મંદિર દર્શનનું કેન્દ્ર હોય, પ્રદર્શનનું નહીં સાધનાનું કેન્દ્ર હોય, સાધનનું નહીં
માનસ મંથન -મોરારિબાપુ
બાપ ! પૂજ્ય સ્વામીજીની આજ્ઞા હોય તો મંદિર વિશેના મારા પોતાના અંગત વિચારો જણાવું. એ મારા અંગત વિચારો છે. એ વિચારોની સાથે કોઈએ સંમત થવાની જરૂર નથી, પણ મને મારા ગુરુની કૃપાથી જે સમજાયું છે, મંદિર વિશેના જે વિચારો છે તે કંઈક આવા છે. એ બધા વ્યક્તિગત વિચારો છે, હોઈ શકે. વિચારોમાં ભેદ હોય.
रुचीनां वैचित्र्यादृजुकुटिल नानापथजुषां
नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव ||
રુચિભેદ, વિચારભેદ એ બધા આપણે સ્વીકારવા રહ્યા, પરંતુ ચિત્ત દ્વેષમુકત હોવું જોઈએ. એવી રીતે મને ઘણી વખત એવું લાગે કે આપણે એકઠાં થઈએ છીએ, પણ એક નથી થતાં ! આ સમાજમાં એકઠાં થવું સહેલું છે, એક થવું કપરું છે, આવા પ્રસંગોમાં હજારો-લાખો માણસો એકઠાં થાય, એ બધું આવકાર્ય છે, લોકોની ધર્મભૂખ જાગી છે, એ સ્વીકારીએ. આપણે એકઠાં થઈએ છીએ, પણ આપણી પરંપરામાં એકઠાં તો લોકો અનેક રીતે થતાં હોય છે. પાંચ હજાર વર્ષ પહેલાં કુરુક્ષેત્રના મેદાનમાં આવો જ એક શબ્દ વપરાયો કે બધાં એકઠા થઇ ગયા. પૂછે છે ધૃતરાષ્ટ્ર કે, આ કુરુક્ષેત્રના મેદાનમાં મારા અને પાંડુના બધાં જે એકઠા થયાં છે. પણ એનું કારણ કેવું વિચિત્ર છે ! એ યુદ્ધ માટે એકઠાં થયાં છે !
ખેર ! પચીસસો વર્ષ પહેલાં એક એવો વિચાર પ્રવાહિત થયો કે જેમાં એકઠાં થયાં લોકો ભગવાં વસ્ત્રની નીચે ને એ તથાગત ભગવાન બુદ્ધ, એક બહુ મોટું અભિયાન ચાલ્યું. એ પછી બારસો-તેરસો વર્ષો પૂર્વે ભગવાન શંકરાચાર્ય અને એની પાછળ ચાલનારા, પોતાના શુદ્ધબુદ્ધ આત્માને, હું શિવની સાથે એક છું, એ અદ્વૈતની સ્થાપના કરવા માટે એકઠાં થયાં અને એક બનવાની કોશિશ કરી. બાપ, સમાજ એકઠો થાય એ બહુ જ સારું છે, થવો જોઈએ; પણ સાથોસાથ એની ફલશ્રુતિ, એ એક બને.
અમારે મનુભાઈ પંચોળી ‘દર્શક’ દાદા, લોકભારતી-સણોસરા, એ બહુ મોટા સંસ્કારપુરુષ, વિદ્યાપુરુષ, એમણે એક વખત અમે બેઠા હતા ત્યારે મંદિરની એક સરસ વ્યાખ્યા આપી કે, મંદિર એટલે આપણા મનને સામેથી દોરે એનું નામ મંદિર. આપણું મન ખેંચાય. મંદિરની ધજા આપણને દૂરથી સ્પર્શે, નિમંત્રિત કરે કે આપ આવો. આવી સુંદર વ્યાખ્યા એમણે કરેલી. મંદિર બહારથી સ્વચ્છ હોવું જોઈએ અને અંદરથી પવિત્ર હોવું જોઈએ, આ પહેલી વસ્તુ મારા મનમાં આવે છે. કોઈ પણ શાખાનાં મંદિરો, સનાતન ધર્મનાં મંદિરો તો યુગોથી ચાલે છે, ઘણી વખત આપણે જોઈએ તો, એમાં બહાર સ્વચ્છતા હોય છે, પણ અંદર પવિત્રતા નથી હોતી. અંદરની પવિત્રતા એટલે મારા ને તમારા અંદરના હેતુઓ પવિત્ર હોય. આપણા હેતુઓ ઘણીવાર મલિન હોય છે. બહાર તો સુંદર વ્યવસ્થા હોય છે, સુંદર સ્વચ્છતા હોય છે, પણ અંદરના હેતુઓમાં પવિત્રતા નથી હોતી ! દેવમાં તો પવિત્રતા છે જ, એટલે તો આપણે તેને બિરાજમાન કરીએ છીએ. એ પથ્થરની મૂર્તિમાં આપણે પ્રાણ જોઈએ છીએ.
કાલે ઉત્સવ સંપન્ન થશે અને બ્રાહ્મણદેવતાઓ મંત્રોચ્ચાર કરે, એવી મૂર્તિઓ મંદિરમાં બિરાજશે ત્યારે મૂર્તિમાં પ્રાણની પ્રતિષ્ઠા થશે, પણ અધૂરું છે સાહેબ, પછીથી આપણા પ્રાણમાં એ મૂર્તિની પ્રતિષ્ઠા થવી જોઈએ. આપણા હેતુઓ મલિન ન હોવા જોઈએ. કોઈ પણ ધર્મસ્થાન માટે આ બહુ જ જરૂરી છે.
બીજું, આપણાં મંદિરો, કોઈ પણ મંદિર, જે-જે શાખાઓ, જે-જે પંથનાં મંદિરો અથવા તો સંતાન ધર્મનાં મંદિરો, જ્યાં જ્યાં હોય ત્યાં, આજે આપણે જોઈએ છીએ કે મંદિર આવકનું સાધન બનતાં જાય છે. મંદિરમાં લોકો ન્યોછાવરી કરે, અને એ તો કરવું જોઈએ. આ આટલા બધા માંડવા કંઈ એમ ને એમ ન થાય. પણ આપણો હેતુ આવકનો ન હોવો જોઈએ, મંદિરનો હેતુ જાવકનો હોવો જોઈએ. જાવક મિન્સ, અહીયાં આવે એ સાધના લઈને જાય; અહીંયા આવે એ શાંતિ લઈને જાય; અહીંયા આવે એ જગતના વિકાસથી કંટાળેલો સાધક વિશ્રામ લઈને જાય. મંદિર જાવકનું સાધન બને, આવકનું સાધન ન બને.
મારો ત્રીજો વિચાર, મંદિર દર્શનનું કેન્દ્ર હોય, પ્રદર્શનનું કેન્દ્ર ન હોય. મંદિર દર્શનીય છે. એટલા માટે આપણે ત્યાં મંદિરો આવ્યાં, આપણે ત્યાં દેવસ્થાનો આવ્યાં. આ મંદિર જે છે એમાં સ્તંભ તો હશે જ, પણ એ સ્તંભ તો શિલ્પના ટેકાઓ છે; પરંતુ ચરિત્રના ટેકાઓ તો એ છે જ્યારે દર્શન કરનારો પ્રદર્શનમાં નથી આવ્યો, દર્શનમાં આવ્યો છે એવું લાગે; અને પોતે પાંચ-દસ મિનિટ થાંભલો થઇ જાય, સ્તંભિત થઈ જાય ! આહા, આવું સુંદર ! પોતે થાંભલો થઈ જાય ! એ પોતે બેસી ન શકે, ઊભો રહે. મંદિર સાધનાનું કેન્દ્ર બને, સાધનનું કેન્દ્ર ન બને. આ જીવ, જગત ચારેબાજુ ત્રસ્ત છીએ આપણે બધાં. આપણે તો બધાં વ્યસ્ત માણસો છીએ, જેમાંથી મુક્ત થવા એવું કોઈ ધર્મસ્થાન આપણને પ્રાપ્ત થાય.
જે વિચારોમાં મૂળ ભૂલાઈ જાય, એને પછી નવાં ફૂલ ન ઊગે. ફૂલ ઊગે તો ઉપરથી દેખાવડાં હોય, પણ એમાં મહેક ન હોય. એમાં પફર્યુમ છાંટવું પડે, એમાં કંઈક બીજું તત્ત્વ નાખવું પડે અને એ લાંબો સમય ટકે નહીં સાહેબ! મંદિરો વિશેના મારા થોડાક આવા ખ્યાલો રહ્યા.
- સંકલન: જયદેવ માંકડ