ધર્મતેજ

શાસ્ત્રો પ્રમાણે વિવાહ એ ધાર્મિક પ્રસંગ છે કે સામાજિક?શું છે તેના પ્રકારો?

પ્રાસંગિક -રાજેશ યાજ્ઞિક

વિહંગમ પક્ષદ્વયેન ભૂષિત:, ઉડ્ડીયતે વ્યોમ્ની સુખેચ્છ્યા યથા
તથા ગૃહસ્થસ્ય ગૃહસ્ય શોભા પ્રજાયતે યત્ર દ્વો અસ્તિ સૌહૃદ:
એટલે કે જે રીતે પક્ષી તેની બે પાંખોના મેળથી ભૂષિત થઈને જ આકાશમાં ખુશીથી ઉડે છે. એવી જ રીતે સ્ત્રી-પુરુષ એકમેક સાથે મૈત્રીપૂર્ણ રીતે રહે છે ત્યારે ગૃહસ્થના ઘરની સુંદરતામાં પણ વધારો થાય છે. વ્યાકરણ મુજબ, ‘લગ્ન’ શબ્દ મૂળ ‘વિ’ અને પ્રત્યય ‘ઘન’થી બનેલો છે જેનો અર્થ થાય છે “વિશિષ્ટ વહન . તેનો અર્થ એ છે કે બે આત્માને એક આત્મા બનાવવું. બે આત્માઓને એક કરવા, બે હૃદયને એક કરવા, બે મનને એક કરવા, બે લાગણીઓને એક કરવી, બે શબ્દોને એક કરવા અને બે પરિવારોને એક કરવા.

હિંદુ ધર્મમાં લગ્નને સાત જન્મનું બંધન માનવામાં આવે છે જેમાં બે આત્માઓ એક થાય છે. લગ્ન એ સોળ સંસ્કારોમાંથી પંદરમો સંસ્કાર કહેવાય છે જેમાં વ્યક્તિ પોતાના બ્રહ્મચારી જીવનથી ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરે છે. તેમજ મનુસ્મૃતિમાં લગ્નને તેમના પ્રકાર પ્રમાણે આઠ ભાગમાં વહેંચવામાં આવ્યા છે. આના આધારે લગ્ન કરવાની પરંપરા રહી છે.

ભારતમાં વિવાહ એક સામાજિક પ્રસંગ પછી છે, પણ પહેલા એક ધાર્મિક પ્રસંગ છે. આધુનિક સમયમાં આપણે વિવાહની વિધિઓને ગંભીરતાથી લેવાને બદલે સૌથી પહેલો તેમાં જ કાપ મુક્યો છે અને બાકીના તમાશા વધારી મુક્યા છે. એ આપણી ધર્મ પ્રત્યેની ઘટી રહેલી સમજણ અને શિક્ષણનું દુષ્પરિણામ છે. વિવાહ સંસ્કાર અંતર્ગત અનેક અનુષ્ઠાનો અને યજ્ઞ-યાગનું આયોજન થાય છે. ‘ક્ધયાદાન’ અથવા વધૂના પિતા દ્વારા પોતાની પુત્રીનું દાન. અહીં પણ કહેવાની જરૂર છે કે આજે ‘આધુનિક’ ગણાતા અથવા પોતાને આધુનિક કહેવડાવતા લોકો પ્રશ્ન કરે છે કે સ્ત્રી કંઈ વસ્તુ છે કે જેનું દાન કરાય? હવે એ ભણેલા અભણોને પહેલા દાન કોને કહેવાય? દાન શબ્દનો અર્થ શું છે? દાન કોને અપાય? આ બધું ખબર ન હોય પણ વક્તાઓ બનીને સામાજિક મેળાવડાઓમાં ઝીંક્યે રાખતા હોય છે! ખેર, પણ ક્ધયાદાન એ પણ એક ધાર્મિક વિધિ છે. ઉપરાંત, અગ્નિદેવને સાક્ષી રાખીને, આહુતિ આપીને, સંસ્કારને પવિત્ર કરનાર અગ્નિના રૂપમાં પ્રજ્વલિત કરવું (વિવાન-હોમ), વર દ્વારા વધૂનો હાથ પોતાના હાથમાં લેવો (પાણિગ્રહણ) અને આહુતિના અગ્નિની ફરતે વર-વધૂ દ્વારા ફેરા ફરવા અને વરનું વધૂની આગળ ચાલવું (સપ્તપદી) વગેરે વિવાહના મહત્વપૂર્ણ ધાર્મિક અનુષ્ઠાન છે, કોઈ ટાઈમપાસ નથી. તે પછી વર દ્વારા વધૂને લઈને જવું. અર્થાત કે ‘વિશિષ્ટ વહન’ તેનું નામ વિવાહ!

વિવાહ કરતી વખતે માતૃપક્ષે (મોસાળમાં) પાંચ પેઢીઓ (સપિંડ)ની સીમાની બહાર અને પિતૃપક્ષે (પિતાના સંબંધોમાં) સાત પેઢીઓ (ગોત્ર અને પ્રવર ઉપરાંત) છોડીને જ વર કે ક્ધયા પસંદ કરી શકાય. તેના પણ વૈજ્ઞાનિક કારણો છે. સનાતન ધર્મમાં મનુષ્ય જીવનના ચાર આશ્રમોનું વર્ણ છે. તેમાંનો એક એટલે ગૃહસ્થાશ્રમ. તેમાં પુરુષ કે સ્ત્રીનો પ્રવેશ વિવાહ વિધિ થયા પછી જ થાય છે. મહાભારતના આદિ પર્વના અધ્યાય ૧૦૨માં ભીષ્મ કાશીરાજના દરબારમાં જ્યાં તેમની ક્ધયાઓનો સ્વયંવર આયોજિત હતો, ત્યાં ઉપસ્થિત ક્ષત્રિય રાજાઓને ઉદ્દેશીને વિવાહના પ્રકારોનું શાસ્ત્રીય વર્ણન કરે છે. મનુષ્યની જીવન પદ્ધતિ અને સામાજિક વ્યવસ્થા ઉપર ગહનતાથી લખનાર મનુએ પણ વિવાહના પ્રકારો ઉપર પ્રકાશ પાડ્યો છે. નોંધનીય છે કે કઈ રીતે વિવાહ કરવામાં આવે છે તેને આધારે મનુ દ્વારા તે આલેખન થયેલું છે. મનુએ આઠ પ્રકારના વિવાહ બતાવ્યા છે, તો વશિષ્ઠજીએ છ પ્રકારના વિવાહનું વર્ણન કર્યું છે. મહાભારતમાં પણ આઠ પ્રકારના વિવાહનો ઉલ્લેખ છે. તે ઉપરાંત મહાભારતમાં વિવિધ પ્રસંગે થયેલા વિવાહોમાં, વિવિધ પ્રકારના વિવાહોનાં ઉદાહરણ પણ જોવા મળે છે.

જોકે, આપણા શાસ્ત્રોમાં ઠેકઠેકાણે અલગઅલગ પ્રસંગોએ અલગ અલગ રીતે થયેલા વિવાહોનો ઉલ્લેખ છે. પરંતુ એ પ્રકારોમાં કેટલાકને યોગ્ય ગણાયા છે તો કેટલાકને અયોગ્ય ગણાયા છે. તેમની યોગ્યતા કે અયોગ્યતાનો માપદંડ પણ તે વિવાહો માટે થતી પ્રવૃત્તિ અને વૃત્તિ જ રહ્યા છે. આપણે એ પણ નોંધવું જોઈએકે ‘દીકરી ને ગાય, દોરે ત્યાં જાય’ તેવી વાત આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ પામતી નથી. દીકરીઓને પણ વર ચયનનો અધિકાર અપાયો છે જ. એટલા માટે જ ‘સ્વયંવર’નું આયોજન થતું હતું. શાસ્ત્રોમાં વર્ણન કરાયેલ વિવાહના પ્રકારો પણ જાણવા અને સમજવા જેવા છે. આવતા અંકે આપણે તેના ઉપર ચર્ચા કરીશું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button