ધર્મતેજ

બ્રહ્મવિદ્યાનો કોલ

ગીતા મહિમા -સારંગપ્રીત

ગત અંકમાં અક્ષરબ્રહ્મના મહિમાની વાત સમજ્યા. હવે તે જ શ્લોકમાં વર્ણિત બ્રહ્મવિદ્યાને જાણવા પ્રયત્ન કરીશું.

ભગવાન કૃષ્ણ કહે છે-યદ્દ જ્ઞાત્વા અમૃતમ્‌‍ અશ્નુતે અર્થાત્‌‍ આ જ્ઞાન કે વિદ્યા અમરત્વ પમાડે છે. અમરત્વ એટલે કે મોક્ષ! ઉપનિષદ આ મોક્ષની વિદ્યાને જ બ્રહ્મવિદ્યા કહે છે. ઈશાવાસ્યોપનિષદ જણાવે છે-વિદ્યયામૃતમશ્રુતે તો કેનોપનિષદ ઉદ્ઘોષ કરે છે વિદ્યયાવિન્દતે મૃતમ્.

આ શાસ્ત્રવચનો વિદ્યા ને મોક્ષના પરમ ઉપાય તરીકે વર્ણવે છે. તે કઈ વિદ્યા? તે છે બ્રહ્મવિદ્યા! આ બ્રહ્મવિદ્યા શું છે? તો મુંડકોપનિષદ કહે છે -`જેનાથી અક્ષર અને પુષોત્તમનું જ્ઞાન થાય તે બ્રહ્મવિદ્યા છે.’ આ જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી અન્ય કોઈ જ્ઞાનની અપેક્ષા રહેતી નથી.

આ પૃથ્વી ઉપર માણસ પાસે ગમે તેટલી સમૃદ્ધિ અને ગમે તેટલું લૌકિક જ્ઞાન હશે પણ છતાં એક સમય એવો આવે છે જ્યારે તેને કાંઈક ખુટતું હોય તેવું અનુભવાય છે. છાંદોગ્ય ઉપનિષદમાં નારદજીનું આખ્યાન આવે છે. નારદજીએ ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું. પણ ભગવાનના સાક્ષાત્કારવાળું બ્રહ્મવિદ્યાનું જ્ઞાન ખૂટતું હતું. તેથી તેમને અસહજતા રહ્યા કરતી. તેઓ જ્ઞાની હોવા છતાં અવસાદ હતો. તે શાંતિ માટે સનતકુમાર પાસે જઈને કહે છે કે મને શાંતિ થાય એવું જ્ઞાન આપો. સનત્સુજાતે કહ્યું – પહેલાં તો તમે જે જાણતા હો તે મને જણાવો પછી તેનાથી ઉપરનું જ્ઞાન હું તમને આપીશ. દેવર્ષિ નારદજી જે ભણ્યા હતા તેનું મોટું લિસ્ટ આપતાં કહે છે – હું ચાર વેદ, ઈતિહાસ, પુરાણો, ગણિતશાસ્ત્ર, દૈવીકોપનું જ્ઞાન, તર્કશાસ્ત્ર, પંચરાત્ર, દેવતાઓની વિદ્યા, નીતિશાસ્ત્ર, વશીકરણ વિદ્યા, આર્યુવેદ, નક્ષત્રવિદ્યા, જ્યોતિષ વિદ્યા, વિગેરે ઘણી વિદ્યાઓની નામાવલી કહી જેમાં વિશ્વની બધી જ વિદ્યાઓ આવી જાય છે. એવું કહી શકાય કે દુનિયાની જેટલી વિદ્યાઓની શાખા છે, તે બધામાં તેઓ ઙવ.ઉ. હતા. સનત્સુજાતે કહ્યું, ભલે આ બધી વિદ્યા તમે ભણેલા હો, પણ જ્યાં સુધી બ્રહ્મવિદ્યા નહિ ભણો ત્યાં સુધી તમારો શોક દૂર નહીં થાય. અને પછી નારદજી બ્રહ્મવિદ્યા ભણ્યા છે.

આ બ્રહ્મવિદ્યામાં મૃત્યુનો ભય ટાળવાની શક્તિ છે. શમિક ઋષિના અપમાનના કારણે શૃંગી રાજા પરીક્ષિતને શાપ આપે છે કે સાતમાં દિવસે તને તક્ષક નાગ કરડશે અને તાં મૃત્યુ થશે. પરીક્ષિત શુકદેવજીનું શરણું ગ્રહણ કરે છે અને શુકદેવજી તેને બ્રહ્મવિદ્યા નિરૂપીને મૃત્યુથી નિર્ભય કરે છે.

આ બ્રહ્મવિદ્યા મૃત્યુન્જયી છે. ઉદ્દાલક ઋષિ ક્રોધિત થઈને તેના પુત્ર નચિકેતાને યમરાજાને દાનમાં આપી દે છે. નચિકેતા યમસદન પહોંચે છે. ત્યાં યમરાજાની 3 દિવસ પ્રતીક્ષા કરે છે. જ્યારે યમરાજા પધારે છે ત્યારે તે આ બાળકની મુમુક્ષુતા જોઈ પ્રસન્ન થાય છે અને 3 વરદાન માંગવાનું કહે છે. નચિકેતા પહેલા વરદાનમાં તેના પિતાની પ્રસન્નતા, બીજા વરદાનમાં અગ્નિવિદ્યા માંગે છે અને જ્યારે ત્રીજા વરદાનમાં મૃત્યુન્જયી વિદ્યા માગે છે ત્યારે ધર્મરાજા તેની લોલુપતાભરી કસણી કરે છે. નચિકેતા તે બધી જ પરીક્ષાઓમાંથી ઉત્તીર્ણ થાય છે અને અંતમાં ધર્મરાજા નચિકેતા ઉપર પ્રસન્ન થઈ તેને મૃત્યુન્જયી બ્રહ્મવિદ્યા આપે છે.

જે ફળ બીજી કોઈ વિદ્યાથી ન મળે તે મોક્ષરૂપી ફળ આ પરા વિદ્યાથી જ મળે છે. તેથી આ વિદ્યા પ્રાપ્ત કરવા માટે પ્રાચીન કાળથી જ મુમુક્ષુઓ પ્રયત્નશીલ રહ્યા છે. ગૌતમ ઋષિ પાસે વિદ્યાર્થી સત્યકામ જાબાલી આવે છે ત્યારે ગૌતમ ઋષિ તેને 400 દૂબળી ગાયો આપીને કહે છે કે આ ગાયોની સેવા કર અને 400માંથી 1000 થાય ત્યારે આવજે પછી તને હું બ્રહ્મવિદ્યા ભણાવીશ. શિષ્યે આજ્ઞા સ્વીકારી અને બ્રહ્મવિદ્યા સિદ્ધ કરી.

સારંગપુર ગામમાં એક વાર વહેલી સવારે ગુણાતીતાનંદ સ્વામી સ્નાન કરવા માટે નારાયણ કુંડ તરફ પધારે છે, ત્યારે પ્રાગજી ભગત એમની સેવામાં હતા. એ વખતે સ્વામીના મનમાં એક વાત રમતી હતી તે સ્વામીએ પ્રાગજી ભગતને કહી. “આ મારી પાસે બ્રહ્મજ્ઞાન તો છે પણ કોઈ ઉત્કૃષ્ટ શ્રદ્ધાવાન પાત્ર મળે તો તેને આપવું છે.” આ તો જેમ કોઈ ચાતકને પૂછે કે સ્વાતિ નક્ષત્રના બિન્દુઓ કોણ ઝીલશે ? એવો પ્રશ્ન પ્રાગજી ભગત માટે હતો. તેથી તેમણે ઉત્સાહથી કહ્યું, “સ્વામી ! એ જ્ઞાન મને ન આપો!” સ્વામી પણ એ જાણતા હતા કે આ જ એ પાત્ર છે જે પોતાના દેહ, ઈન્દ્રિયોના ચૂરેચૂરા કરીને આ જ્ઞાન પચાવશે અને પ્રવર્તાવશે. અને એ જ વખતે ગુણાતીતાનંદ સ્વામી પ્રસન્ન થઈને પ્રાગજી ભગતને બ્રહ્મવિદ્યા સિદ્ધ કરાવવાનો કોલ આપે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button