ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ
દયાની ભાષા એવી જેને બહેરા સાંભળી શકે, મૂંગા અનુભવી શકે-આચમન

આચમન -અનવર વલિયાણી
પથ્થરયુગના આદિમાનવોમાંથી સર્વપ્રથમ જેનામાં દયાનો ભાવ ઉત્પન્ન થયો તે દિવસથી માનવોમાં આધ્યાત્મિકતાનાં બીજ રોપાણાં.
- દયા, સંવેદનશીલતા, – અનુકંપાના લીધે, કરુણા, ઉદારતા, દાન, સેવા અને ન્યાયીપણાની ભાવના વિકસિત થતી ગઈ, નીતિ-નિયમો, ક્ષમા-પ્રેમ વગેરે વડે.
- ધર્મ અને અધર્મની વ્યાખ્યાઓ બંધાતી ગઈ.
- સંવેદનશીલતાની માટીમાં (હૃદયમાં) જ દયાના બી ઊગી શકે.
- પશુ-પક્ષી-જળચર અને જંતુઓમાં દયાનો ભાવ નથી હોતો. આજે હજારો વર્ષ પછી પણ દયાવાન પશુ-પક્ષી કે જળચર નથી દેખાતાં.
- પ્રેમ-વફાદારી મળી શકે પણ, દયા, કરુણા, ત્યાગ, સેવા નહીં!
- જિસસ, ભગવાન શ્રી બુદ્ધ, ભગવાન શ્રી મહાવીર, હઝરત (માનવંત) મહંમદ સાહેબ, મધર ટેરેસા જેવી અનેક વિભૂતિઓમાં. દયા, કરુણા, અહિંસા, ક્ષમા, સેવા, શુશ્રૂષા, ત્યાગ, દાન, પ્રેમ છલકે છે તે શીખવા, અપનાવવા જેવા છે.
- આ બધી અભિવ્યક્તિના વિકાસમાં ‘બી’નું કામ દયાના ઉત્પન્ન થયેલા ભાવનું છે, જેના લીધે ધર્મનું વટવૃક્ષ અને તેની શાખાઓનો વિકાસ થયો. તેથી કહેવાય છે કે, – ‘દયા ધર્મનું મૂળ.’
- ધર્મના પાલનની પહેલી શરત-પગથિયું-સલાહ ‘દયા’ છે.
- કોઈ પણ જીવપ્રત્યે ‘દયા’ બતાવનારના હૃદયમાં ધર્મનો અંશ છે તેમ કહી શકાય.
- રાવણ અને આસુરી વૃત્તિવાળાઓમાં દયા, દાન, ત્યાગ, સેવા, સબ્ર-ધીરજનો અભાવ હોય છે
તેમ આ લખનારનું માનવું છે.
સનાતન સત્ય:
- જે દયાવાન નથી હોતા તેમને પોતાના અંત સમયે પોતા પર દયા આવે છે.
- દયા પુણ્ય માટે નહીં, પણ અનુકંપાથી પ્રેરાઈને કરવાથી. – આત્મતૃપ્તિ – સંતોષ, પ્રસન્નતા મળે છે માટે કરવી જોઈએ.
- ઈશ્ર્વર, અલ્લાહ, ગૉડથી વધુ કે એની બરોબરી કરી શકે એવો દયાળુ-કૃપાળુ ભલા કોણ હોઈ શકે?
- ‘વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે…’માં અનુકંપા, કરુણા, દયા અને સેવાનો ભાવ છલકે છે.
- સંત કબીરની સલાહ:
દયા કૌન પર કીજીએ, કા પર નિર્દય હોય.
સાંઈ કે સબ જીવ હૈ, કીરી કુંજર હોય.
જો જલ બાઢે નાવમે, ઘરમેં બાઢે દામ.
દોઉ તથા ઉલેચીએ, યહી સજ્જનકા કામ.
- દયા કરે છે તેને ઈશ્ર્વર ચાહે છે.
- દયા કરવી એ આપણી ફરજ નહીં, પરંતુ આધ્યાત્મિક આનંદ છે.
- એ આપણી તંદુરસ્તી તથા કીર્તિમાં પણ વધારો કરે છે. – દયા એવી ભાષા છે જે
- બહેરા સાંભળી શકે છે અને
- મૂગા અનુભવી-સમજી શકે છે.
બોધ: – ‘દયા ધરમ કા મૂલ હૈ’ જો આ લખનાર સમજાવી શક્યા હોય તો ‘પાપ મૂળ અભિમાન’ સમજાવવા માટે આખા પાનાની જરૂર નહીં પડે એમ અમને લાગે છે.
જીવનમાં લેણાં-દેણી:
જીવનના ચોપડે સઘળા
હિસાબો થઈ જશે સરભર,
જમા રાખો ‘તું હી તું,’
ને બીજી બાજુ ઉધારો ‘હું.’