ભવસાગરને પાર કરવા જરૂરી છે જ્ઞાનની નૌકા
પ્રાસંગિક -રાજેશ યાજ્ઞિક
અધ્યાત્મની દ્રષ્ટિએ આત્માનું અંતિમ લક્ષ શું? જો સનાતન ધર્મની વાત કરીએ તો બ્રહ્મજ્ઞાન, જો જૈન ધર્મની વાત કરીએ તો કેવળજ્ઞાન. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જ્ઞાનયોગની વાત કરતા ભગવાન શ્રીકૃષ્ણ કહે છે.
શ્રેયાંદ્રવ્યમયાદ્યજ્ઞાજજ્ઞાનયજ્ઞ:પરંતપ,
સર્વં કર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે.
અર્થાત્ દ્રવ્ય આદિથી થનારા યજ્ઞ કરતા જ્ઞાનમય યજ્ઞ વધારે શ્રેષ્ઠ છે. કેમકે સર્વ સંપૂર્ણ કર્મો નિ:શેષ થઈને જ્ઞાનમાં સમાઈ જાય છે. જ્ઞાન વિનાનો મનુષ્ય મૂઢ ગણાય છે. આદિ શંકરાચાર્ય તો ત્યાં સુધી કહે છે કે, હે મૂઢ કંઈ નહીં તો ગોવિંદ તો ભજ! ધર્મના સોળ સંસ્કારોમાં પણ વિદ્યારંભ એક સંસ્કાર છે.
વિચાર કરો, જ્ઞાનનું જીવનમાં કેટલું મહત્ત્વ છે. મનુષ્યને મળેલ ઇન્દ્રિયો પણ જ્ઞાનના જ માધ્યમ છે. સ્પર્શ, રસ, ગંધ, દર્શન અને શ્રવણ. જન્મ પછી આ પાંચેય ઇન્દ્રિયો મનુષ્યને જગતનું વિવિધ જ્ઞાન કરાવે છે. પણ જ્યારે આ ઇન્દ્રિયોને અતિક્રમીને આત્માથી જગતનું આધ્યાત્મિક દર્શન કરીએ ત્યારે ‘બ્રહ્મ સત્ય, જગત મિથ્યા’નું જ્ઞાન થાય છે.
આપણું લક્ષ્ય કેવું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે? સૌથી પહેલા તો આપણે શાળાકીય કેળવણીને જ જ્ઞાન સમજી લઈએ છીએ. પહેલા તો આ જ આપણું અજ્ઞાન છે. આપણા શાસ્ત્રોએ યુગો પહેલાં કહેલી એ વાત તો વિજ્ઞાન હવે માનતું થયું છે કે જ્ઞાનની પ્રાપ્તિ માતાના ગર્ભમાં જીવના આગમન સાથે જ શરૂ થઇ જાય છે. શ્રીકૃષ્ણએ સાત કોઠાનું યુદ્ધ વર્ણવ્યું તે જ્ઞાન અભિમન્યુને માતાના ગર્ભમાં જ મળ્યું હતું. પણ આ સાત કોઠાના યુદ્ધની વાત સાથે જોડાયેલી એક જ્ઞાનની વાત મારે તમને કહેવી છે. મનુષ્યના શરીરમાં મુખ્ય ૭ ચક્ર હોય છે. જે મનુષ્ય પોતાના શરીરના સાતેય ચક્રોને સાધી શકે તે ‘પરમાનંદ’ની અથવા ‘બ્રહ્માનંદ’ની અવસ્થાને પ્રાપ્ત કરે છે. આ અર્થમાં જગતનો પ્રત્યેક મનુષ્ય એક અભિમન્યુ છે, જેણે સાત કોઠાને વીંધવાના છે.
મહાભારતનો અભિમન્યુ તો છ કોઠા વીંધી શક્યો, આપણે કેટલામાં હારી જઈએ છીએ? આત્મનિરીક્ષણ આપણે સ્વયં કરવાનું છે. તકલીફ એ છે કે આપણો આનંદ ‘સુખ’ સાથે જોડાયેલો છે, અને આપણું સુખ, ‘સાધનો’ સાથે જોડાયેલું છે. કારણકે સાચા આનંદનું જ્ઞાન આપણને નથી. સાધનથી મુક્ત થઈને સાધનાના પંથે જવાનો જે રાહ ચીંધે, એ જ સાચું જ્ઞાન. જૈન ધર્મમાં આ અનુસંધાનમાં જ જ્ઞાનના પ્રકાર વર્ણવ્યા છે, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવ જ્ઞાન, અને કેવળજ્ઞાન. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ એટલે જ જ્ઞાનને યોગ કહ્યો છે.
જ્ઞાન વિના કોઈ પણ વસ્તુ અસાર જ હોય. મીઠાઈ ભાવે છે, કારણકે એ મીઠી છે તેવું જ્ઞાન આપણને છે. પણ જો આપણી જીભથી આપણને એ જ્ઞાન ન થતું હોત તો? સૃષ્ટિ રળિયામણી છે તેવું આંખને જ્ઞાન છે, માટે જ ગમે છે. પણ જો દેખાતું ન હોત તો? ફૂલોની સુગંધ આનંદદાયક છે એ જ્ઞાન નાક વડે થાય છે તેથી સુખ મળે છે, પણ જો ગંધનું જ્ઞાન જ ન હોત તો? જેવું સુખનું છે, તેવું જ દુ:ખનું પણ છે. શરીરમાં સોયા ભોંકાય ત્યારે પીડા થાય છે. કેમકે શરીરને પીડાનું જ્ઞાન છે. પણ બહેર મારી ગયેલી જગ્યાએ સોયા ભોંકાય તો? શરીરના માધ્યમથી પ્રાપ્ત થતું આ જ્ઞાન ભૌતિક છે. તેને અતિક્રમીને જ્યારે આત્માના માધ્યમથી જ્ઞાનનું દર્શન થાય ત્યારે જ સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેથી જ અધ્યાત્મના માર્ગે પ્રસ્થાન કરનારને સૌપ્રથમ શાસ્ત્ર સ્વાધ્યાયનો માર્ગ સૂચવાય છે. પરમાત્માને પામવાના વિવિધ માર્ગોમાં જેમ ભક્તિ, તપશ્ર્ચર્યા કહ્યા છે તેમ જ્ઞાનના માર્ગે પણ પરમાત્માને પામી શકાય છે. પર્વતની ટોચ ઉપર પહોંચવું હોય તો શું કરવું પડે? પોતાની સાથે ઓછામાં ઓછું વજન લઇ જવું જોઈએ. તો જ ચઢાણ આસાન બને. તેવી જ રીતે અધ્યાત્મના ઉન્નત શિખરો સર કરવાના માર્ગે આગળ વધવું હોય તો ભૌતિક જ્ઞાનનો ભાર ઓછો કરતા જવો પડે. તેથી જ જ્ઞાનીજનો સાધકોને ચર્મચક્ષુ બંધ કરીને અંતર્મુખ થવાનો આદેશ આપે છે.
સંસારના સાગરને પાર કરવા જ્ઞાનની નૌકા વિના ચાલવાનું નથી. જ્ઞાન પામવાનો સાચો રસ્તો શું? પહેલું તો એ કે પોતાની જાતને પ્રશ્ર્ન કરો. શ્રીમદ રાજચંદ્રએ એક પદમાં આ બહુ સરસ રીતે વણી લીધું છે, ‘હું કોણ છું, કયાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું?’ પોતાને પ્રશ્ર્ન કરો કે હું કોણ છું? આ દુનિયામાં મારા આવવાનું પ્રયોજન શું છે? અને બીજું પગથિયું, તેના જવાબ શોધવા માટે ગુરુ પાસે જાઓ. જેની પાસેથી જ્ઞાન મેળવવું છે તેને પણ જિજ્ઞાસુ બનીને પ્રશ્ર્ન કરો. ધ્યાન રહે, જ્ઞાન મેળવવા જિજ્ઞાસુ બનવાનું છે, શંકાશીલ નહીં! આપણે ત્યાં તો જ્ઞાનના મહાસાગર સમું આખું પ્રશ્ર્નોપનિષદ છે. શ્રીમદ રાજચંદ્રએ પદમાં આગળ કહે છે,
હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?
કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું ?
એના વિચાર વિવેકપૂર્વક, શાંત ભાવે જો કર્યા,
તો સર્વ આત્મિકજ્ઞાનનાં સિદ્ધાંતત્ત્વ અનુભવ્યા.