અલખનો ઓટલો: નરસિંહ મહેતાને નામે ગવાતી એક જ રચના- ત્રણ પાઠ
- ડૉ. નિરંજન રાજ્યગુરુ
બીજા પાઠની શબ્દાવલીમાં ગોપી અન્ય કોઈને આદેશ આપે છે કે ‘મારે પ્રિયતમને મળવા જવું છે માટે તમે વેલડું તૈયાર કરાવો.. મારી દેરાણી-જેઠાણી છૂપી રીતે મારા પર નજર રાખે છે અને નણંદ મેણાં બોલે છે, છતાં મારે મલપતાં મલપતાં સાસરે જવું છે. મારે પિયરમાં રહીને નિર્લજ્જ નથી થવું.
આ પણ વાંચો: અલખનો ઓટલો : ગુરુ મારા ચીચૂડો કીધો રે તમે સાબદો રે…..
જેનો ઘડનારો ઘટમાં જ છૂપાયો છે એવી પાંચ તત્ત્વની વહેલને ઓહં સોહં-શ્વાસ-ઉચ્છવાસના બે ધોરીથી ચલાવી રહ્યો છે.. એમાં બેસીને હું મલપતાં મલપતાં જઈશ..’ એવી અધ્યાત્મની પારિભાષિક શબ્દાવલીનો વિનિયોગ પણ બે કડીમાંથી પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો: અલખનો ઓટલો: ગુજરાતનાં લોકનૃત્યો ને લોકસંગીત
મારૂં રે મહીયરિયું, એવું મારૂં રે પિયરિયું, માધવપુરમાં, મથુરા નગરમાં,
વેલડિયું જોડો તો મળવા જાંઈ….
-એવું મારું રે પિયરિયું, મારું રે મહીયરિયું…..
આલા ને લીલા રે રૂડા, વાંસ રે વઢાવો વ્હાલા
એની રે પાલખિયું ઘડાવો રે વ્હાલા એના તે રથડા ઘડાવો રે વ્હાલા..
-એવું મારું રે પિયરિયું, મારું રે મહીયરિયું…..
સાચા અતલસના રૂડા માફા સીવડાવો વ્હાલા
સોનેરી ઘુઘરીયે મઢાવો રે વ્હાલા
-એવું મારું રે પિયરિયું, મારું રે મહીયરિયું…..
ઈ રે વેલડિયે ધવળા ધોરી રે જોડાવો વ્હાલા
એને ચટકંતી ચાલથી ચલાવો રે વ્હાલા
-એવું મારું રે પિયરિયું, મારું રે મહીયરિયું…..
ધોળા ને ધવળા ધોરી રથડે જોડાવો વ્હાલા
પળમાં પિયરથી પહોંચાડે રે વ્હાલા…
-એવું મારું રે પિયરિયું, મારું રે મહીયરિયું…..
સાસરીયાનાં રૂઠયાં રે બેની અમે પિયરિયે ના રહીએ વ્હાલા
નફટ નાર તો કહેવાઈયે રે હાં…
-એવું મારું રે પિયરિયું, મારું રે મહીયરિયું…..
દેરાણી જેઠાણી મારી, હેરણાં તે હેરે રે વ્હાલા
નણદલ મેણલાં બોલે રે વ્હાલા
-એવું મારું રે પિયરિયું, મારું રે મહીયરિયું…..
પાંચ તત્ત્વની વહાલે, વહેલડી બનાવી રે વ્હાલા
એનો ઘડનારો ઘટડા માંહી રે વ્હાલા …
-એવું મારું રે પિયરિયું, મારું રે મહીયરિયું…..
ઓહંગ સોહંગ ધોરી લીધા છે જોડી વ્હાલા
આપ બેઠો ને આપે હાંકે રે હાં….
-એવું મારું રે પિયરિયું, મારું રે મહીયરિયું…..
ભલે રે મળ્યો રે મહેતા નરસૈંનો સ્વામી રે વ્હાલા
સાસરિયે મલપતાં જઈયે રે હાં..
-એવું મારું રે પિયરિયું, મારું રે મહીયરિયું…..
ત્રીજો પાઠ માધવપુર કે બાદલપુરને બદલે માધવકુળ કે જાદવકુળ શબ્દ આપે છે. જેનાથી સમગ્ર રચનાનો સંદર્ભ બદલી જાય છે. અને યાદવકુળમાં-મથુરા વિસ્તારમાં જન્મેલી કોઈ વિવાહિત ગોપીને નાયિકા તરીકે સ્થાપી આપે છે. અને વેલડી જોડાવીને પોતાના પ્રિયતમ શ્રીકૃષ્ણને મળવા માટે દ્વારિકા જવાની ઝંખના દર્શાવે છે. અનેક સંકટો સહન કરવા છતાં સાસરે રહેવાનું સ્વીકારતી આ ગોપી અંતે આનંદસુખ પામે છે.
આ પણ વાંચો: અલખનો ઓટલો : નિર્મળદાસજીની વાણી
સ્વાભાવિક રીતે જ બે કડીઓ પાછળથી જીવ અને બ્રહ્મના જોડાણને દર્શાવવા માટે કોઈ અનામી સર્જક કે ભજનિક દ્વારા જોડવામાં હોય એવો સંભવ છે. નરસિંહ મહેતા કૃત મૂળ પાઠમાં એ કડીઓ કદાચ નહીં જ હોય. પરંતુ આ સમગ્ર રચનાનો ચાવી રૂપ શબ્દ છે
-‘ગોપી આનંદ સુખ પામી..’
મારૂં રે મહીયરિયું, એવું મારૂં રે પિયરિયું,
માધવકુળમાં, મથુરા નગરમાં,વેલડિયું જોડો તો મળવા જાંઈ ….
-એવું મારું રે પિયરિયું, મારું રે મહીયરિયું…..
મારૂં રે મહીયરિયું, એવું મારૂં રે પિયરિયું,
જાદવ કુળમાં, મથુરા નગરમાં, વેલડિયું જોડો તો મળવા જાંઈ….
-એવું મારું રે પિયરિયું, મારું રે મહીયરિયું…..
આલા ને લીલા રે રૂડા, વાંસ રે વઢાવો વ્હાલા
એની રે પાલખિયું ઘડાવો રે વ્હાલા એના તે રથડા ઘડાવો રે વ્હાલા..
-એવું મારું રે પિયરિયું, મારું રે મહીયરિયું…..
સાચા અતલસના રૂડા માફા સીવડાવો વ્હાલા
સોનેરી ઘુઘરીયે મઢાવો રે વ્હાલા
ઈ રે વેલડિયે ધવળા ધોરી રે જોડાવો વ્હાલા
એને ચટકંતી ચાલથી ચલાવો રે વ્હાલા
-એવું મારું રે પિયરિયું, મારું રે મહીયરિયું…..
ધોળા ને ધવળા ધોરી રથડે જોડાવો વ્હાલા
પળમાં પિયરથી પહોંચાડે રે વ્હાલા…
સાસરીયાનાં રૂઠયાં રે બેની અમે પિયરિયે ના રહીએ વ્હાલા
નફટ નાર તો કહેવાઈયે રે હાં…
-એવું મારું રે પિયરિયું, મારું રે મહીયરિયું…..
દેરાણી જેઠાણી મારી, હેરણાં તે હેરે રે વ્હાલા
નણદલ મેણલાં બોલે રે વ્હાલા
પાંચ તત્ત્વની વહાલે, વહેલડી બનાવી રે વ્હાલા
એનો ઘડનારો ઘટડા માંહી રે વ્હાલા…
-એવું મારું રે પિયરિયું, મારું રે મહીયરિયું…..
ઓહંગ સોહંગ ધોરી લીધા છે જોડી વ્હાલા
આપ બેઠો ને આપે હાંકે રે હાં….
ભલે રે મળ્યો રે મહેતા નરસૈં નો સ્વામી રે વ્હાલા
ગોપી આનંદ સુખ પામી રે વ્હાલા..
-એવું મારું રે પિયરિયું, મારું રે મહીયરિયું…..