવૃત્તિમાં જીવવું. ભાગવદ્જીનો આધાર લઇને કહેતો હતો કે, એક દીકરો પોતાના બાપને કહે છે કે પિતાજી, તમે હવે ધર્મને સેવો. ધર્મને સેવો એટલે? ધર્મ એટલે સત્ય, પ્રેમ અને કરુણા. કયો ધર્મ સત્યનો ઇનકાર કરી શકે? કયો ધર્મ પ્રેમનો ઇનકાર કરી શકે? કયો ધર્મ કરુણાનો ઇનકાર કરી શકે? દરેક ધર્મ આ ત્રણ વસ્તુને સ્વીકારશે જ, જો એ જિદ્દ છોડી દે તો. હે પિતાજી તમે હવે ધર્મને સેવો. બીજી વાત કહી, હવે લોકધર્મને છોડી દો. મેં અગાઉ પણ સંકેત કર્યો હતો કે છોકરાઓ તૈયાર થઇ જાય પછી સામાજિક વ્યવહાર એને સોપી દેવો. આ બહુજ પવિત્ર વ્યવસ્થા છે એમ મને લાગે છે. પણ મેં જોયું છે કે ઘણા વ્યવહારમાંથી હટી જાય પછી સંસ્થામાં જોડાઈ જાય છે! મોટી ઉંમર થાય તોય, ઘણાને મેં જોયા છે, ટ્રસ્ટીપદ છોડે જ નહિ! દીકરી જુવાન થાય ત્યારે પરણાવી દેવાય જિદ્દ શાની? છોડો જિદ્દ. પછી કોઈ આંચકી લે ત્યારે બહુ અઘરું પડશે. ભવનમાં રહી વનવૃત્તિ કેળવવાની.

પાઘડીનો વળ તો છેડે જ જાય ને? આખું જીવતર કેવું ગયું એની છેલ્લે ખબર પડે. બાપાને શુદ્ધિ આવીને પત્નીએ પૂછ્યું મોટો દીકરો ક્યાં? કહે ‘પગ દબાવે છે.’ બાપાએ કહ્યું વચલો ક્યાં?’ પત્ની કહે તમારો હાથ દબાવે છે.’ ને નાનો? કહે ‘માથું દબાવે છે.’ તો કહે તો પછી દુકાને કોણ છે?’ છેલ્લી ઘડી સુધી જેને દુકાનનું જ સ્મરણ હોય એનું જીવન કેવું? છેલ્લી ઘડીએ પછી મમતાના ધાગા તોડી નાખો. કોઈને ખબર ન પડે એમ નજીકમાં નજીકનાં પાત્રોને પણ ખબર ન પડે એમ તોડો. બહુ સરસ કહ્યું છે, ગૃહસ્થાશ્રમમાં રહીને વૈરાગી બનો. અંદરથી વૈરાગ્ય આવવો જોઈએ. ઘરનાં બાળકો, બધાંને રાજી કરતાં કરતાં, સંયમ અને મર્યાદામાં જીવન જીવતાં અંદરથી વૈરાગી બનો.

લોકવ્યવહારથી હવે વિરક્ત બનો. તો પછી કરવું શું ? હવે કોઈ સંત ફકીરને સેવો. એક સાધુ ઘરમાં આવે તો ખંડેર હોય એય ખળભળતું બંધ થઇ જાય, સાહેબ ! એવા કોઈ બુદ્ધપુરુષ સેવો. આ કરવાનું અમુક ઉંમરે. પછી ખ/ .ઈ૭ખ ’ કામતૃષ્ણા મૂકો. છેલ્લે માણસને જે એષણા સતાવે છે એ લોકેષણા. આ ભયંકર એષણા છે, મૂકો. હું તો એમ જ માનું છું કે આપણે સ્કૂલમાં ભણતા ત્યારે સો માર્ક્સનું પેપર હોય એમાં પાંત્રીસ માર્ક્સ આપણે લઈએ તો પાસ થઇ જઈએ. એમ માણસ, મારે કોઈને એટલું ટૂંકું જીવન જીવડાવવું નથી, પણ માણસ પાંત્રીસ વરસ સરખું જીવી લે, તો એ પાસ થઇ ગયો; પછી તો એની કૃપાનું આપણે જીવીએ છીએ. શંકરાચાર્ય કેવળ બત્રીસ વરસ અને બત્રીસ વરસમાં શાંકર દિગ્વિજય! આ બુદ્ધિમાં ઊતરતું નથી. વિવેકાનંદજીની કેટલી ઉંમર ? જેટલા બુદ્ધપુરુષ થયા છે, નાની ઉંમરમાં ગયા છે, પાસ થઈને ગયા છે. તો, અમુક સમય થાય ત્યારે સાધુ-ફકીરોની સેવા કરો. એનાં અણુ-પરમાણુમાં બેસવું; અને સેવા ન કરો તો કાંઈ નહીં, કોઈ સંત-ફકીરને જુઓ તો સંદેહ ન કરવો કે આ સમાજનું ખાય છે અને કામ કરતાં નથી ! જે છે એની આપણને ખબર નથી, તું તારું કરે જા !

બાપ, એક ઉંમર થાય પછી સાધુ સંગ કરો અને લોકેષણા પણ છોડી દેવાની. પછી અંતર્મુખ રહેવાનું. ભાગવદ્કાર કહે, અમુક ઉંમર થાય ત્યારે બીજાના દોષ આપણામાં વેર પ્રગટાવશે. એના ગુણ-દોષ આપણે નહીં જોવાના, એક ડિસ્ટન્સ રાખવું. તો, પછી કરવું શું ઉંમર થાય ત્યારે? બીજાની જેટલી સેવા થાય એટલી સેવા કરવી; અને એ પણ જયારે તનથી ન થઇ શકે ત્યારે વ્યાસજી કહે ભગવાનની કથામાં રસ લો. કથાનું શ્રવણ કરો, એનાથી બહુ ફાયદો થશે. એ અદ્ભુત છે. અને એમાંય કોઈ બુદ્ધપુરુષના મુખેથી કથાને રસ વહેતો હોય ત્યારે તો આપણા ભાગ્ય ઇન્દ્રને ઈર્ષ્યા આવે એવાં હોય છે!

જગતનો એક નિયમ છે કે કોઈ પણ બુદ્ધપુરુષ જયારે આપનો સમકાલીન હોય ત્યારે એ સમજતો જ નથી. ગાંધીજી વિશ્ર્વવંદ્ય બન્યા, છતાંય ગાંધીજીની હાજરીમાં ગાંધીના અમુક અંતેવાસી એને ‘બાપુ’ ન કહી શક્યા! સમકાલીનને સ્વીકારવા બહુ કઠિન છે અને આ સમાજ ત્યારે પૂર્ણ તંદુરસ્ત હશે જે દિવસે સમકાલીનને સેવતો હશે.

હું એમ નહિ કહું કે ઘર છોડો પણ, જરઠપણું આવે ત્યારે તીર્થ જેવું જીવન વિતાવો. આપણને સવારે છોકરાઓ પગે લાગે તો એને પુણ્ય થાય એવું જીવો. નહિતર તો બીજાને પગે લગાડવું બહુ સારું નથી, પાપ લાગે બાપ ! બીજાને પુણ્ય થાય તેવું જીવે એને જ આપણાં દેશે ‘પુણ્યશ્ર્લોક’ કહ્યા છે. અમુક ઉંમર થાય પછી હરિ ભજવા. જીવન તીર્થ જેવું બનાવવું.

કથા સાંભળ્યા પછી એવું જીવન જીવવું કે આપણાં કોઈને શુકન થાય! યુવાનીમાં આવું જીવન થાય તો તો લાખ-લાખ નમસ્કાર. પણ ઘડપણમાં થાય તો પણ ઘણું. એક સમય થાય ત્યારે બધી જ મમતાને ભગવાનના ચરણમાં બાંધી દેવી. તો એનું જીવન તીર્થરૂપ ગણાશે.

  • સંકલન : જયદેવ માંકડ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button