ધર્મતેજ

આદિગુરુ રામાનંદનું તેજસ્વી અનુસંધાન ઉગમસાહેબ : તત્ત્વ અને તંત્ર-૩

ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની

ઉગમસાહેબની ભક્તિ અને સત્સંગ ચાલતા. બધે જતા પણ ખરા. એક વખત પોતાના સગાંસંબંધી ડાહ્યાભાઈને ગામ અમરનગર-થાણાદેવડી-મુકામે પાટપૂજાનો પ્રસાદ લેવા અને સત્સંગ માટે ઉગારામ ઉપસ્થિત હતા. એ સત્સંગ સ્થળે ડાહ્યાભાઈના ગુરુ વીરદાસ પણ ગુરુ હોવાથી પધારેલા. ઉગારામને સત્સંગ કરાવતા જોઈને માર્મિક્તા અને કટાક્ષ્ાથી બોલેલા કે ‘માસ્તર કરતાં નિશાળિયા આગળ હોય?.’ ઉગારામે સત્સંગના, ભક્તિ ઉપાસનાના બળે સરળતાથી અને દૃઢતાથી પ્રત્યુત્તર આપતા કહેલું કે, માફ કરજો અદા, પણ માસ્તર તો એકડિયા જ ભણાવતા રહે અને નિશાળિયો આગળ વધીને મોટો સાહેબ થઈને આવે ત્યારે એકડિયા ભણાવતા માસ્તર તો ત્યાં ને ત્યાં જ હોય. એટલે એક વખતના નિશાળિયાને હવે સાહેબ રૂપે સ્વીકારીને ખુરશી ધરે.’ વીરદાસ મહાત્માના મનનો ભેદ આ સંવાદથી અડધો ભંગાયો ત્યાં પાટમાંની જે પાંચ જ્યોત હોય એમાંની ચાર ખૂણાની ચાર પણ વચ્ચેની વચલી જ્યોતને જેઠળ જ્યોત કહેવાય છે, એ ફેલાણી ને પાટ સળગ્યો. વીરદાસથી રાડ પડાઈ ગઈ કે ‘ઉગાભાઈ દોડજો.’ ઉગારામ કહે, ‘અલખધણીનું ને સદ્ગુરુનું નામ લઈને અબીલ છાંટો, બધું શાંત થઈ જશે.’ વીરદાસ કહે, ‘ઉગાભાઈ આપ જ છાંટો.’
ઉગારામે સદ્ગુરુ મહારાજનું નામસ્મરણ કરીને એક ખોબામાં અબીલ રાખીને એ અબીલની અંજલિ છાંટી ને આગ લુપ્ત થઈ ગઈ. માત્ર પાંચ જ્યોત જ રહી. વીરદાસ મહારાજનો ઉગારામ વિશેનો સંશય ભાંગી ગયો. નિમ્નવર્ણની વ્યક્તિ ધર્મસાધનાથી, તપથી, સ્વાધ્યાયથી અને દૃઢ મનોભાવના સદ્વ્યવહારથી વર્તન, અને વાણી દ્વારા ઉચ્ચ વર્ણ-વર્ગનો સમાદર પ્રાપ્ત કરીને સમરસ વાતાવરણનું નિર્માણ કરે એ સંવાદિતાના પ્રદાતા, ઉદ્ઘાટક અને પ્રસારક સંતશ્રી ઉગમરામ. એમનું અમરનગરની દક્ષ્ાિણ દિશા તરફનું પરિભ્રમણ-પ્રબોધન એ મારી દૃષ્ટિએ રવિભાણ પરંપરાનું દક્ષ્ાિણાયન છે.
ઉચ્ચ વર્ણના રામાનંદે નિમ્નવર્ણને શિષ્યત્વ અર્પવા ઉત્તરાયણ તરફ નિષ્કાસન ર્ક્યું. આ નિમ્નવર્ણના ઉગમસાહેબે ઉપાસના-સાધના-તપ અને ચિંતન સત્સંગથી ઉચ્ચ વર્ગના-વર્ણના નાદશિષ્ય લાભુદાદા, પૂંજાબાપા, અમરુબાપુ, ત્રંબકબાપા, જીવાબાપા, કરમશીબાપા અને બુંદશિષ્ય ભલારામ બાપાને પ્રબોધીને જે સામાજિક સંવાદિતા, સમરસતા અને સમભાવિતાની સ્થાપના કરી એ રવિભાણ પરંપરાના આદિગુરુ રામાનંદને કરેલું મહાન ભક્તિતર્પણ છે. આદિગુરુની ઈચ્છાને ભારે પ્રભાવક રીતે તેમણે વહાવી અને જીવંત પરંપરા રૂપે સ્થાપીને આપી અને એ ઉપરાંત ઉગારામ એના એક બળવાન અને તેજસ્વી અનુસંધાન તરીકે એમની વ્યક્તિમતાને આવા તથ્ય દ્વારા ગુરુ હીરસાગર કૃપાએ-આદિગુરુ રામાનંદની મનોભાવનાને સફળતાપૂર્વક પાર પાડી, એક જીવંત પરંપરા રૂપે આજે બુંદશિષ્ય ભલારામબાપા પછીના એમના બુંદશિષ્ય ગોરધનબાપા દ્વારા બાંદરા મુકામે તથા નાદશિષ્યો પુંજલપીર-પૂંજાબાપાના નાદશિષ્ય હરજીવનબાપાના નાદશિષ્ય દેવારામબાપાના નાદશિષ્ય જયંતીબાપા દ્વારા ભેડા પીપળિયા મુકામે અખંડ રીતે વિદ્યમાન છે. મારી દૃષ્ટિએ આ પરંપરા હિન્દુ-સનાતન ધર્મની મોટી લોક સાંસ્કૃતિક ઘટના છે.
ઉગમસાહેબે મુસ્લિમ પુંજાબાપા પઠાણને સત્સંગી બનાવ્યા, પછી તેઓ સાધનાક્રિયામાં રત થયા. પૂંજાબાપાએ શિકાર છોડી દઈને અમરનગરના રાજવી અમરુબાપાના રેલવે સલૂનના બંગલે પગીપણું સ્વીકાર્યું. અમરુબાપુના બંગલે સત્સંગ ચાલે. બાંદરા પણ બધા આવે. સોનલમા, સંતાનો અને ખાસ તો નાનો દીકરો ભલો-ભલારામ પણ સત્સંગ અને સેવા-સાધનામાં રત રહે. અમરુબાપુના સલૂનના બંગલાના સત્સંગમાં તરધરીથી હરજીવનબાપાને બોલાવાયેલા. સાધના અને ભક્તિમાં રત રહેલ પૂંજાબાપાને ગુરુ ઉગારામે આદેશ આપ્યો. તમે એને પરબાધો, ગુરુપદ ધારણ કરો.
અમરુબાપુના સલૂનના બંગલાના સત્સંગમાં બાપુનો હજુરિયો જેરામભાઈ પણ સામેલ થયેલો. એને ક્ષ્ાય રોગ, લોહીની ઉલટી થાય. ડૉક્ટરોએ હાથ ખંખેરી નાખેલા. ઉગારામે જેરામભાઈને ત્રણ-ચાર કલાક સુધી ગાયના દૂધને મેળવીને એનું ઘોળવું પીવાનું કહ્યું. ઉગારામ કૃપાએ ક્ષ્ાય રોગ નાબૂદ થયો. ઉગારામ બાપાના અને તેની શિષ્ય મંડળીના વખાણ જેરામભાઈએ અમરુબાપુ સમક્ષ્ા કરેલા. એટલે અમરુબાપુએ તારીખ વાર નક્કી કરાવીને ઉગારામ બાપાનો સત્સંગ એમના બંગલે ગોઠવ્યો. પોતાની મોટરમાં બાંદરાથી ઉગારામ બાપાને અમરનગર માનપૂર્વક લવાયા. આમાં અનેક મહાનુભાવોની સામેલગીરી હતી. રાજકોટના પ્રખ્યાત વકીલ રતિલાલભાઈ, ગોંડલના કાકુભાઈ શેઠ, બરવાળાના પોલીસ પટેલ જીવાભાઈ, મામૈયાબાપુ ઉપસ્થિત હતા. પૂંજાબાપા, હરજીવનબાપા, જેરામભાઈ, આદિ શિષ્યમંડળની ઉપસ્થિતિમાં અમરુબાપુએ ઉગારામબાપા પાસેથી નામ-વચન લઈને ધન્યતા અનુભવી. એ સત્સંગ સમયે પ્રબોધનરૂપે ગાયેલી મનાતી ભજનરચના આસ્વાદીએ-
‘નિરવરતી પરવરતી પરખી, સંકલ્પ વિકલ્પ ને દૂર કરો;
આમાં જીવનમુક્તિ જાણી, તમે સંતોષ્ા વરને વરો. …૧
આ છે અવલ ક્વલની સાધના, તેનું સેજે સમરણ કરજો;
અનાદિ વચન છે ગુરૂદેવનું તેનું ધ્યાન, તમારી નાભિમાં ધરજો. …ર
આ છે પોતાના પૂન્યના પારખાં, તે તમે ગુપ્ત દાન દેજો;
સર્વમાં શાંતિ તપ સોહમ છે, તે તમારો આત્મા ઓળખી લેજો. …૩
ઈ વૃક્ષ્ા રૂપી તો એક જ છે, તેમાંથી દ્વાદશ પ્રગટયાં છે ડાળા;
અનુભવથી ઓળખો તો, સોહમપદ છે બાવન અક્ષ્ારથી બા’રા. ….૪
દમ કદમના દોરમાં ચાલે છે, તે નિર્ભયપદને નિહાળો;
દસમાં સોહમમાં સુરતા લગાવો તો, ત્યાં ઝરે અખંડિત ઝારો. …પ
ઈ વચન સદ્ગુરુએ સુણાવ્યો, તે જરાય નથી જુઠો;
સતસંગરૂપી પાટી કરી, વચન વતરણેથી તમે એકજ એકડો ઘૂંટો. …૬
અનુભવી ઈ સ્કુલમાં, અભેવચન સદ્ગુરૂએ શ્રવણે સુણાવ્યા;
દાસ ઉગાને ગુરૂ હીરસાગર મળ્યા, ત્યારે આ દેહમાં દરશાણા. …૭
મને ઉગમસાહેબની ભજનરચનાઓનાં ષ્ાટચક્ર ભેદનની ક્રિયાના નિર્દેશો અવલોક્વા મળ્યા છે. અહીં અવલ-ક્વલ બાવનથી બારા જેવી સંજ્ઞાના વિનિયોગ તથા નાભિમાં ધ્યાન ધરવાનો નિર્દેશ થયેલો છે. આ છ એ છ ચક્રોમાંના પચાસ વર્ણ ઉપરાંત બ્રહ્માંડ અને નિર્મલ ચૈતન્યનું ગુપ્ત સોહમ્ મળીને કુલ બાવન વર્ણની આ લીલા છે. પરંતુ જે બાવનથી બહાર છે તેને મળવા માટે આ પીંડમાંના છ ચક્ર અને સાથે-સાથે બ્રહ્માંડના છ કંવલ ઉપરાંત નિર્મલ ચૈતન્યના છ પદ્મ સુધીની સાધકની સુરતાએ યાત્રા કરવાની હોય છે. આ છ ચક્ર ભેદની ત્યાં સુધીની યાત્રાને ઉલટની અને ત્યારબાદની યાત્રાને પલટની સાધના ગણવામાં આવે છે.
નાભિ મણિપુર નામના ત્રીજા ચક્રનું સ્થાન છે. એમાં દશ પાંખડીનું કમળ એનું આસન ગણાય છે. ષ્ાડ ચક્ર ભેદની સાધનામાં પ્રારંભમાં બે ચક્રો મુલાધાર અને સ્વાધિષ્ઠાન સિદ્ધ થયા પછી એની યાત્રા મણિપુરથી આગળ ધપે છે. ગુરુમુખી વિદ્યાથી જ આ બધુ ગુરુકૃપાએ જ સિદ્ઘ થાય અને પૂર્વ ભવની કમાઈ તથા આ ભવની સાધનાનું જ એ ફળ ગણાય છે દશમા દ્વારે – શૂન્ય ચક્ર સુધીની યાત્રાનું આ ભજન છે.
‘દશમા સોહમ્માં સુરતા લગાવો ત્યાં ઝરે’ અખંડિત ઝરો સહસ્ત્રાર સુધીની યાત્રાનો નિર્દેશ ર્ક્યો જણાય છે. ઉગમસાહેબનું આ ભજન સામાન્ય રીતે શબ્દના વિનિયોગ અને પ્રાસ અનુપ્રાસને મેળવતી રચના નથી. એમનું અનુભવમૂલક અર્થઘટન અહીં નિરૂપાયું છે. નીજ અનુભૂતિ અને આત્મસાક્ષ્ાાત્કારની સાધનાની પ્રતીતિ અહીં પ્રાપ્ત થાય છે, જય હો ઉગમસાહેબનો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button