ધર્મતેજ
ભક્તિરસનું અનોખું ઉદાહરણ: મીરાં ને બૈજુ બાવરા

આચમન -અનવર વલિયાણી
ઈન્સાન માત્રના જીવન સાથે વણાયેલ સુખ અને દુ:ખ એ મહત્ત્વની લાગણીઓ છે. આ લાગણીતંત્ર બંને માણસને વિચલિત કરે છે.
- આંસુ એ દુ:ખની નજરે દેખાય તેવી અભિવ્યક્તિ છે અને દુ:ખ કોઈ વેદનામાંથી નીપજેલા અનુભવ છે, આટલું તો સૌ કોઈ જાણે છે.
-પરંતુ બહુ ઓછા લોકો એ જાણે છે કે - સુખ અને દુ:ખ,
- હર્ષ અને શોક,
- આનંદ અને અવસાદ એ એક જ સિક્કાની બે બાજુઓ જેવાં હોય છે. બલકે એક જ લાગણીનાં બે જૂજવાં રૂપ હોય છે.
- આથી જ તો જેમ ખૂબ વેદનાના કારણે આંખોમાં આંસુ આવી જાય તેમ ખૂબ આનંદના કારણે પણ આંખોમાં અશ્રુ જ આવે છે.
- સુખ અને દુ:ખને એકબીજાનાં કારણ પણ કહી શકાય.
- એટલે દુ:ખને કે ઉદાસીને ડરામણાં દુશ્મન ન ગણતાં આવી જ ચડે તો સ્વીકારી લેવાં અને પછી તેને કંઈક ઉપયોગી કામે લગાડી દેવાં તે સાચી રીત છે.
દુ:ખમાંથી નીતરતો ભક્તિરસ અને એનું ઉત્તમ ઉદાહરણ છે મીરાં, અને બૈજુ બાવરા. - મીરાંને મન તેની વેદના ક્યાં નાની સૂની હતી
- તેને સતત રીતે તાવી ગયેલાં દુ:ખો કેટલાં વસમાં હતાં?
- પ્રેમની પીડા (કૃષ્ણપ્રેમની) પળેપળ હૃદયને કેવી ચીરતી રહે તેની બધાને ક્યાંથી ખબર હોય?
- પણ પોતાનાં એ દુ:ખ અને વેદનાનો મીરાંએ કેવો મધુર ઉપયોગ કર્યો!
- નર્યાં હૃદયનીતરતાં ગીતો અને હૈયા સોસરવું ઊતરી જાય તેવું સંગીત તેથી જ નીપજી શકયું ને!
- કહેવાય છે કે વાંસળીએ વાગતાં પહેલાં વીંધાવું પડે છે.
- મોતીએ પણ રૂપાળા આભૂષણનું અંગ બનતાં પહેલાં વીંધાવું પડે છે ને વેદના ખમવી પડે છે
- પણ એ વેદનાનો જો ઉચિત ઉપયોગ કરી લેવાય તો કેવાં સ્તબ્ધ કરી દે તેવાં આશ્ર્ચર્યો સર્જી શકે છે
- હરિદર્શનની તાલાવેલી અને તડપન ન હોત તો બૈજુ બાવરાના કંઠેથી અવિસ્મરણીય સંગીત રેલાયું ન હોત
- વ્હાલા જિજ્ઞાસુ વાચક મિત્રો! જગતના અનેક મહાપુરુષો અને મહાન નારીઓનાં જીવનચરિત્રો ગવાહી (સાક્ષી) પૂરે છે કે ઊંડી ગમગીની ઉદાસી અને વેદના, તે બધાએ જે મહાન કાર્યો કર્યાં તે કરવા પ્રેરનાર બળ હતા અને પછી જે અસીમ આનંદ તેમને સાંપડ્યો તે અક્ષય અને અવિચલ આનંદ હતો.
- જીવનના ચિરંજીવ અને અવિચલ આનંદો, કદાચ ઊંડી ઉદાસી અને વેદનાના દોહનથી પ્રાપ્ત થાય છે.
- જીવનની ટ્રેજેડીને ને સારી પેઠે સમજે છે તે જીવનની કોમેડીની સાચી કદર કરી શકે છે.
બોધ: ભક્તિરસનું અનોખું ઉદાહરણ મીરાં અને બૈજુ બાવરા છે.