ખુદા કે નૂર સે આદમ જુદા નહીં : મનુષ્ય માત્રમાં ઇશ્ર્વરની આભા
આચમન -અનવર વલિયાણી
સમસ્યા કરતાં એનો ડર વધુ ખતરનાક હોય છે. આ સંદર્ભમાં એક જાણીતા ઉર્દૂ ભાષાના કવિએ બહુ સરસ વાત કરી છે.
જિસકો સમજતા રહા મેં ઝહરીલા સાપ
વો તો નીકલી એક સુકી હુઇ રસ્સી,
મૈં ડર રહા થા અપને આપ
બિના સમજે સમસ્યા કા માપ.
- સમયની રેતીને સરતા જરાય સમય લાગતો નથી.
- સમયનો શહેનશાહ કોઇની શેહશરમ રાખતો નથી.
- સમય કોઇને માટે થોભતો નથી.
- સમયની સામે બાથ ભીડવા જનારાઓ મીઠ્ઠીમાં મળી જાય છે.
- સમસ્યાઓ છે,
- આધિવ્યાધિ, ઉપાધિ છે એવી ફરિયાદ કરનારા પર સમય મૂછમાં હસે છે. * આ દુનિયામાં છ-સાડા છ અબજ લોકો વસે છે. દરેકને પોતાની કોમ, ભાષા, રહેણીકરણી અને મઝહબ-ધર્મ છે. * દરેકને પોતાના કુટુંબ પરિવાર અને પોતાના પ્રશ્ર્નો છે, પરંતુ એ પ્રશ્ર્નને યાદ કરી કરીને માનવી રડતો રહે તેથી એ હલ થતા નથી. * એના જવાબો માણસે જાતે શોધવા પડે છે. * પ્રયત્ન કરે છે તેઓ ક્યારેક મંઝિલ સુધી પહોંચે છે. * કોશિશ કરે છે તેને ગેબી મદદ મળે છે. પેલો એક અતિ જાણીતો શેર યાદ કરવા જેવો છે.
આદમ કો ખુદા મત કહો, આદમ ખુદા નહીં,
લેકિન ખુદા કે નૂર સે આદમ જુદા નહીં.
મારામાં, તમારામાં, પેલામાં, આનામાં સૌમાં ખુદાઇ નૂર. (ઇશ્ર્વરની આભા) છે તો પછી પ્રયત્ન શા માટે ન કરવો? * સમસ્યાને જોવાની નજર બદલાઇ જાય તો સમસ્યા રહેતી નથી. – તમને જયારે કોઇનો બંગલો જોઇને તમારા ઘરનો વિચાર આવે તો મનને કહો: ચારે બાજુ ગંદકા, નરક અને માથું ફાટી જાય એવી બદબૂ વચ્ચે ઝૂંપડપટ્ટીમાં રહેતા માણસ કરતાં હું કેટલો સુખ છું. * મારી પાસે પાકા મકાનમાં યોગ્ય સગવડ ધરાવતો રૂમ તો છે * તરત પેલા બંગલાવાળાને જોઇને આ આવેલા હતાશાજનક વિચારો દૂર થઇ જશે.
જીવન છે, ઘર પરિવાર છે, વેપાર રોજગાર છે. તેમાં બારે માસ સરખા તો જવાના નથી. તકલીફો, સમસ્યાઓ તો આવતી જતી રહેવાની. એ સમસ્યાના નામે રડતા રહેવાથી કે હાથ જોડી બેસી રહેવાથી શું થવાનું છે? * બેહતર છે કે સમસ્યાનો સામનો કરીએ ઘણીવાર આપણે ધારીએ છીએ એટલી ગંભીર કોઇ સમસ્યા માનીએ એવી કોક પરિસ્થિતિ કે સંજોગોનું અસ્તિત્ત્વ જ હોતું નથી.
બોધ: હર દિવસ કરવટ બદલી રહ્યો છે અને દરેક દિવસ આવતી કાલે વીતેલી ગઇકાલ બની રહેવાની છે. ત્યારે અમર શાયર ઉમર ખય્યામની એક રૂબાઇથી આવતી કાલના સૂર્યોદયનું ઉષ્માભર્યું સ્વાગતને નિત્યક્રમ બનાવી લઇએ:
મારું આ અસ્તિત્વ છે
તારી જ કુદરતની કલા;
સો વરસ પોષ્યો મને
બહુ લાડથી તેં ઓ ખુદા!
એક સદી બીજી હજુ
પાપો કરીને જોઇ લઉં
કોણ બેમાંથી વધે
મુજ દોષ કે તારી દયા?
સોનાની વાત
- ભોજનની જેમ ભજનમાં પણ નિયમ રાખવો જોઇએ.
- મરણને ભક્તિ જ સુધારે છે, માત્ર જ્ઞાન પર ભરોસો રાખશો નહીં.
- અતિથિ ભગવાનનું સ્વરૂપ છે.