આદિગુરુ રામાનંદનું તેજસ્વી અનુસંધાન ઉગમસાહેબ : તત્ત્વ અને તંત્ર-૪
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની
બરવાળા બાવળ મુકામે દરબાર સાહેબ દીનુભાઈની સાથે એક વખત ઉગારામદાદાની બેઠક યોજાઈ. નાતજાતના ભેદભાવના એ જમાનામાં લોકો છાને ખૂણે ટીકા કરતા, પણ ઉગારામજીના સત્સંગ શ્રાવણપાનથી દિનુભાઈ અને સાથીઓ પ્રભાવિત થયેલા એ પછીથી ભુરાબાપા રામાણીના નિવાસસ્થાને લાભુદાદા જેવા બ્રાહ્મણ, જીવાભાઈ, શંભુબાપાના પત્ની મણીબહેન અને શંભુબાપાના બહેન દુધીબહેનને સત્સંગ દ્વારા શિષ્યપદે સ્થાપ્યા. લાભુદાદાના પરિવારની પૂરી ચિંતા ટળશે જેવા ઉગારામ બાપાના વચનથી અને એ છ માસના નિયત સમયે ખરા પડયાથી લાભુદાદાની શ્રદ્ધા પણ ગુણિત બની.
પછી તો કમળકોટડાનો દરબાર પરિવાર ઉપરાંત મામૈયાબાણુ, દેવજીબાપુ અને વરિષ્ઠ શિક્ષ્ાકશ્રી ત્રંબકભાઈ શિષ્યમંડળીમાં સામેલ થયા એને ઉગમફોજનું બિરુદ એ જમાનામાં મળેલું. ભાણફોજ પછીની ઉગમફોજ ઉગમસાહેબની સંતપ્રતિભા અને પ્રતિમાની પરિચાયક છે.
સર્વને સ્વીકૃત સર્વને સમુદાર અને સંવાદિતાના સાધક અને ઉપદેશક જણાતા ઉગમસાહેબ ઈ.સ.૧૮૭૬માં દેહધારણ કરીને બાણું વર્ષ્ાનું સાધનામય આયુષ્યકાળ ભોગવીને ૧૮/૮/૧૯૬૮માં સાધનાની અવસ્થિતિમાં સમાધિ અવસ્થામાં બ્રહ્મલીન થયેલા. એમણે યોગ-સાધના તો માત્ર બે વખત કુટુંબથી નીકળી જઈને આરંભેલી, પણ અધવચ્ચેથી પુન: પરિવારમાં જોડાવાનું બનેલું.
સાધનાધારામાં, સાધનાક્રિયા, ભજનગાન, સત્સંગ અને સદ્સાહિત્યનું ચિંતન હતું. કોઈ ક્રિયાકાંડ, કોઈ મોટા મેળાવડા નહીં પણ અજવાળી બીજ અને પૂર્ણિમાએ સમૂહ સત્સંગ-ભજન શ્રવણપાન અને નામ જાપ. માત્ર રામદેવ પીરની છબી-પ્રતિમાની સ્થાપના. એની પણ કોઈ પૂજા કે ધજા ચઢાવવા જેવા ક્રિયાકાંડ નહીં. આરતી, ધૂન, કીર્તન અને હરિનામ સ્મરણ. કબીર પરંપરા, રવિભાણ પરંપરાની સાધનાથી પોતાની નિરાળી એવી એ રીતે ઉગારામદાદાની જીવનધારાનું તથ્ય અને સાધનાધારાનું તત્ત્વ અને તંત્ર અવલોક્તા, સમજતા એમાં પ્રજ્ઞાવાન પરંપરાની પ્રભુતા પમાય છે. હજારોની સંખ્યામાં સાધક, જ્ઞાતિ જાતિભેદ મુક્ત સ્ત્રી-પુરુષ્ાનો સમુદાય ધૈય, સમર્પણ અને નિષ્ઠાથી સત્સંગરત રહે. તેઓ બધાં શિસ્તબદ્ધ રીતે સત્સંગમાં, આરતીમાં અને પ્રસાદમાં દાખવતા વ્યવહાર-વર્તન ભારે પ્રભાવક પ્રકારના જણાયા છે. ઉગમસાહેબની રચેલી ભજનવાણી અને ઉગમફોજના શિષ્યવૃંદની ભજનવાણી ભાવ, ભાષ્ાા અને અભિવ્યક્તિના સંદર્ભે રવિ-ભાણ પરંપરાનુું ઊજળું અનુસંધાન જણાય છે.
રવિભાણ પરંપરા ગુજરાતમાં આરંભાઈ. ભાણસાહેબની શિષ્ય મંડળી માટે ભાણફોજ સંજ્ઞા પ્રચલિત હતી, એ પરંપરામાં ભાણ, રવિ, મોરાર હોથી-આણંદરામ- કરમશીબાપા- હીરસાગર અને હીરસાગરના ઉગારામ એમ તેઓ સાતમા શિષ્ય ગણાય. સાતમી પેઢીએ એમણે ઉગમફોજ પુન: સ્થાપિત કરી વર્ણવ્યવસ્થાને તોડનાર, ઉચ્ચ અને નીચના ભેદને ભાંગનાર, સમરસ સમાજ, સદ્ભાવપૂર્ણ વ્યવહાર, વર્તન અને વાણીથી સમભાવના વાતાવરણને જન્માવનારા આ વિવિધ જ્ઞાતિ-જાતિના શિષ્યોની ફોજ સાથે સત્સંગ માટે વિચરણ કરતા ઉગમ સાહેબનું આવું તત્ત્વમૂલક પ્રદાન સંતપરંપરાના સંદર્ભેં આગવું અને અનોખું છે. એમના સહજ પ્રકારનાં જીવન તત્ત્વ અને તથ્યનું આ રુડું પરિણામ છે. પરિમાણ પણ છે.
ઉગમસાહેબને કબીર, કમાલ અને કેવળપુરી જેવાં જ્ઞાનમાર્ગી ઉપાસકોની વાણી કંઠસ્થ હતી. સત્સંગમાં પ્રયોજતા. અલીભાઈ નામના એક સત્સંગીને પૂંજલપીર બહુ પસંદ ન હતા. તો એક વખત થાણાદેવડીમાં પૂંજલપીરને ત્યાં સત્સંગમાં કમાલસાહેબનું ભજન ગાઈને અલીભાઈના મનના સંશયને તેમણે દૂર કરેલો. તેઓ ભક્તના ચિત્તની ભ્રાંતિને ભાંગનાર હતા. સમરસ સમાજના નિર્માતા હતા.
મારી દૃષ્ટિએ આંબેડકરજીએ ઉગમસાહેબનો માર્ગ અપનાવવો જોઈતો હતો. તેઓ જો આવી લોક્સંત પરંપરાથી પરિચિત હોત તો એમના વ્યક્તિત્વને જુદું પરિમાણ પ્રાપ્ત થયું હોત. ભાગવાનું અને ભટક્વાનું ન હોય, બધાને ભેળવવાનાં હોય. ભોગળ ભાંગવાની હોય. ઉગમસાહેબ બૌદ્ધ ન થયાં પણ તેમણે વાણી, વર્તન અને વ્યવહારથી બધાને બુદ્ધિવાદી બનાવ્યા. રજવાડાને, બ્રાહ્મણોને, પટેલને, કુંભારને, દરજીને એમ સમાજના વ્યાપક વર્ણમાંથી આભડછેટનો ભાવ ભાંગનારા ઉગમસાહેબ મારી દૃષ્ટિએ એક મોટો આદર્શ છે. એમની ઊંચાઈ અને ઊંડાણના ખરા દર્શન હવે થશે અને સમજાશે. મારે એક વખત ઉગમસાહેબના વ્યાખ્યાન માટે સાધના સ્થળે જવાનું થયેલું. મેં ગોરધનબાપાને કહેલું, આવાં અનોખાં અને અપૂર્વ તત્ત્વોના જીવનપ્રસંગોની સાક્ષ્ાી અહીંની હવા છે અને અહીંનું જળ છે. એટલે હું અહીં કોઈ વ્યાખ્યાન માટે નહીં પરંતુ હું અહીંની પવિત્ર રજ માથે ચઢાવવા માટે, હું અહીંના પવિત્ર જળનું ચરણામૃતનું આચમન કરવા માટે અને હું અહીંની પવિત્ર હવાથી મારા બાહ્ય શરીરમાં જ નહીં પણ મારા કોઠામાં એને ભરવા આવ્યો છું. ઉગમસાહેબ મોટા સિદ્ધસંત છે અને સત્ય છે તથા સમરસ સમાજના નિર્માતા છે એવા વચન નીચે મારા દસ્તખત-સહી કરવા આવ્યો છું. એમના કેટલાક સમકાલીનોની અને એમની સાધનાભૂમિની જાત્રાએ આવ્યો છું. ઉગમસાહેબ મારી જાત્રા માની લેજો.
સાંપ્રત સમયે સંત પરંપરાના અને સંતવાણીનાં મારા જેવા અનેક પ્રબુદ્ધ અભ્યાસીઓ સર્વશ્રી નિરંજન રાજયગુરુ, મનોજ રાવલ, દલપત પઢિયાર, નાથાલાલ ગોહિલ, રાજેશ મક્વાણા અને મહેશ મક્વાણા, સુનિલ જાદવ આદિએ ભારત-વિશ્ર્વ ખ્યાત ભજનીક બાંદરામાં ગોરધનબાપાનો અને ભેંડાપિપળિયામાં જયંતીબાપાનો સત્સંગ શ્રવણપાન લાભ લઈને, જ્ઞાતિ-જાતિ ભેદભાવવિહિન સંનિષ્ઠ સમાજના સમુદાર વ્યકિતમત્તાના પાસાનો પરિચય મેળવીને ઉગમસાહેબની પ્રભાવક્તાને પ્રમાણી છે. હેમંત ચૌહાણના કંઠે સાંભળેલા એક ભજનને આસ્વાદીએ-
નિર્ભય નામ વિચારો, હરિજનો નિર્ભય નામ વિચારો;
જે ભવસાગરનો આરો, હરિજનો નિર્ભય નામ વિચારો. ….ટેક
મેલી તર્ક વિતર્ક મનનાં, ગુરૂ વચનને ધારો;
નિશ્ર્વળ વૃત્તિ કરો ગુરૂમેં, મીટે ભવ ભટકારો. …હરિજનો
અખંડ અવિચળ આત્મા, નહિ જાત વર્ણ વિચારો;
જે નિશદિન ઘટમેં ગાજે, મન પવનથી ન્યારો. …હરિજનો
હરદમમેં હાજર રહેતા, સુરતા કરે સંધારો;
ઓહંગ સોહમ બે તાર ગાજે, વાગે છે એક્તારો. …હરિજનો
સદ્ગુરૂદેવે કૃપા કરી તબ, કીયો નામ ઉજીયારો;
ઉગારામ, ગુરૂદેવ હમારા હીરસાગર કિનારો. …હરિજનો
ભક્તિમાં અભયપણું કે નિર્ભિક્તા બહુ મહત્ત્વની છે. સાધના-ક્રિયા પછી પણ સદ્ગુરુમાં જ અપાર શ્રદ્ધા અને એમને જે દેવતૂલ્ય-પરમેશ્ર્વરની કક્ષ્ાાએ ધારીને આ ભવસાગરમાંથી તારનાર ગુરુજી છે એમ માનવું એ પણ એક સ્થિતિ હોય છે.
બીજા કોઈ તર્ક-વિતર્ક વિચારોને ચિત્તમાં જ પ્રવેશવા ન દેવા અને માત્ર ગુરુજીના વચનને જ શ્રદ્ધાથી ધારવાનું વલણ અહીં પ્રગટતું અવલોક્વા મળે છે. નાત-જાત-જ્ઞાતિ-જાતિનો કે વર્ણનો વિચાર ર્ક્યા વગર તમામ સાથે સમષ્ટિ રાખવાની. ઘટમાં-શરીરમાં જે નિવાસ કરે છે એને પરમાત્માને સર્વમાં અવલોક્વા.
નૂરત-સૂરતની સાધના, ઓહમ્-સોહમ્ની ઉપાસના અને એ કારણે અંત:કરણમાં એક્તારાનો નાદ-ધ્વનિનું શ્રવણપાન કરવું અને એમાં-સાધનામાં જ લીન રહેવાનું ઉગમસાહેબનું વલણ અહીં પ્રગટે છે. સદ્ગુરુ
હીરસાગર સાહેબની કૃપાથી મને કિનારો મળ્યો અને નામને ઉજાગર ર્ક્યું.
મને ઉગમસાહેબ રવિ-ભાણ પરંપરાના મહત્ત્વના સંત આવા બધા કારણોથી જણાયા છે. મને ઘણાં સમયથી મનમાં એક ભાવ હતા
ે કે રવિ-ભાણ પરંપરાની જ્ઞાન માર્ગી-તત્ત્વદર્શી રચનાઓનો આસ્વાદ તથા એ સંતોના જીવન, સ્થાનક અને સામાજિક સંદર્ભને અવલોક્વો. કમીજલા યાત્રાએ અનેક વખત જવાનું બન્યું છે. આજે પણ જાનકીદાસ બાપુનો સ્નેહ સ્મરણે ચડે છે. આમ ઈ.સ.૧૬૯૮ ભાણ સાહેબના સમયથી ઉગમસાહેબના નિર્વાણ ઈ.સ.૧૯૬૮ એમ ત્રણ સદી સુધી અને અદ્યપિ પણ જે પંથની ચેતના અનેક સ્થાને સ્પર્શે છે. જનસમુદાયની શ્રદ્ધાનું કેન્દ્ર છે. એ જીવંત ચેતનાના પંથના સંતોની વાણી વિશે વિગતો મુકાઈ એનો આનંદ છે.