ધર્મતેજ

વેલનાથ ચરણે જસોમાનો આરાધ

ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની

વેલનાથ જીવનની સાથે સંકળાયેલી કંઈકેટલીય દંતકથાઓ ભજનોમાં નિરૂપાયેલી જોવા-સાંભળવા મળે છે. એક માન્યતા પ્રમાણે જસમતથી વિદાય થઈને વાઘનાથને ગુરુ ધારીને ગિરનારમાં જ સાધનામાં રત વેલાબાવાએ જૂનાગઢમાં ગૃહસ્થજીવન પણ આરંભેલુંં. જસોમા અને મીણલમા એમ બે સ્ત્રીઓ હતી. વેલનાથ ગૌસેવા કરે, સાધના કરે અને ગૃહસ્થજીવન વ્યતીત કરે, શિષ્યોને પ્રબોધે. ગિરનારની આસપાસના પ્રદેશમાં પણ ભારે મોટો પ્રભાવ. એક વખત કોઈ સંતમંડળી અને સમાજની યાત્રા મંડળી ગિરનારની પરિક્રમાએ નીકળેલી. રસ્તામાં જય ગિરનારી – જય વેલનાથ એમ બોલે. આવો જય વેલનાથના નામનો અહાલેક સાંભળીને જોગીની જમાત ગુસ્સે થઈ ઊઠી. નવ નાથમાં આ દશમો વેલનાથ વળી કોણ છે ? અને ક્યાંથી ભળ્યો ? મંડળીએ જવાબ આપ્યો. જૂનાગઢમાં જ વસે છે, બાપજી. જોગીઓ તો ભારે ગુસ્સે થયા. ચીપિયા ખખડાવતા વેલાબાવા પાસે પહોંચ્યા અને કહે કે તું વેલનાથ સંસારસુખને ભોગવનારો, નાથ કહેવડાવે છે વેલાબાવો કહે, ના, બાપજી મને તો કંઈ ખબર નથી હું તો નાથના પગની રજોટી છું. મારાથી થાય ઈ ટેલ કરું છું.

ખાખીઓ કહે છે તું ઢોંગી છે ચાલ દત્તની ટૂકે, ત્યાં તારી ખબર લેશુંં. કહીને ચીપિયા અને ટોકરાથી પ્રહાર કરવા લાગ્યા. બંને સ્ત્રીઓ આડા ઘા ઝીલે. ચાલતાં ચાલતાં ગિરનાર દરવાજે પહોંચ્યા, ત્યાં વાણિયાના જુવાનજોધ પુત્રનું શબ. વાણિયો વેલનાથના પગમાં પડયો અને કહેવા લાગ્યો, બાપજી મારી આંધળાની એક આંખ હતી એ ગઈ. તમે એને હાથ અડાડો. વેલાબાવાએ કપાળે હાથ મૂક્યો. માથે હાથ ફેરવ્યો અને છોકરો આળસ મરડીને ઊભો થયો. પણ ખાખીઓની જમાતની બીકે પછીથી વેલનાથે હડી કાઢીને દોટ મૂકી. ભૈરવનાથની ટૂકે ચઢી ગયા. પાછળ જસોમા અને મીણલમા પણ દોડ્યાં.

ભૈરવનાથની એક ટૂકની તિરાડમાં ઊતરી ગયા. પાછળ મીણલમા પણ ઊતરી ગયાં, પરંતુ જસોમાને થોડું છેટું રહી ગયું. પોતાના નાથને શોધતાં રહ્યાં અને આમતેમ ફાંફાં મારતાં ભટક્તાં રહ્યાં. તિરાડની બહાર મીણલમાની સાડીનો છેડો રહી ગયેલો એને ફરફરતો જોઈને ત્યાં ટૂકે પહોંચ્યાં. જેની સાથે સહજીવન હતું, સેવા-સાધના થતી હતી એમાં વિખૂટું પડવાનું આવ્યુંં. આ વિરહ અને તપ પછી વાણી દ્વારા પ્રગટ્યાં. જસોમાએ ગાયેલું ભજન આજે પણ પરંપરામાં જીવંત છે. કહેવાય છે કે જસોમાની વાણી સાંભળીને વિદાય થયેલા વેલનાથ મધરાતે બહાર આવેલા અને જસોમાને પણ ભૈરવનાથની ટૂકે પોતાની સાથે સમાવી સાથે લીધેલાં. જસોમાના ભજનમાંનો આર્તનાદ એવો છે કે વેલનાથને બહાર આવવું પડે છે, વહાલાનો વિયોગ દૂર કરવા માટે સમર્થ નીવડેલી વાણીનો ભારે મોટો મહિમા હોય એ સ્વાભાવિક છે. જસોમાની એ વિરહની વેદનશીલતાને પ્રગટાવતી પહેલવારકી વાણીને જોઈએ :
અમસું ગરનારી અંતર ર્ક્યો વાલે
અંતર ર્ક્યો રે ..ટેક઼.
પડદા-પોસંગી વેલો રમવા ગિયો,
હો…રમવા ગયો, ખાવંદતો રિયો રે
ભોળવીને ભૂલવાડી ગિયો રે… ..અમસું..૧
હો…સગડ હોય તો, ધણીના, સગડ
કઢાવું રે,
સગડ કઢાવું રે, ત્રણે ભુવનમાંથી બાળુડાને લાવું… ..અમસું..ર
હો…થડ રે વાઢીને ધણી, પીંછાં દઈ ગિયો રે, પીંછા દઈ ગિયો રે,
રસ પવનમાં ગેબી રમવા ગિયો…..
અમસું..૩
હો…ગનાનની ગોળી ને, મેરુનો રવાયો રે,
મેરુનો રવાયો રે,
નખશિખ નેતરાં લઉ તાણી… ..અમસું..૪
હો…મથણાં મથી, દીનાનાથને બોલાવું રે,
નાથને બોલાવું રે,
ત્રણે ભુવનમાંથી બાળુડાને લાવું…
..અમસું..પ
હો…વેલનાથ ચરણે, બોલ્યાં રે જસોમા
બોલ્યાં રે જસોમા,
અખંડ ચૂડો મારે વેલનાથ ધણી…
..અમસું..૬
જસોમા આર્તનાદે ગાય છે કે હે ગિરનારી સંત વેલનાથ તમે મારાથી અંતર રાખ્યુંં. પડદો રાખીને-મને દૂર રાખીને મારો સ્વામી અનંતની રમતમાં, લીલામાં રમવા નીકળી ગયો. મારો ખાવંદ જતો રહ્યો. મને ભોળવીને મારો વાલો મને ભૂલી પાડીને જતો રહ્યો. જો એનાં પગલાંને શોધવાની સગવડ હોય તો ત્રણે લોકમાંથી એના સગડ શોધી કાઢીને એને મળું. મારો સ્વામીનાથ થડ વાઢીને એનાં પીંછાં-આંકડા મને આપી ગયો અને પોતે તો કોઈ ગેબી રમત રમવા નીસરી ગયા. અહીં રસપવનમાં ગેબી રમવા ગયાની કાવ્યાત્મક્તા ધ્યાન ખેંચે છે તો ખાવંદ શબ્દ ઈસ્લામિક અસર દર્શાવે છે. જ્ઞાનની ગોળીમાં પરમતત્ત્વને રવાયો લઈને એ જે અચલ અટલ છે એ મેરુનો રવાયા દ્વાર નખશિખ નેતરા તાણીને એને મથીશ. હું મંથન કરીને મથીને કોઈ પણ રીતે દીનાનાથને શોધીને બોલાવીને અને ત્રણે ભુવનમાંથી બોલાવી લાવીશ. વેલનાથને ચરણે બેસીને જસોમા બોલે છે. ગાય છે મારો અખંડચૂડલો તો વહાલો વેલનાથ છે. જે અમરત્વને પામેલો છે. આમ એ ખરા અર્થમાં અમર અને અવિનાશી છે.
અહીં જસોમાનો વલવલાટ-વિરહ ભજનવાણી દ્વાર પ્રગટ થયો છે. એમની આ આરાધ સાંભળીને વેલનાથને પ્રગટ થવું પડ્યું અને પોતાનામાં સમાવી લીધાં. આરાધનો પ્રભાવ અજીબોગરીબ છે. આરાધનો ઢંગ અને આરાધનાં વચનો સમાધિમાં સૂતેલાને જાગ્રત કરે છે, વિખૂટા પડી ગયેલાને ગળે વળગાડે છે, જોડે છે. આરાધના ક્યારેક ખાલી ગઈ હોય એવાં ય ઉદાહરણો છે. આરાધનામાં કસોટી થાય, પણ આરાધનાગાન-ભજનવાણી ખાલી ગયાનું કોઈ ઉદાહરણ મળતું નથી કે પ્રાપ્ત થયેલુંં જણાતું નથી. આરાધ ઢંગ પણ ભારે હૃદયપૂર્વક છે. એમાં ભાવક તણાય છે. જાણે કે આરાધગાને ગત્યગંગા પ્રગટે છે અને એ ભાવગંગામાં ભાવકને, ભજનિકને પણ તણાવાની અનુભૂતિ થાય છે. આવી અનુભૂતિમાં એક વખત સંગાથ સાંપડેલો ભાયાણીસાહેબનો નંદિગ્રામમાં એક સંધ્યાએ સાથે હતા. ડૉ. હસુ યાજ્ઞિક, નાથાલાલ ગોહિલ, નિરંજન રાજ્યગુરુ અને સન્મિત્ર મનોજ રાવલ. કોઈ વનવાસી ભજનિક એકતારાની ઝણઝણાટી સાથે રણઝણતી વાણીમાં મકરંદભાઈના ચરણે બેસીને તોળી રાણીનો આરાધ ગાઈ રહ્યો હતો અને અમે તણાયા હતા એ આરાધ ભાવપૂરમાં. ભાવઓઘમાં અંઘોળ એકસાથે ર્ક્યાનું તીવ્ર સ્મરણ આજે પણ અકબદ્ધ છે. ભારે બળૂકી છે આરાધભજનરચના. જસોમાના આરાધ નિમિત્તે અતીતનો પણ પુન: સાક્ષ્ાાત્કાર થયો એના પરમાનંદ સાથે. ગિરનારી નાથસંત વેલનાથ ચરણે ભાવવંદના.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure