ધર્મતેજ

ચૌદ કેરેટનું સ્મિત

ટૂંકી વાર્તા – પ્રીતમ લખલાણી

આજે મધર્સ ડે હોવાથી, નિર્મિશના સ્મરણમાં બાની અગણિત યાદો તાજી થઈ આવી. બાની મીઠી-મધુર યાદોમાં ખોવાયેલા નિર્મિશને બાએ જીવનમાં કરેલા ઉપકારનું ઋણ અદા કરવા તેમની છબિ પાસે ગુલાબનાં બે ફૂલ મૂકવાનું મન થયું. ફલોરિસ્ટને ત્યાંથી બે સુંદર મજાનાં લાલ ગુલાબ ખરીદી ઘરે જવા તો પોતાના રોજના બસસ્ટોપ પર આવીને ઊભો રહ્યો. આજે રવિવાર હોવાથી ફિલાડેલ્ફિયાના ડાઉન ટાઉનમાં ચકલાં ઊડતાં હતાં. વીક ડેઝની માફક આજે બસસ્ટોપ પર ખાસ ભીડ ન હતી. બે વ્યક્તિ વાતોના ગપાટા મારતી સિગારેટના ઊંડા કસ ખેંચતી પોતાની બસ આવવાની રાહ જોતી ઊભી હતી. નિર્મિશ હજી બસસ્ટોપ પર આવીને ઊભો ન ઊભો ત્યાંજ એક બસ આવી. તે કે પેલી બે વ્યક્તિમાંંથી કોઈ બસમાં ચઢ્યું નહીં એટલે ડ્રાઈવરે બસ ઉપાડી. બરાબર એ જ વખતે ફિલાડેલ્ફિયા મિડ ટાઉન ટાવરની સામેના પુલ પરથી બસડ્રાઈવરનું ધ્યાન તેના તરફ ખેંચવા હવામાં હાથ હલાવતી એક મહિલા બસ પકડવા આવી રહી હતી. તેનાં નસીબ બે ડગલાં પાછળ હશે. બસસ્ટોપ પર ઊભેલા નિર્મિશ, પેલી બે વ્યક્તિ કે પછી બસડ્રાઈવર કોઈનું ધ્યાન તેના તરફ ગયું નહીં. તે મહિલા બિચારી હાંફતી બસસ્ટોપ પર આવી, પણ બસ થોડેક દૂર નીકળી ગઈ હતી.
બસ છૂટી જતાં મહિલા દુ:ખી મને બસસ્ટોપના બાંકડે બેસી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. બસસ્ટોપ પર ઊભેલી વ્યક્તિનું ધ્યાન તેના તરફ ગયું. તેના પ્રત્યે મનમાં સહાનુભૂતિ થઈ, પરંતુ આ તેનો કોઈ અંગત પ્રશ્ર્ન હશે તેમ સમજી તેઓ ગુપચુપ બસની રાહ જોતા ઊભા રહ્યા. થોડા સમય પહેલાં અમરેલીથી અમેરિકા આવેલા નિર્મિશને આમ ચૂપચાપ બસસ્ટોપ પર એક મહિલાને રડતી જોઈ ઊભા રહેવું અસહ્ય લાગ્યું. તેણે આ દેશના રીતરિવાજની કોઈ દરકાર કર્યા વગર તેની પાસે જઈને હિંમત કરી ધીમેથી પૂછ્યું, ‘મેડમ, તમને કોઈ તકલીફ છે? જો તમને તમારી તકલીફ કહેવા જેવી જણાતી હોય તો ખુશીથી મને કહો. મારાથી થઈ શકશે તેટલી મદદ કરવાની કોશિશ કરીશ.’

આંખેથી આંસુ લૂછતા મહિલા બોલી, ‘સર, હમણાં બે મિનિટ પહેલાં જે બસ ગઈ તે મારા માટે બહુ જ મહત્ત્વની હતી.’ એવું કહીને કે ફરી પાછી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.

તેને આશ્ર્વાસન આપતાં નિર્મિશે કહ્યું, ‘મેડમ, બસ છૂટી ગઈ એમાં તમે આટલાં દુ:ખી શા માટે થાઓ છો? તમારે જ્યાં જવું છે તે માટે થોડી જ વારમાં બીજી બસ આવશે.

‘યંગ મેન, તારી વાત તદ્ન સાચી છે. મારે જ્યાં જવું છે ત્યાં જવા માટે જરૂર બીજી બસ આવશે, પણ આ એક બસ છૂટી જતાં મારો આજનો દિવસ રોળાઈ ગયો. મને બસ છૂટી જવાનો કોઈ અફસોસ નથી. આજે મારા એકના એક વહાલસોયા પુત્રની ત્રીજી પુણ્યતિથિ છે. આજથી ત્રણ વર્ષ પૂર્વે, ઈરાકમાં તેણે અમેરિકન લશ્કરના શાંતિદૂત તરીકેની ફરજ અદા કરતાં દુશ્મનોના હાથે શહીદી વહોરી લીધી હતી. કુદરત પણ મારી સાથે કેવી ક્રૂર મજાક કરી રહી છે! મને ખબર પડતી નથી હજી તે મને કેટલાં રૂપ દેખાડશે?’

થોડું અટકી તે બોલી, ‘આજથી નવ વર્ષ પહેલાં આતંકવાદીઓએ અગિયારમી સપ્ટેમ્બરે ન્યુ યોર્કમાં ટ્વિન્સ ટાવર પર હુમલો કર્યો ત્યારે તેમાં ફસાયેલા નિર્દોષ નાગરિકોને બચાવવા જતાં ફાયર બિગ્રેડમાં કામ કરતા મારા પતિને ગુમાવ્યા. છેલ્લા કેટલાય મહિનાથી અમેરિકાની આર્થિક સ્થિતિ બગડી છે. અમેરિકાની ઘણી નામાંક્તિ કંપનીઓએ પોતાના બજેટને પહોંચી વળવા હજારો કામદારોને છૂટા કરી દીધા છે. તેની અસર મારા જેવી નિરાધારને પણ થઈ છે. હું છેલ્લાં પાત્રીસ વર્ષથી અહીંની એક પ્રતિષ્ઠિત મોટર કંપનીમાં કામ કરતી હતી, અમારી કંપનીએ પણ તેના બજેટમાં મોટો કાપ મૂકતાં મારા જેવા પંદર હજાર કામદારોને મેનેજમેન્ટે છૂટા કર્યા.’ આટલું કહી તે થોડી વાર શ્ર્વાસ ખાવા અટકી.

પોતાની વિતક કથા આગળ વધારતાં બોલી, ‘આજે દીકરાની પુણ્યતિથિએ તેની કબર પર બે ફૂલ ચઢાવી શકું એટલી મારી આર્થિક સ્થિતિ નથી. આ વાત મેં મારા ચર્ચના એક પાદરીને ગઈ કાલે સાંજે ફોન પર કરી. તેમણે મને આશ્ર્વાસનના બે શબ્દ કહેતાં કહ્યું, ‘બાર્બરા, તમે આટલાં દુ:ખી ન થાઓ. તમે તમારા લાડલા પુત્ર ડેનની કબર પર આ પુણ્યતિથિએ બે ફૂલ ન ચઢાવી શકો તો કંઈ નહીં. આવતી કાલે સવારે આપણે કબ્રસ્તાનમાં જઈ તેની કબર પાસે સાચા હૃદયે પ્રભુ તેના આત્માને શાંતિ બક્ષે એવી પ્રાર્થના અચૂક કરીશું. મારી દૃષ્ટિએ બાર્બરા, પ્રાર્થનાનું મહત્ત્વ કબર પર ચઢાવેલાં ફૂલથી ઓછું નથી હોતું. પાદરી માઈકલે ચેપલે મને સવારે અગિયાર વાગ્યે મારા પુત્રની કબર જેમાં છે તે હિલહેવન મેમોરિયલ કબ્રસ્તાનમાં આવવા કહ્યું હતું. આ બસ છૂટી જતાં હવે હું પાદરીને કબ્રસ્તાનમાં પહોંચી નહીં શકું. બીજી બસ બપોરના સાડાબાર વાગ્યાની છે! એમાં જાઉં તો લગભગ દોઢ વાગી જશે. મને નથી લાગતું કે પાદરી માઈકલ મારી રાહ જોતાં દોઢ-બે વાગ્યા લગી ત્યાં બેસી રહે. તે આજે ઘણા કામમાં હોવા છતાં તેમણે કહ્યું હતું કે જે યુવાન જગતની શાંતિ, કલ્યાણ માટે ચિર નિદ્રામાં પોઢી ગયો તેના માટે શું મારા રોજિંદા કાર્યક્રમમાંથી પ્રાર્થના જેટલો સમય પણ ન કાઢી શકું? આજે મધર્સ ડે છે. તેમણે થોડો સમય તેમના પરિવારને ફાળવવાનો હશે!’

બાર્બરાની વ્યથા સાંભળી નિર્મિશની આંખ ભરાઈ આવી. આંખો લૂછતાં તે ગયા ડિસેમ્બરમાં મૃત્યુ પામેલાં બાના સ્મરણમાં ડૂબી ગયો. બા જે ક્ષણે છેલ્લા શ્ર્વાસ લેતાં હતાં ત્યારે તેમણે તેને એક શિખામણ આપી હતી, ‘દીકરા, મારી પાછળ કોઈ ધાર્મિક વિધિ કે ક્રિયાકાંડ ન કરતો. તું જાણે છે મને આ બધી અંધશ્રદ્ધામાં બહુ વિશ્ર્વાસ નથી. તું મારી એક વાત હંમેશાં યાદ રાખજે. જિંદગીમાં જ્યારે પણ હું તને યાદ આવું ત્યારે તું તારાથી બને તો દુ:ખિયાનાં બે આંસુ લૂછવાનો પ્રયત્ન જરૂર કરજે. જે દિવસે તું કોઈ પણ દુ:ખી માણસની વ્યથાને તારી પીડા સમજીશ તે દિવસે મારો આત્મા જ્યાં પણ હશે ત્યાંથી તને આશીર્વાદ આપશે!’

બાના સ્મરણમાંથી જાગેલા નિર્મિશ બાની છબિ પાસે મૂકવા લીધેલાં બે ગુલાબ બાર્બરાના હાથમાં મૂકતાં કહ્યું, ‘ મેડમ, તમે બધી ચિંતા ઈશ્ર્વરને ખોળે મૂકી, ખુશીથી બીજી બસમાં કબ્રસ્તાને જાઓ. જો પ્રભુની ઈચ્છા હશે તો પાદરી કદાચ તમારી રાહ જોતા ત્યાં બેઠા હશે, કદાચ તેઓ ચાલ્યા ગયા હોય તો તમે બિલકુલ દુ:ખી ન થતાં આ બે ગુલાબ હું તમને તમારા વહાલસોયા પુત્રની કબર પર ચઢાવવા ભેટ આપું છું તે ખુશીથી તમારા પુત્રની કબર પર મૂકી દેજો. ફૂલો તો ઈશ્ર્વરનું બીજું સ્વરૂપ છે. ફૂલના મૌનમાં વિશ્ર્વના તમામ ધર્મગ્રંથોની પ્રાર્થના સમાયેલી છે. આ ગુલાબનું સ્મિત તમારા પુત્રના આત્માને શાંતિ બક્ષે એવી પ્રભુને સાચા હૃદયથી પ્રાર્થના કરું છું.’

ગુલાબ હાથમાં લેતા બાર્બરાનો ચહેરો ખીલી ઊઠ્યો. નિર્મિશે આકાશ સામે જોયું. બાની ઈચ્છા આજે મધર્સ ડે જેવા પવિત્ર દિવસે પૂર્ણ કરવા ઈશ્ર્વરે તેને જે તક આપી તે બદલ તેણે તેનો આભાર વ્યક્ત કર્યો.


પ્રસન્ન મને નિર્મિશે ઘરનો દરવાજો ખોલ્યો. અચાનક તેની નજર દીવાનખાનાની દીવાલ પર રોજ જેનું સ્મિત નીરખી દિવસની શરૂઆત કરતો હતો તે મોનાલિસાની છબિ પર અટવાઈ ગઈ. મનોમન હસતાં નિર્મિશે મધર્સ ડે હોવાથી બાના આશીર્વાદ લેવા બે હાથ જોડી બાજુની ભીંત પર લગાવેલી બાની છબિ પર નજર કરી. તેનો ચહેરો પતંગિયાની જેમ થનગની ઊઠ્યો.

બાનો ધીર ગંભીર ફોટો, મરક મરક હોઠમાં હસતો, દીકરાને આશીર્વાદ આપી રહ્યો છે એવી એને મનોમન પ્રતીતિ થઈ. નિર્મિશે બાના ફોટાને વંદન કરતાં બાજુની ભીંતે હસતી મોનાલિસાની છબિને કહ્યું, ‘હે મોના, હું ખૂબ દિલગીર છું, પણ આજે બાના નિર્મળ સ્મિત પાસે મને તારું સ્મિત ફક્ત ચૌદ કેરેટનું લાગે છે!’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button