ધર્મતેજ
ઈસ્લામની મહાન હજયાત્રાની ભક્તિભાવભરી ઝાંખી
આચમન -અનવર વલિયાણી
ઈસ્લામની ઈમારતના પાંચ આધારસ્થંભો છે:
૧. ઈમાન અર્થાત ઈશ્ર્વર – અલ્લાહ પ્રત્યેની આસ્થા.
૨. નમાઝ (પ્રાર્થના)
૩. રોજા (અપવાસ)
૪. ઝકાત (કમાણીના ખર્ચ બાદ કરતા અમુક ચોક્કસ હિસ્સાનો ભાગ જે હાજતમંદોમાં આપવો; અને
૫. હજ (સઉદી ખાતે આવેલા મક્કા ખાતે તીર્થ યાત્રા)
જે મોમિન પૈસે ટકે પહોંચતો હોય એને ધાર્મિક દૃષ્ટિએ હજ અનિવાર્ય ગણવામાં આવેલ છે.
- માલિ એટલે પૈસે ટકે જે પહોંચી શકતો ન હોય એને માટે હજ અનિવાર્ય ગણવામાં આવેલ નથી, પરંતુ આમાંની ચાર ફરજો તો પોતાના ઘરમાં રહી રોજિંદી જિંદગીમાં પણ પૂરી કરી શકાય છે તેથી તે નામે મુસલમાન માટે અદા કરવી ફરજ ગણવામાં આવેલ છે.
- જે મોમિન હજ કરવા જેટલું ખર્ચ કરી શકે તેમ હોય તેણે જીવનમાં કમ સે કમ એકવાર તો હજ કરવી જ જોઈએ અને જે પૈસાપાત્ર છે તે એકથી વધુવાર હજ કરી શકે છે.
- હજ એક ફરજ ઉપરાંત કેવળ ધાર્મિક ક્રિયા જ છે, એવું નથી પરંતુ એ સાથે હજ ઈસ્લામ ધર્મનો ઈતિહાસ, આત્મસંયમ, સામાજિક એકતા, બૌદ્ધિક વિનય અને માનસિક અનુશાસનનો અવસર પૂરો પાડે છે.
- હજનું પર્વ વર્ષમાં એકવાર આવે છે.
- હિલાલી (ચાંદ) વર્ષનો આખરી મહિનો ઝિલહજ અને પ્રથમ મહિનો મોહર્રમ ગણાય છે.
- હિન્દુ પંચાંગમાં દર ત્રીજા વર્ષે એક મહિનો વધારીને ચાંદ મહિનાનો ઋતુ અનુસાર મેળ કરી લે છે, પરંતુ
- મુસ્લિમ પંચાંગમાં મહિનાની વધઘટ થતી નથી એટલે
- હિલાલી મહિનો નિશ્ર્ચિંત ઋતુ પ્રમાણે આવતો નથી. એથી રમઝાન, મોહર્રમ, ઈદુઝ ઝોહા (બકરી ઈદ) વગેરે તહેવારો ક્યારેક ચોમાસામાં ક્યારેક શિયાળામાં તો ક્યારેક ઉનાળામાં એમ ફરતા રહે છે.
- ખરી રીતે તો હજ માટે રમઝાન ઈદ પછી જ લોકો નીકળે છે.
- મક્કાનું મહત્ત્વ કાબાના કારણે છે.
- મુસલમાન કોઈ પણ દેશમાં અને ગમે તે દિશામાં હોય, પણ તે કાબા તરફ મોં રાખીને નમાઝ પઢે છે.
- કાબા ચતુષ્કોણ આકારની ઈમારત છે.
- કહેવાય છે કે અંદાજે એની લંબાઈ ૩૯ ફૂટ અને પહોળાઈ ૩૨ ફૂટ તથા ઊંચાઈ ૫૦ ફૂટ જેટલી છે.
- કાબાનો દરવાજો સાત ફૂટ ઊંચો છે.
- એની અંદર ત્રણ સ્થંભ છે, જેના પર પૂરી છત (શિલિંગ) ઊભી છે. આ છત પર જવા માટે એક સીડી છે.
- કાબાની અંદરની છત તથા અડધી દીવાલ એક વિશાળ ગિલેફથી ઢાંકી રાખવામાં આવે છે.
- કાબાનો બહારનો ભાગ પણ ગિલેફથી ઢાંકેલો હોય છે.
- આ ગિલેફ દર વર્ષે હજ વખતે બદલવામાં આવે છે.
- પવિત્ર કાબા ખાન-એ-ખુદા (ઈશ્ર્વરનું ઘર) કહેવાય છે.
- જે જગ્યા પર ઊભા રહીને હઝરત ઈબ્રાહીમ સાહેબે કાબાને ચણાવ્યો હતો, એ સ્થળને મુકામે ઈબ્રાહીમ કહે છે.
- કાબા અને હજયાત્રા સાથે હઝરત ઈબ્રાહીમ સાહેબના જીવનનો ઘનિષ્ટ સંબંધ છે. આપ હઝરતે પોતાના પુત્રની ખુદાના માર્ગમાં આપેલી કુરબાની ઈસ્લામ જગતની શિરોમણિ કથા છે.
- કાબાનું મહત્ત્વ હઝરત ઈબ્રાહીમ સાહેબના સમયથી વધવા પામ્યું.
- હજની પ્રથા પયગંબર મહંમદ સાહેબથી પૂર્વે આરબોમાં પ્રચલિત હતી.
- આપ હુઝૂરે અનવર (સલ.)એ મુસલમાનો માટે હજને ‘ફરજ’ તરીકે જાહેર કરી અને આપે ઈસ્લામી જગતને નવી રોશની આપી.
બોધ :
- મક્કામાં એક ‘ગારેહિરા’ નામક ગુફા છે જ્યાં મહંમદ સાહેબ નબી થયાં પહેલાં ખુદાનું ધ્યાન ધરતા હતા. આપ હુઝૂરે અનવરના અંતિમ દિવસો મદીનામાં વિતેલા ત્યાં આપની મઝારમુબારક પણ આવેલી છે જેઓ હજ કરે છે તેઓ મદીના પણ જાય છે ત્યાં ઝિયારત (દર્શન) કરી દસ દિવસ રોકાઈને ચાલીસ નમાઝ અદા કરવી પડે છે.
ઈસ્લામની મહાન હજયાત્રાની આ છે ભક્તિભાવભરી અદના ઝાંખી.