દેવી કૌશિકીની શરતો પ્રમાણે ભાઈ શુંભ તેમને પરાજિત કરી તેમની વરણી કરશે
શિવ રહસ્ય – ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
બ્રહ્મલોક પહોંચી બ્રહ્માજી વિશ્ર્વકર્માજીનું આવાહન કરે છે અને આદેશ આપે છે કે, ‘તપોવનના શિખર પર બેસેલી દેવી કૌશિકીને એક સુંદર મહેલ બનાવી આપો.’ વિશ્ર્વકર્માજી તુરંત તપોવનના શિખર પર પહોંચે છે દેવી કૌશિકીને એક સુંદર મહેલ બનાવી આપે છે. દેવી કૌશિકી તેમાં નિવાસ કરે છે. દમનકારી શુંભ-નિશુંભના સૈનિકો ફરતાં ફરતાં તપોવન ખાતેનો આ સુંદર મહેલ કોનો છે એ જાણવાની કોશિશ કરે છે અને મહેલમાં ઘૂસવાની તૈયારી કરે છે. દેવી કૌશિકીના દરવાનો શુંભ-નિશુંભના સૈનિકો અટકાવતાં તેઓ આક્રમણ કરે છે. દૈવી કૌશિકી ક્રોધિત થાય છે અને તેમને ચેતવણી આપે છે, પણ શુંભ-નિશુંભના સૈનિકો નહીં માનતા દેવી કૌશિકી તેમનો વધ કરે છે. એ દરમિયાન શુંભ-નિશુંભનો સેનાપતિ મોહાસુર ત્યાંથી પલાયન થવામાં સફળ થાય છે. એ તુરંત સ્વર્ગલોક પહોંચે છે અને તેમના સૈનિકોનો એક યુવાન ક્ધયા દેવી કૌશિકીએ વધ કર્યો છે તેવું જણાવે છે. બીજી તરફ અસુરગુરુ શુક્રાચાર્ય એક યજ્ઞનું આયોજન કરે છે અને તેમાંથી અસુર શૂરવીરોને પ્રગટ થવાનું આવાહન આપે છે. થોડા જ સમયમાં તેમાંથી ત્રણ અસુરો પ્રગટ થાય છે. તેઓ જણાવે છે કે ‘અમે તમારા આવાહન પર પાતાળલોકથી આવ્યા છીએ, અમે પાતાળલોકના સ્વામી ચંડ-મુંડ છીએ અને આ અમારા દૂત સુગ્રીવ છે.’ અસુરગુરુ શુક્રાચાર્ય તેમને શુંભ-નિશુંભની સુરક્ષાની જવાબદારી સોંપતા તેઓ સ્વર્ગલોક પહોંચે છે. સ્વર્ગાધિપતિ શુંભ-નિશુંભનો આદેશ મળતાં જ ચંડ-મુંડ તપોવન ખાતે દેવી કૌશિકીના મહેલમાં ઘૂસે છે. દેવી કૌશિકી ચંડ-મુંડને કહે છે કે, ‘મને ખબર જ હતી કે શુંભ-નિશુંભ કોઈ દૂતને અવશ્ય મોકલશે. જઇને તેમને જણાવી દો કે હું તમારા બેમાંથી કોઈ એક સાથે જ વિવાહ કરીશ, જે મને યુદ્ધમાં પરાજિત કરશે અને બીજાએ અહીંનો રાજપાટ છોડી પાતાળલોક જવું પડશે. દેવી કૌશિકીની શરતો સાંભળી ચંડ-મુંડ સ્વર્ગલોક પહોંચે છે, દૈવી કૌશિકીની શરતો જણાવે છે અને તેમની સુંદરતાનું ગુણગાન કરે છે. નિશુંભ કહે છે કે, ‘તમે દૈવી કૌશિકીની સુંદરતાનું ગુણગાન કર્યું છે, તેનાથી હું મંત્રમુગ્ધ થયો છું, દેવી કૌશિકીની શરતો પ્રમાણે ભાઈ શુંભ તેમને પરાજિત કરી તેમની વરણી કરશે, હું પાતાળલોક જવા તૈયાર છું.’ આટલું સાંભળતાં સ્વર્ગાધિપતિ શુંભ પોતાના સૈનિકોને દેવી કૌશિકી પર આક્રમણ કરવા આદેશ આપે છે.
શુંભ-નિશુંભના લક્ષ-ચોર્યાસી સૈનિકો દૈવી કૌશિકી પર આક્રમણ કરવા કૂચ કરે છે. એ જોઈ દેવર્ષિ નારદ કૈલાસ પહોંચે છે.
દેવર્ષિ નારદ: ‘માતા પાર્વતી કી જય હો, શુંભ-નિશુંભના લક્ષ-ચોર્યાસી સૈનિકો દેવી કૌશિકી પર આક્રમણ કરવા કૂચ કરી રહ્યા છે.’
માતા પાર્વતી: ‘સ્વામિ, મારી પુત્રી કૌશિકી પર શુભ-નિશુંભના સૈનિકો આક્રમણ કરવા કૂચ કરી રહ્યા છે.’
ભગવાન શિવ: ‘દેવી એ તમારો અંશ છે, વિશ્ર્વાસ રાખો દેવી કૌશિકીને કંઈ નહીં થાય.’
આટલું કહી ભગવાન શિવ ફરી તપમાં લીન થઈ જાય છે.
પોતાની પુત્રી પર આવી રહેલા સંકટને ખાળવા માતા પાર્વતી પોતે જ તપોવન પહોંચે છે.
માતા પાર્વતીને આવેલા જોઈ દેવી કૌશિકી માતા પાર્વતીને કહે છે માતા હું શુંભ-નિશુંભના સૈનિકોનો ખાતમો બોલાવવા સક્ષમ છું.’
માતા પાર્વતી: ‘પુત્રી તમે મહેલમાં રહો હું અહીં જ તેમની રાહ જોઈશ.’
આવી રહેલા લક્ષ ચૌર્યાસી સૈનિકોને જોઈ માતા પાર્વતી ક્રોધિત થાય છે અને ચામુંડાનું રૂપ ધારણ કરે છે.
લશ્કરની આગેકૂચ કરી રહેલા ચંડ-મુંડને જોઈ માતા પાર્વતી કહે છે, ‘અદ્વિતીય મહેશ્ર્વર પરમાત્મા સર્વત્ર બિરાજમાન છે, જે સદાશિવ કહેવાય છે. વેદ પણ એમના તત્ત્વને જાણતા નથી, એ સદાશિવની હું સૂક્ષ્મ પ્રકૃતિ છું, પછી બીજાને કેવી રીતે પતિ બનાવી શકું. તમે કાલરૂપી સર્પના ફંદામાં ફસાયેલા છો, તમે યા તો પાતાળ પાછા જતા રહો અથવા મારી સાથે યુદ્ધ કરો.
દેવીના આ ક્રોધ પેદા કરનારાં વચનો સાંભળી ચંડ-મુંડ કહે છે, ‘અમે તમને અબળા માનીને મારતા ન હતાં, પરંતુ જો તમારા મનમાં યુદ્ધની જ ઇચ્છા હોય તો સિંહ પર સુસ્થિર થઈ જાઓ અને યુદ્ધ માટે આગળ વધો.’
આમને-સામને બાણોની વર્ષા થવા લાગી અને માતા ચામુંડાએ લીલા પૂર્વક યુદ્ધ કરીને ચંડ-મુડ સહિત લક્ષ ચોર્યોસી સેનાનો વધ કર્યો. ચંડ-મુંડના શીર્ષ સ્વર્ગલોક જઈ પડયા. ચંડ-મુડના શીર્ષ કપાયેલા તેમની સમક્ષ પડતાં શુંભ-નિશુંભ આતંકિત થઈ જાય છે.
સેનાપતિ સુગ્રીવ: ‘મહારાજ શુભ-નિશુંભનો વધ થઈ ગયા બાદ તમારે કોઈ બુદ્ધિમાની દૂતને મોકલવો જોઈએ.’
શુભ: ‘સેનાપતિ સુગ્રીવ તમારી વાત સાંભળી મને ક્રોધ આવી રહ્યો છે, હવે તમારે કંઈ કરવાનું નથી, જે કરીશ તે હું કરીશ, એ ત્રિલોકસુંદરીને હું પરાજિત કરી મારી પટરાણી બનાવીશ. ચાલો સૈનિક વીરો આક્રમણ માટે તૈયાર થઈ જાઓ.’
મહાબલિ શુંભના આદેશથી અસુર સૈનિકો યુદ્ધ માટે તૈયાર થઇ ગયા. મૃદંગ, મર્દલ, ભેરી, ડિડિંમ, ઝાઝ અને ઢોલ જેવાં વાદ્યોનો અવાજ સંભળાવા લાગતાં શુભ-નિશુંભમાં હર્ષ અને ઉત્સાહનો સંચાર થવા માંડયો, તેઓ યુદ્ધસંબંધી વસ્ત્રો તથા કવચ વગેરે ધારણ કરી યુદ્ધ ભૂમિમાં પહોંચી ગયા.
ચંડ: ‘હે, દેવી, તમારા જેવી સુંદરીઓના રમણીય શરીર પર માલતીનું એકાદ ફૂલ પણ ફેંકવામાં આવે તો પણ તે વ્યથા ઉત્પન્ન કરી દે છે, એવા મનોહર શરીરથી તમે વિકરાળ યુદ્ધ કેવી રીતે લડી શકશો?’
માતા ચામુંડા: ‘હે મૂર્ખ અસુર! વ્યર્થની વાતો શા માટે કરી રહ્યો છે, યુદ્ધ કર, નહિતર ચંડ-મુડની ગેરહાજરીમાં પાતાળ લોક ચાલ્યો જઈ ત્યાં રાજ કર.’
ક્રોધિત થયેલો નિશુંભ સમરભૂમિમાં બાણોની અદ્ભુત વૃષ્ટિ કરવા લાગ્યો, જાણે વર્ષાઋતુનું આગમન થઈ રહ્યું હોય. મદથી ઉદ્વત થયેલો શુંભ તીક્ષ્ણ બાણ, શૂલ, ફરસો, ભિન્દિપાલ, પરિઘ, ભુશુંડિ, પ્રાશ, ક્ષુરપ્ર જેવી મોટી મોટી તલવારોથી યુદ્ધ કરવા માંડયો. તેને જોઈ દેવી ચામુંડા વધુ ક્રોધિત થાય છે અને ઝેર પાયેલાં તીક્ષ્ણ બાણ દ્વારા નિશુંભને ધરાશાયી કરી દીધો.
અસીમ શક્તિશાળી નાના ભાઈના માર્યા જવાથી શુભ રોષે ભરાય છે અને રથ પર બેસી આઠ ભુજાઓથી યુક્ત થઈને માતા ચામુંડા પાસે આવ્યો અને જોરશોરથી શંખ વગાડવા માંડયો. એ જોઈ માતા ચામુંડાનો સિંહ પણ ગર્જના કરવા માંડયો. સામ-સામે અસ્ત્રોની રમત રમાવા માંડી અને અંતે માતા ચામુંડાએ ત્રિશુળ ઉઠાવીને શુંભ પર આક્રમણ કયુ્રં, ત્રિશુળની ચોટથી એ મૂર્છિત થઈ જમીન પર પડી ગયો. પોતાને જમીન પર પડેલો જોઈ શુંભ જોત-જોતામાં દસ-હજાર બાહુઓ ધારણ કરી લે છે. તે દસ-હજાર બાહુઓથી માતા પર બાણોની વર્ષા કરે છે. ક્રોધિત માતા ચામુંડા ફરીવાર ત્રિશૂળ ઉઠાવે છે અને શુંભ પર ઘાટક પ્રહાર કરે છે. માતા ચામુંડાના લોકપાવન પાણિપંકજથી શુંભ મૃત્યુને વરે છે. આમ બંને અસુરો પરમપદના ભાગી થાય છે. (ક્રમશ:)