ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

આચમનઃ ભાગ્યવાનને જ સત્સંગની પ્રાપ્તિ થાય

  • અનવર વલિયાણી

શાંત રમણીય વાતાવરણમાં એક સાધુ મહાત્મા નદી કિનારે બેઠા હતા. ત્યાં તેમણે એક બગલાને પોતાની ચાંચ વારંવાર પાણીમાં બોળીને પથ્થર પર ઘસતા જોયો.

  • આ જોઈને સાધુ મહાત્માને ગમ્મત પડી.
  • તે બોલી ઊઠા:-
    ઘિસ ઘિસ ઘિસ ઘિસ ઘિસતા હૈ,
    ઉપર લગાવત હૈ પાની;
    કિસ કારણ કો ઘિસત હૈ,
    વોહી બાત મૈં જાની!
  • એક રાજા ત્યાંથી પસાર થતા હતા તેણે આ શબ્દો સાંભળ્યા. એ શબ્દો ધ્યાનપૂર્વક સાંભળીને યાદ રાખી લીધા.
  • સાધુને નમસ્કાર કરીને મહેલે પાછા ફર્યા.
    મહેલમાં બીજી ઘટના ઘટી હતી.
  • રાજાની રાણી અને રાજાના એક પ્રધાન બંને એકબીજાનાં પ્રેમમાં હતાં. પોતાના માર્ગમાંથી રાજાનો કાંટો કાઢી નાખવા માટે તેમણે ધમકી તેમજ પ્રલોભનો આપી રાજાના હજામને સાધી લીધો. રાજા દાઢી કરતા કરતા રાજાની ગરદન ઉડાવી દેવી એવી યોજના ઘડી હતી.
    બીજે દિવસે હજામ દાઢી કરવા આવ્યો. પોતાના અસ્તરાને ધારદાર કરવા પથરા પર પાણી લગાડીને વારંવાર ઘસવા લાગ્યો. તે દરમિયાન રાજાને સ્વાભાવિકપણે સાધુ મહારાજના મુખે સાંભળેલા શબ્દો જબાને ચડ્યા. તે બોલવા લાગ્યા, ઘિસ, ઘિસ, ઘિસ ઘિસ ઘિસત હૈ, ઉપર લગાવત પાની; કિસ કારણ કો ઘિસતે હૈ, વો હી બાત મૈં જાની!
    રાજાના આ શબ્દો સાંભળીને હજામ એકદમ ગભરાઈ ગયો. એને થયું કે રાજાને આખા કાવતરાની ખબર પડી ગઈ લાગે છે. તેણે રાજાનાં ચરણોમાં પડીને ક્ષમા માગી. કાવતરાની આખી વાત રાજાને જણાવી પોતે નિર્દોષ છે એમ પણ કહ્યું. રાજાએ હજામને તો માફી આપી, પણ રાણી તેમજ પ્રધાનને ઉચિત સજા કરી.
    ગુજરાતી સાહિત્યના એક કવિએ યથાર્થ ગાયું છે કે-
    સંત સંગથી સુખ મળે,
    સંકટ ટળે સમૂળ;
    શત્રુ મટી સૌ મિત્ર બને,
    કંટક બને સૌ ફૂલ…
    વળી, આ કથાનકના સંદર્ભમાં વિચારીએ તો કબીરજીનાં આ બોધવચનો વાંચવા ખૂબ જ યથાર્થ લાગશે:
    કબીર સોઈ દિન ભલા,
    જા દિન સાધુ મિલાય;
    અંક ભરૈ ભરિ ભેટિયે,
    પાપ શરીરાં જાય…
    સત્પુરુષનું એક વચન પણ સાંભળી લેવામાં આવે તો મનુષ્યના જીવનમાં રૂપાંતરણ શરૂ થઈ જાય છે.
    સત્સંગ બધા ધર્મોનો સાર છે.
    માનસમાં તુલસીદાસ મહારાજે ગાયું છે કે,
    બડે ભાગ પાઈ સત્સંગા,
    બિનુ પ્રયાસ હોંહિ ભવ ભંગા.
    અર્થાત્: બહુ મોટું ભાગ્ય હોય તો જ સત્સંગની પ્રાપ્તિ થાય છે અને સત્સંગની પ્રાપ્તિ થતાં જ સત્સંગ દ્વારા મનુષ્યને વિના પ્રયાસે ભવબંધનોમાંથી મુક્તિ મળી જાય છે.
    સંસારના તાપોથી ઘેરાયેલા મનુષ્યને જ્યારે કોઈ સાચા સંતનું શરણ મળી જાય છે ત્યારે તે સંતની સંન્નિધિના પ્રતાપે તેના તમામ સાંસારિક તાપોનું આપોઆપ નિવારણ થઈ જાય છે.
    કદાચ એટલા માટે જ આપણા સંતકવિઓએ ગાયું છે કે,
    સંત ન હોતે જગત મેં
    તો જલ મરતા સંસાર…
  • સંતો પરમાત્માનો વૈભવ છે.
  • સત્પુરુષોની સંગતમાં રહેવું અર્થાત્ સત્સંગ.
  • સંતો સંસારી જીવોના સ્વભાવમાં શુભ પરિવર્તન કરાવીને તેમને સંસારના તાપોથી મુક્તિ અપાવે છે.
  • મહાત્મા પુરુષોનો સંગ કોની ઉન્નતિ કરતો નથી? તે તો સર્વેની ઉન્નતિ કરે જ છે.
  • જેવી રીતે શેરીઓમાં વહેતાં પાણી ગંગા નદીના સંસર્ગમાં આવવાથી દેવતાઓ પણ તેને નમે છે.
  • વેદ કહે છે સુસંગતિ લહુ… અર્થાત્ સત્સંગથી લાભ જ થાય.
  • નક્કી માનજો, જીવનને જ્યારે સત્સંગ મળે છે, કારણ કંઈ પણ હોય, ત્યારે તેના ઉદ્ધાર નિશ્ચિત બને છે.
    સંત, સપૂત ને તૂંબડા
    ત્રણેનો એક સ્વભાવ,
    તારે પણ ડૂબાડે નહીં,
    ઉતારે ભવપાર…- પ્રિય શ્રદ્ધાળુ વાચકમિત્રો! જન્મ મરણના ભયથી મુક્ત થવું હોય તો સત્સંગરૂપી તીર્થમાં ડૂબકી મારીને કોઈ સંતનું શરણ સ્વીકારજો. ત્યાં તમને સંસારના તાપોથી મુક્તિ અને અભય પ્રાપ્ત થશે જ એમાં શકની કોઈ ગુંજાઈશ નથી.

આ પણ વાંચો…અલખનો ઓટલો: નરસિંહ મહેતાને નામે ગવાતી એક જ રચના- ત્રણ પાઠ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button