ધર્મતેજ

બાણાસુર વધ: શ્રીકૃષ્ણ ને શિવ ભગવાન વચ્ચે થયું ભયાનક યુદ્ધ

શિવ રહસ્ય -ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)
ચિત્રલેખા એક દિવ્ય યોગીની હતી. રાજકુમારી ઉષાના અનુરોધથી ચિત્રલેખા દ્વારકાપુરી પહોંચી અને પલંગ પર બેઠેલા અનિરુદ્ધને પલભરમાં ઉંચકી લઈ રાજકુમારી ઉષાના અંત:પુરના કક્ષમાં લઈ આવી. દ્વારપાલો સહસ્ત્ર ભુજા ધારી બાણાસુર પાસે પહોંચે છે અને જણાવે છે કે, ‘હે મહાપરાક્રમી અસુર રાજ આપણી રાજકુમારી ઉષાના અંત:પુરમાં બળપૂર્વક પ્રવેશ કરી કયો પુરુષ સંતાયો છે.’ બાણાસુર ક્રોધિત થયો અને રાજકુમારી ઉષાના અંત:પુરમાં જઈ પહોંચ્યો. ત્યાં એણે દિવ્ય શરીરધારી અનિરુદ્ધને જોયો. એણે શક્તિ પ્રદર્શન કરવા દસ હજાર સૈનિક મોકલી આજ્ઞા આપી કે એને મારી નાંખો. અનિરુુદ્ધે જોતજોતામાં દસ હજાર સૈનિકોને કાળને હવાલે કરી દીધા. બાણાસુરે છળપૂર્વક અનિરુદ્ધને નાગપાશમાં બાંધી મારી નાંખવાનો આદેશ આપ્યો. મંત્રી કુંભાડ અનિરુદ્ધને સમજાવે છે કે તું દૈત્યરાજ બાણાસુરનો દાસ બની સ્તુતિ કર. પણ પરાક્રણી અનિરુદ્ધ તેને ના પાડતાં કહે છે કે હું દાસ બનવા કરતાં મૃત્યુને સ્વીકારીશ. નાગપાશથી બંધાયેલા અનિરુદ્ધ માતા દુર્ગાનું સ્મરણ કરવા લાગ્યા કે ‘હે શરણાગતવત્સલ માતા દુર્ગા આપ તો યશપ્રદાન કરનારાં છો, આપ શીઘ્ર જ પધારો અને મારી રક્ષા કરો.’ અનિરુદ્ધની પ્રાર્થનાથી માતા દુર્ગા પ્રસન્ન થયા અને જેઠ વદ ચતુર્દશીના મહારાત્રિમાં પ્રગટ થયા અને તેમણે એ સર્પરૂપી નાગપાશને ભસ્મસાત કરીને પોતાના બલિષ્ઠ મુક્કાથી નાગપાશને વિદીર્ણ કરી દીધું અને અંતર્ધાન થઈ ગયા. નાગપાશની વ્યથા મટી જતાં અનિરુદ્ધ રાજકુમારી ઉષાને લઈ ત્યાંથી પલાયન થઈ જાય છે. સામે પક્ષે દ્વારકાપુરી ખાતે અનિરુદ્ધના અદૃશ્ય થઈ જવાથી તથા દેવર્ષિ નારદના મુખે એનું બાણાસુર દ્વારા નાગપાશથી બંધન થયું જાણ્યાના સમાચારથી બાર અક્ષૌહિણી સેનાની સાથે પ્રદ્યુમ્ન અને અન્ય વીરોને લઈને ભગવાન શ્રીકૃષ્ણ બાણાસુરના શોણિતપુર પર ચઢાઈ કરે છે.

મંત્રી કુંભાડ: ‘દૈત્યરાજ બાણાસુર આપણા શોણિતપુર નગર પર બાર અક્ષૌહિણી સેના લઈ શ્રીકૃષ્ણ ચઢાઈ કરવા આવ્યા છે. તેઓ શોણિતપુરથી ફક્ત ૧૦૦ જોજન દૂર છે. તમે માર્ગદર્શન આપો.’
બાણાસુર: ‘મારી સમક્ષ બંદી અગ્નિ, વરુણદેવને ઉપસ્થિત કરવામાં આવે.’
આજ્ઞા મળતાં જ સૈનિકોએ અગ્નિદેવ અને વરુણદેવને દૈત્યરાજ બાણાસુર સમક્ષ ઉપસ્થિત કરવામાં આવે છે.

બાણાસુર: ‘અગ્નિ અને વરુણ તમે મારા દાસ છો, જાઓ દ્વારકાપુરીથી આવી રહેલી બાર અક્ષૌહિણી સેનાનો વિનાશ કરો.’

દૈત્યરાજ બાણાસુરની આજ્ઞા મળતાં જ અગ્નિદેવ અને વરુણદેવ ભગવાન શ્રીકૃષ્ણની સેના પર તૂટી પડે છે. અગ્નિદેવ સેના પર અગ્નિના બાણની વર્ષા કરવાં માંડે છે. ભગવાન શ્રીકૃષ્ણની સેનાની પહેલી હરોળમાં ઊભેલા પ્રદ્યુમન અગ્નિદેવને મૂર્છિત કરી દે છે. એ જોઈ વરુણદેવ સેના પર પાણીના બાણની વર્ષા કરવા માંડે છે. પ્રદ્યુમન વરુણદેવને પણ મૂર્છિત કરી દે છે. દૈત્યરાજ બાણાસુર દ્વારા મોકલેલા બંને દેવોને પ્રદ્યુમન મૂર્છિત કરી દીધાં છે એની જાણ થતાં બાણાસુર તેમના રક્ષક ભગવાન શિવને બોલાવે છે અને કહે છે:

બાણાસુર: ‘મારા રક્ષક એવા શિવ તમને આ દિવસ માટે જ મેં રક્ષક બનાવ્યાં હતાં હવે ખરેખર તમારે મારી રક્ષા કરવાનો સમય આવી ગયો છે, જાઓ દ્વારકાપુરીથી આવેલી બાર અક્ષૌહિણી સેનાનો વિનાશ કરો.’
ભગવાન શિવ: ‘જેવી તમારી આજ્ઞા.’

રક્ષક ભગવાન શિવને બાણાસુરનો આદેશ મળતાં જ ભગવાન શિવ સજીધજીને સશસ્ત્ર થઈ શોણિતપુર નગરના દ્વાર પર મક્કમ બની ઊભા રહી જાય છે. તેઓ જોઈ રહ્યા છે કે શ્રીકૃષ્ણના દ્વારકાપૂરીથી બાર અક્ષૌહિણી સેના યુદ્ધ માટે આવી રહી છે. તેઓ શંખ વગાડી તેમનું સ્વાગત કરે છે.

પ્રદ્યુમન: ‘ભગવાન શિવને મારા પ્રણામ, અમારું યુદ્ધ દૈત્યરાજ બાણાસુર સાથે છે તમે અહીંથી ખસી જાઓ.’

ભગવાન શિવ: ‘મને મારા ભક્તનો આદેશ હતો કે દ્વારકાપુરીથી આવેલી બાર અક્ષૌહિણી સેનાનો વિનાશ કરો. મને મારું કાર્ય કરવા દો.’

આટલું બોલી ભગવાન શિવ તેમના ત્રિશુલ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની બાર અક્ષૌહિણી સેનાને મૂર્છિત કરવા જાય છે એ જોતાં જ ભગવાન બલદેવ પોતાની ગદા દ્વારા ભગવાન શિવના ત્રિશુળને રોકવાની કોશિષ કરે છે. એ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન શિવ વચ્ચે ભયાનક યુદ્ધ થાય છે. બંને બાજુએથી એકથી એક ચઢિયાતાં શસ્ત્રોનો ઉપયોગ થાય છે, કોઈ એકબીજાને હરાવી શકતું નથી. અંતે ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન શિવ પાસે જઈ તેમનું સ્તવન કરીને કહ્યું, ‘હે સર્વવ્યાપી ભગવાન શિવ તમે જ આ ગર્વવાળા બાણાસુરને શાપ આપ્યો હતો, અને આપની આજ્ઞાથી હું બાણાસુરની ભુજાઓનું છેદન કરવા અહીં આવ્યો છું તમે આ યુદ્ધથી નિવૃત્ત નહીં થશો તો બાણાસુરની ભુજાઓનું છેદન નહીં થઈ શકતાં તમારો શાપ વ્યર્થ જશે.’

ભગવાન શિવ: ‘હે શ્રીકૃષ્ણ, તમે ઠીક જ કહ્યું છે કે મેં જ દૈત્યરાજ બાણાસુરને શાપ આપ્યો હતો પણ હે રમાનાથ, હું તો સદા ભક્તોને જ આધીન રહું છું, આવી પરિસ્થિતિમાં હું તમને આજ્ઞા આપું છું કે તમે જૃંભણાસ્ત્ર દ્વારા મને જૃંભિન (ઉંઘાઈ જવું) કરી દો ત્યાર બાદ તમે તમારું અભિષ્ટ કાર્ય સંપન્ન કરો અને સુખી થાઓ.’

ભગવાન શિવની આજ્ઞાથી ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના ધનુષ પર જૃંભણાસ્ત્રનું સંધાન કરી ભગવાન શિવ પર છોડી દીધું. આ રીતે શ્રીકૃષ્ણના જૃંભણાસ્ત્ર દ્વારા ભગવાન શિવ જૃંભિત (ઉંઘાઈ) જતાં બાણાસુરની સેનાનો સંહાર થવા લાગ્યો, જૃંભણાસ્ત્ર દ્વારા ભગવાન શિવ અને તેમના ગણો જૃંભિત (ઉંઘાઈ) જતા દૈત્યરાજ બાણાસુર પોતે યુદ્ધ ભૂમિ પર આવી ગયો, સામ સામે ભગવાન શ્રીકૃષ્ણ અને બાણાસુર વચ્ચે યુદ્ધ થવા માંડયું. ઘણો સમય યુદ્ધ ચાલતાં ભગવાન શ્રીકૃષ્ણ કુપિત થયા અને પોતાના સુદર્શન-ચક્રને આદેશ આપ્યો કે બાણાસુરની ભુજાઓ કાપી નાંખો. સેકંડના દસમા ભાગમાં સુદર્શન ચક્રએ બાણાસુરની વરદાનમાં મેળવેલી એને ત્રાસદાયી સહસ્ત્ર ભુજાઓ કાપી નાંખી. અંતમાં એની બાણાસુરનું વરદાન પહેલાનું શરીર રહી ગયું. યુદ્ધમાં ક્રોધિત થયેલા શ્રીકૃષ્ણ એનું માથું કાપી લેવા તૈયાર થયા ત્યારે ભગવાન શિવ જૃંભિત અવસ્થામાંથી બહાર આવે છે. (ક્રમશ:)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button