ધર્મતેજ

અઢારે આલમ: પ્રાચીન સમયની ગ્રામ વ્યવસ્થા

અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ

અઢારે આલમ, અઢારે વરણ, અઢારેય નાત-જાત.. જેવા શબ્દો આપણી લોકવ્યવહારની ભાષ્ાામાં વારંવાર વપરાતા સાંભળવા મળે, પરંતુ આ અઢારે જ્ઞાતિ કે જાતિ-વર્ણ વિશે કોઈ એક જ ચોક્ક્સ યાદી નથી સાંપડતી. ભગવદ્ગોમંડલ.૧/પૃ.૧ર૪ મુજબ અઢારે આલમ એટલે તમામ હિન્દુ જાતિ.. ચાર વર્ણ-બ્રાહ્મણ, ક્ષ્ાત્રિય, વૈશ્ય અને શુદ્ર ઉપરાંત નવ નારૂ-કંદોઈ, કાછિયા, માળી, હજામ, સુથાર, ભરવાડ, કડિયા, તંબોળી, સોની તથા પાંચ કારૂ-ઘાંચી, છીપા, લુહાર, મોચી, ચમાર.

ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં આદિ કવિનું બિરુદ મેળવનારા સંત-ભક્ત-કવિ નરસિંહ મહેતાના નામાચરણ સાથે લોકકંઠેથી મળતી આ રચનામાં એક શબ્દ આવે છે ‘અઢારે વરણ’… એ જ રીતે પરબની પરંપરાના મા હુરાંના શિષ્ય-ધોરાજીના સંતકવિ ગંગેવદાસની
એક રચનામાં પણ ‘અઢારે વરણ’ શબ્દનો પ્રયોગ થયેલો જોવા
મળે છે.

સંતો ભાઈ અમે રે વહેવારિયા શ્રી રામ નામના,
વેપારી આવે છે બધા ગામ ગામના,
અમારું વસાણું સાધુ સહુ કોને
ભાવે રે,
અઢારે વરણ જેને વહોરવાને આવે..

  • સંતો ભાઈ અમે રે વહેવારિયા શ્રી રામ નામના…૦
    લાખ કરોડે લેખાં નહીં ને, પાર વિનાની પૂંજી,
    વહોરવું હોય તો વહોરી રે લેજો, કસ્તુરી છે સોંઘી…
    આવરો ને ખાતાવહીમાં લક્ષ્મીવરનું છે નામ,
    ચિઠ્ઠીમાં ચતુર્ભુજ લખિયા, નરસૈંયાનું કામ.
  • સંતો ભાઈ અમે રે વહેવારિયા શ્રી રામ નામના…૦ ***
    ધૂન ધણી મેં તો ધાર્યો, પીરાંનો પરગટ પરચો મેં ભાળ્યો,
    એવા પરબવાળા પીર પાદશા, ધૂન ધણી મેં તો ધાર્યો…
    નકળંગ રૂપે નામ ગોરાંનું, બાવો ખેલ રમે છે ચોધારો,
    આંધળી દુનિયા કાંઈ નો દેખે, બાવે ડગલો પહેર્યો કાળો…
    -એવા પરબવાળા પીર પાદશા, ધૂન ધણી મેં તો ધાર્યો…૦
    આપ ન સૂઝે ભાઈ પથરાને પૂજે, એની આંખડિયે અંધારો,
    અંતર જ્યોતું અળગી મેલી, તમે દીવડિયા શીદ બાળો?
    -એવા પરબવાળા પીર પાદશા, ધૂન ધણી મેં તો ધાર્યો…૦
    ધોરાજીમાં ધૂન મચાવી, બાવે ખૂબ બતાવ્યો ડારો
    અઢારે વરણને એક જ પ્યાલે, એવો નૂરીજન નજરે નિહાળ્યો…
    -એવા પરબવાળા પીર પાદશા, ધૂન ધણી મેં તો ધાર્યો…૦
    સત ધરમનો મારગ મેલી, હાથે કરીને ભવ હારો ?
    હેત વિના હરિ હાથ ન આવે, લઈ ચોરાશીમાં ડાર્યો…
    -એવા પરબવાળા પીર પાદશા, ધૂન ધણી મેં તો ધાર્યો..૦
    ગંગેવ દાસી ચરણુંની પ્યાસી, નૂર મેં નૂર મિલાયો,
    ગંગેવ દાસી મા હુરાંને શરણે, મેં તો નૂરમેં નૂર મિલાયો,
    મહેર કરી મારે મંદિર પધારો, મેં તો હરખ નિરખ ગુણ ગાયો..
    -એવા પરબવાળા પીર પાદશા, ધૂન ધણી મેં તો ધાર્યો..૦
    કોઈપણ ગામ વસાવવામાં આવે ત્યારે નવ પ્રકારની જાતિ-જ્ઞાતિના પરિવારોને ખાસ બોલાવી એનો વસવાટ કરાવવામાં આવે.(૧) બ્રાહ્મણ-(૮૪ નાતના બ્રાહ્મણોમાંથી કોઈપણ કુટુંબ-ગ્રામ પુરોહિત તરીકે અને સાધુ-અતીત, રામાનંદી, નાથ, મારગી. (ગ્રામદેવતા તથા સ્થાનદેવતાના પૂજન અર્થે.) (ર) ક્ષ્ાત્રિય-સૂર્યવંશી, ચન્દ્રવંશી, અગ્નિવંશી. રાજપૂત, રજપૂત, કાઠી… વગેરે તમામ ક્ષ્ાાત્ર કૂળના
    પરિવારો. (સંરક્ષ્ાણ તથા રાજ્યવહિવટ અર્થે.)
    (૩) વૈશ્ય-વણિક-વાણિયા-દોશી લોહાણા (વેપાર). ખેડૂત(ખેતી-કૃષ્ાિકાર્ય). માલધારી-(ભરવાડ, આહિર, રબારી, ચારણ). નાગર(મંત્રી કે પ્રધાનપદે). (૪) અંત્યજ કે શુદ્ર-વણકર, ચમાર, હાડી, રૂખી(ઢોલી)… (પ થી૧૩) નવ નારૂ એટલે વસવાયા. (૧) વાળંદ-નાયી, (ર) કુંભાર, (૩) દરજી, (૪) ઘાંચી, (પ) મોચી, (૬) ધોબી, (૭) માળી-તંબોળી, (૮) કોળી-પગી-પસાયતા, (૯) પિંઝારા……. (૧૪થી ૧૮) પાંચ કારૂ એટલે પાંચ જ્ઞાતિના કારીગરો. (૧) સોની/મણિયારા. (ર) સુથાર, (૩)
    લુહાર, (૪) કડિયા-સોમપુરા, (પ) કંસારા,
    આ અઢારે આલમમાં-(યાચક ગણાતી જાતિઓ) બારોટ-બ્રહ્મભટ્ટ-ભાટ-રાવ, ચારણ, તરગાળા- ભવાયા, તૂરી, મીર, લંઘા, મોતીસર વગેરે… (ભટક્તી જાતિઓ) ભાંડ, મલ્લ, મદારી- વાદી, બજાણિયા, સરાણિયા, સરૈયા, દેવીપૂજક-વાઘરી- આડોડિયા, સંધી, સિપાહી, ડફેર, ઉપરાંત સલાટ, રંગરેજ, વાંસફોડા, વાસણને કલઈ કરનારા, ઓડ, કાછિયા, પખાલી, ચુનારા… વગેરે અનેક જાતિઓનો સમાવેશ થઈ જાય છે.

પ્રાચીન ભારતવર્ષ્ાના વિવિધ પ્રદેશોમાં રહેનારી આર્ય અને અનાર્ય પ્રજાઓ માટે-પૌરાણિક સાહિત્યમાંથી (૧) આર્યક, કપિલ, દ્રમ્ભી, પુષ્કર અને માગધ. (ર) વિદિશ્ય, પ્રીત, સ્નેહ, ધાન્ય,માનસ,(૩) તિષ્ય, ભાવિ, કૃષ્ણ, મંદ્રોક, મન્દ્રગ઼… જેવા નામ સંકેતો વર્ણવાતાં આવ્યાં છે. તો મ્લેચ્છોમાં શક, યવન, કાંબોજ, પારદ, પહલ્લવ, દશ્યુ, મુતિબ,કિરાત, ગાંધાર, ચીન, પુલિંદ… અને ચાંડાલ વર્ગમાં પ્લવ, માતંગ, દીવાકીર્તિ, જનગમ, નિષ્ાાદ, પુલ્ક્સ જેવાં નામસંકેતો મળે છે. એ સિવાય અન્ય વિવિધ ગ્રંથોમાંથી પણ જૂના સમયના જ્ઞાતિસંકેતો જેવા કે-કુલક (કોળી), કુર્મી, હલિક, કૃષ્ાાણ(કણબી), સાતવાહણ(સથવારા), તુન્વાય કે સૌચિક (સઈ- દરજી), વ્યોમકાર/લોહકાર(લુહાર), સાર્થવાહ(વણઝારા), રજક / નિર્જણક(ધોબી), જાવાલ/ રાહબાર (રબારી), અજાજીવ/ગલેબાન (ભરવાડ), કુંમ્ભકાર/ કુલાલ (કુંભાર-પ્રજાપતિ), પાદ્રુકૃત- ચર્મકાર(મોચી-ચમાર)… પ્રાપ્ત થતા રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button