એક ખરાબ માણસ
ટૂંકી વાર્તા -નટવર ગોહેલ
સ્નેહદીપ ટી સ્ટોલના બાંકડા પર બપોરનો તડકો હાંફતો હતો. એકલ દોકલ ગ્રાહક આવી, ચાની ચુસ્કી ભરીને પ્રસ્થાન કરી જતા હતા. ગોવિંદની ચા વગર કોઈને ચાલતું નહીં, ત્રણના ટકોરે બન્ને બાંકડા ગ્રાહકોથી ભરાઈ જતા, તો કેટલાક ઊભા ઊભા પણ ગરમાગરમ ચા ગળામાં ઠાલવતા. અત્યારે તો એક આવે અને એક જાયની સ્થિતિ હતી.
ત્રણ પછી અને પૂર્વેનો સમય કપ-રકાબીના ખખડાટનો જ બની રહેતો, મુખના ગલોફામાં ગુટકાની આખે આખી પડીકી ઉતારી ગોવિંદ ચા ઉકાળતો, એની ઝડપ નોંધવા જેવી, કદીક તમાકુની લાંબી પિચકારી મારીને ગ્રાહક સાથે ગુંગણાટ કરીને પૈસાની લેતી દેતી કરી લેતો.
ત્રણ વાગ્યા અને સૌથી પહેલો મોટી મૂછોવાળો બાબુ આવી ગયો. જિન્સનું પેન્ટ અને ચોકડીવાળું ટીશર્ટ પહેરેલો આ માણસ આ વિસ્તારનો માથાભારે માણસ. વીસ બંગલાની સોસાયટી સામે એક ઓરડીમાં રહેતો હતો. સોસાયટી બની તે પૂર્વેથી તે અહીં રહેતો હતો. છાંટો પાણી કરવાનો શોખીન, એક પછી એક બીડી પીધા કરે.
બાબુના શરીરનો વાન કાળો હતો, એનો અવાજ ભારે હતો. સામેની સોસાયટી હજુ બનવાની શરૂ પણ થઈ ન હતી ત્યારથી તે એક પગી તરીકે સેવા આપતો હતો. બિલ્ડરે તેને પાંચ હજારનું પેકેજ નિર્ધારીત કરી આપ્યું હતું. કોઈને હબે તબે કરવાનો હોય કે ચેતવણીનો તિખારો ચાંપવાનો હોય ત્યારે બાબુ કામ આવી જતો. સ્નેહદીપ ટી સ્ટોલનો બાંકડો ક્યારેક બે ચાર જણ માટે ગામ આખાની ચોવટનો ઓટલો બની જતો.
બાબુ આવે તે પછી તરત અન્ય ત્રણ જણ પણ આવી જતા. વાતોના ગપાટા શરૂ થતા. ધવલ, બીરજુ અને લક્ષ્મણ બાબુ સાથે જોડાતા.
‘એક નંબરવાળી શું કરે છે?’ બીરજું થોડો ટીખળી અને ઠઠ્ઠાખોર હતો: ‘ત્રણ પછી તને જોવા માટે પરશાળમાં આવી ને ઊભી રહે છે નહીં?’
બાબુએ બીરજુ સામે કરડાકીથી જોયું તે પછી તરત જ એક નંબરના બંગલા તરફ જોયું, ૩૫ વર્ષની આયુ ધરાવતી સુંદર મુખકમળવાળી, તીખા નયન ધરાવતી ઉલ્કા પરશાળમાં આવીને બેઠી હતી. ઉલ્કા ભરપૂર દેહલાલિત્યની સ્વામિની હતી. ગૌર બદન પરની યૌવનયુક્ત ગરવાઈ હજી અકબંધ હતી.
તરત જ ત્યાંથી નજર હટાવી બાબુએ પેલા બીરજુ સામે જોયું, આંખોમાં તિખારો ઊપસી આવ્યો, હોઠ ભીંસી ને ઘૂરકી રહ્યો, માથું બે વાર હલાવી એણે બીરજુને એક પણ શબ્દ વગર ભેંકાર મૌનમાં જ ચીમકી આપી દીધી: હવે પછી તું બોલતો નહીં, નહીંતર…
તે ઊભો થઈ ગયો. હોઠ વચ્ચે બીડી ગોઠવી, દીવાસળીની મદદથી સળગાવી ધૂમ્રસેર છોડતો બીરજુને તાકી રહ્યો. જમણા હાથની આંગળી લાંબી કરી, હલાવી, પછી ચાલતો થયો. ત્યાં ઉલ્કા બાબુની બાજુ જોઈ રહી હોય તેવું લાગ્યું. બાબુ એ તરફ વળ્યો…
બીરજુએ ધવલ તથા લક્ષ્મણ તરફ જોયું અને મર્માળુ સ્મિત ફરકાવવા બાબુની પીઠ સામે તાકી રહ્યા. પછી એક બીજા સાથે તાળી લઈને હસ્યા. બાબુએ ગરદન ઝાટકી પુન: ત્રણ જણ સામે જોયું. ક્રોધ ગળી જઈને બંગલા નંબર ૧ તરફ ચાલતો રહ્યો.
ઉલ્કાના જીવનમાં એક વર્ષ અગાઉ જબરજસ્ત ઉલ્કાપાત આવી ગયેલો. અણધારી એક ઘટના એવી ઘટી કે તેના અણુએ અણુનું લોહી થીજી ગયેલું. નખમાંયે રોગ નહોતો અને તેનો પતિ શેખર સ્વર્ગે સીધાવી ગયેલો. હૃદયરોગના પ્રથમ હુમલામાં જ લાંબા ગામતરે ચાલ્યા જવું પડ્યું.
કાશીરામ વિસ્તારમાં આવેલ તેમની કંપનીનું સઘળું કામ લલિત નાંગરના માથે આવી ગયું. ૩૦ વર્ષનો લલિત નિષ્ઠાવાન માણસ, શેખરનો વફાદાર મિત્ર અને કંપનીનો મેનેજર. હિસાબ-કિતાબ ચોખ્ખો રાખે. એક પૈસાનો પણ ગોટાળો થવા ન દે. ગારમેન્ટનો ધંધો ધમાકેદાર ચાલતો, આઠ જણને રોજગારી મળતી. બે બહેનો પણ હતી. અવનવું ડ્રેસ મટિરિયલ્સ, કુશન કવર, બહેનોને લગતાં કપડાં, સ્કૂલ ડ્રેસ વિગેરે સિવાતા, માર્કેટમાં તે સામગ્રી પહોંચતી થતી.
ઉલ્કા કંપનીના સ્થળે દિવસમાં એકાદવાર આવતી શેખરને મદદ કરતી, કારીગરોનું બારીકાઈથી ધ્યાન રાખતી. સૌ પ્રત્યે સહાનુભૂતિ પણ દાખવતી, એમની સોસાયટીથી કાશીરામની આ કંપની દૂર ન હતી.
શેખરના મૃત્યુ પછી કંપનીની સઘળી જવાબદારી ઉલ્કાના માથે આવી ગઈ હતી, પણ લલિતની જવાબદારી પણ એટલી જ વધી હતી. શેખર બૅન્કનું કામકાજ કરતો, ચેક આપવા, લેવા-જમા કરવા તથા કદીક ઉઘરાણી જેવું વર્ક પણ કરી લેતો. હવે લલિતના ખાતામાં એ સઘળી કામગીરી જોડાઈ ગઈ હતી. લલિત એકલવાયો જીવ, માથે ગુરુનો હાથ એ સિવાય કોઈ નહીં. શેખરના પિતા લલિતને વતનમાંથી લઈ આવેલા. માતા-પિતા વિનાનો લલિત શેખરના પિતાના આશરે ઊછર્યો, પાંગર્યો અને ઘરના ધંધે વળગ્યો.
શેખરના પિતા દેવનારાયણને લલિત મોં ભરી બાપુ કહેતો, એકવાર એ બાપુએ કહી દીધું હતું: ‘તું અને શેખર મારે મન રામ-લક્ષ્મણની જોડી છો. સંપથી કામ કરો. કંપની સંભાળો. પછી યોગ્ય ઠેકાણે પરણાવી પણ દઈશ…’
બાપુના એ ઓરતા પૂરા થયા નહીં. એક સાથે ઊછરેલા શેખર-લલિતે બાપુની ઓથ પણ ગુમાવી દીધી. જોકે, દૂરના કાકાએ શેખરના લગ્ન કરાવી દીધા હતા. ઘરમાં ઉલ્કા આવી. બસ, ઘરમાં ત્રણ જીવ ધબકતા હતા. શેખર, ઉલ્કા અને લલિત.
અને હવે ફક્ત બે જીવ જ…
ઉલ્કા અને લલિત… આ લલિતને દેવ નારાયણ પરણાવી શક્યા નહીં, પણ એમ તો શેખરની મહેચ્છાય ક્યાં પૂરી થઈ હતી? ઉલ્કા અને શેખરે આ લલિતને માટે ક્ધયાઓ શોધવાનું શરૂ કરી દીધું હતું. એકવાર જમતા-જમતા ઉલ્કાએ કહેલું:
‘તમારું ઠેકાણું પડે તો સારું’ ઉલ્કાએ કહ્યું હતું.
‘એટલે? શું કહેવા માગો છો?’ લલિતે ઉલ્કા સામે જોયા વગર કહ્યું હતું: ‘ભાભી, મારી ચિંતા કરો નહીં’
‘એમાં કશું ખોટું નથી’ શેખર ઉલ્કાની મદદે આવ્યો હતો ‘યોગ્ય ક્ધયા આ ઉંમરે આવે તો ઉલ્કાને પણ નાની બહેન બળી જાય, ખરું કે નહીં?’
શેખર-ઉલ્કા હસ્યા હતાં. લલિતે એક શબ્દનો પણ પ્રત્યુત્તર આપ્યો ન હતો. ઉલ્કા, શેખર જમવામાં પરોવાયા, બન્નેમાંથી કોઈ બોલ્યું નહીં, પછી તો શેખર પણ રહ્યો નહીં. રહી ગયા વિશાળ બંગલામાં કેવળ બે જણ, ઉલ્કા અને લલિત.
ઉલ્કાના જીવનમાં આવેલા એ દુ:ખદાયક ઝંઝાવાતો અત્યંત આઘાતપ્રેરક હતા, પણ તે મજબૂત અને નક્કર કાળજુ ધરાવતી યુવતી હતી. પિયરનું તેડું ઘણીવાર આવી ગયું: દીકરી, તારી ઉંમર પણ શું છે? અમારું માન અને નવું માણસ…
‘ના, પપ્પા! હવે બસ…’ ઉલ્કાએ તેના પપ્પાને સ્પષ્ટપણે કહી દીધું હતું: ‘હું શેખરના આત્માને ઠેસ પહોંચે તેવું પગલું ભરીશ નહીં. મારે લગ્ન કરવા નથી. મારા શેખરના ધંધાનું શું? બંગલો, ગાડી, બૅન્ક બેલેન્સ અને એક સ્વજનથી પણ અધિક લલિતનું કોણ? હવે લગ્નના મુદ્દે કોઈ વાત ના કરતા પ્લીઝ!’
હા, ઉલ્કાએ હળવેથી પપ્પાને કહ્યું હતું: ‘પપ્પા, શક્ય હોય તો લલિત માટે ક્ધયા શોધજો. શેખર અને એમના બાપુના ઓરતા…’
ગળું ભરાઈ આવ્યું હતું.
આગળ બોલી શકાયું નહતું…
૧ નંબરના બંગલા તરફ પગલાં માંડી રહેલા માથાભારે બાબુથી આ સઘળી વાતો જરાયે અજાણી ન હતી. ટુકડે ટુકડે, ક્યાંકથી ને ક્યાંકથી તેણે આખીયે કથાને સાંભળીને સ્મરણમાં ભંડારી દીધી હતી.
બાબુ નામનો આ જણ ઉલ્કાને ઘુરકી ઘુરકીને જોતો હતો, ઉલ્કાને તે જરાયે પસંદ નહતું તે એને ધિક્કારતી હતી: તે મને શું કામ જોયા કરે છે? શા માટે? તેની દાનત સાફ લાગતી નથી.
બાબુ તરફથી મુખ ફેરવીને ઉલ્કાએ ઘણીવાર નફરત વ્યક્ત કરી હતી: એની હેસિયત શું? હું શિક્ષિત છું, એક ઠરેલ વેપારીની પત્ની છું, તે તેના મનમાં શું ધારી બેઠો હશે? હું એને લાગ મળતા જ કહી દઈશ સીધો રહી જજે…
…આજે પણ…
હા, ઉલ્કાએ મુખ ફેરવી લીધું. બાબુ બીડી ફૂંકતો આગળ ગયો. પાછું વળીને જોયું, ઉલ્કા હવે પરશાળ છોડીને મુખ્ય હોલ તરફ આગળ વધી રહી હતી. ના, હવે એ દેખાઈ રહ્યો ન હતો. કોણ જુએ એનું જડબું? બધા જ કહે છે: એને મોં આપવા જેવું નથી. તે ખરાબ દાનત ધરાવતો માણસ છે. ગમે તે છોકરીનું હાલતા બાવડું પકડી લે છે. એને કોઈ બોલાવતું નથી…
‘તમને કોઈ પજવતું હોય કે કનડતું હોય તો મને કહેજો…’ એકવાર બાબુએ સામે પગલે ચાલીને ઉલ્કાને સધિયારો આપી દીધો હતો: ‘શેખરબાબુ નથી તો શું થયું, હું તો મદદ કરીશ જ…’
નફરતભરી આંખ માંડી, ક્રોધાવેશમાં ઉલ્કા ચાલતી થઈ ગઈ હતી: અરે, આ માણસ એના મનમાં સમજે છે શું? આ માણસ મરતો કેમ નથી? મારા વિશે તે શું ધારી બેઠો હશે? હું એને કહી દઈશ…
બાબુ છેકથી પાછો વળ્યો, ૧ નંબરના બંગલા તરફ દૃષ્ટિ ફેંકી સ્નેહદીપ ટી સ્ટોલ તરફ સરક્યો. ફરી-ફરી બંગલાની પરશાળ તરફ જોયું, ઉલ્કા હવે ત્યાં ન હતી. ક્યારેક તે હીંચકે પણ ઝૂલતી. લોનમાં પગલાં પાડતી, ક્યારેક વિચારતી વિચારતી વિચરણ કરતી.
ઉલ્કા અને લલિત એક સાથે હીંચકે બેસી ઘણીવાર વાતો કરતા. તે વખતે દૂરની ઓરડીએ ઊભેલો બાબુ મનોમન કંઈક જુદું જ વિચારતો.
આજે પણ તેના મગજમાં વિચારોનું તુમુલ યુદ્ધ જ ચાલી રહ્યું હતું. બાબુ પાછો આવ્યો એટલે ધવલ, બીરજુ અને લક્ષ્મણ પરસ્પર સામે જોઈને થોડુંક મલક્યા.
‘અલ્યા, ગોવિંદ.’ બીરજુએ ગોવિંદને બૂમ પાડીને કહ્યું: ‘ભાઈ માટે અડધી કાઢ’ પછી ધવલ અને લક્ષ્મણ તરફ જોઈને: ‘આમનેય અડધી-અડધી પીવડાવ.’
બાબુ બાંકડે બેઠો.
બંગલા તરફ જોઈ રહ્યો.
‘શું લાગે છે?’ ધવલે બાબુ તરફ સહજ જોઈને ઉમેર્યું: ‘એ લાગમાં આવે એમ છે’
‘તમે માર ખાવાના થયા છો’ બાબુએ ગોવિંદ સામે જોઈ હાક મારી: ‘અલ્યા મઈ આદું-બાદું નાખજે, માથું ચડ્યું…’
‘માથું ચડે એવા રસ્તામાંથી બહાર નીકળવું જરૂરી નથી લાગતું?’ લક્ષ્મણે છેવટે મમરો મૂક્યો.
‘તમે લોકો મને ગોવિંદનો બાકડો છોડાવશો’ ક્રોધાવેશમાં બાબુએ ઉકળાટ ઠાલવ્યો: ‘તમારા જેવા ભેરુઓને ઝાઝું શું કહેવાનું?’
ચા આવી. ત્રણેય જણાએ ન્યાય આપ્યો. બીડી પીતા-પીતા બાબુ ઉલ્કાના બંગલા તરફ જોઈ રહ્યો હતો. તે કંઈક વિચારી રહ્યો હતો. તેના ત્રણ સાથીદારો વિચારમગ્ન હતા.
બીરજુ જરા જુદું વિચારતો હતો: આ માણસ સુધરશે નહીં, શી ખબર, વધુ ખરાબ બનવા જઈ રહ્યો છે કે પછી…
ધવલ, બીરજુ અને લક્ષ્મણ છેવટે થાકીને ઉઠ્યા, ખરાબ માણસને બાંકડે એકલો છોડીને…બાબુએ તેમની જરાયે ચિંતા કરી નહીં તો ઉલ્કાના બંગલા તરફ જ જોઈ રહ્યો હતો, અપલક નેત્રે…
ઘડિયાળના કાંટા સમયને ઢસડતા રહ્યા. સૂરજ રોજ ઊગતો, રોજ ઢળતો. સાંજ, સવાર એના ક્રમ અનુસાર આવીને ધરતીને પંપાળી જતા.
ઉલ્કાનો દિવસ માંડ પસાર થતો પણ રાત કેમેય ટૂંકી થતી નહીં. વિચારના વહેણ જંપવા દેતા નહીં. શેખર સિવાય કોઈ દેખાતું નહીં. એનો અપાર પ્રેમ અને સ્નેહથી તરબરત હૂંફ સ્મરણમાંથી શું કામ ઓઝલ થાય?
એક રાતે…
ઉલ્કા જાગતી બેઠી હતી. લલિત હજુ આવ્યો ન હતો. જમવાનું બાકી હતું. રોજ લલિત આવે પછી જ બન્ને સાથે જમતાં. મોડે સુધી કારોબારની ચર્ચા કરતા. પણ, હજુ લલિત આવ્યો ન હતો. તેનો મોબાઈલ પણ બંધ આવતો હતો, શું થયું હશે? એ ક્યાં હશે?
દરમિયાન ડોરબેલ રણકી…ઉલ્કાએ ઊઠીને બારણું ખોલ્યું, સામે ઊભેલા માણસને જોઈને તે નખશીખ ધ્રૂજી ઊઠી. છળી મરી. ઓહ, હવે શું થશે? બૂમ મારીને બધાને એકઠા કરું? આ બાબુ…
આ ખરાબ માણસ…
ઉલ્કા બે કદમ પાછળ ખસી,
બાબુએ બે હાથ જોડ્યા.
‘મારું એક કામ કરશો?’ બાબુએ સ્હેજ સંકોચાઈને સોફા પર બેઠક લીધી: ‘શેખર સાહેબના આત્માને શાંતિ મળે એ માટે…’
શેખરના આત્માની આ ખરાબ માણસ ફીકર કરે છે? કોણ છે આવી ફીકર કરનારો આ જણ? અમે બધા છીએને? લલિત અને હું…
‘બહેન, એક રાતે ગામડેથી આવેલી મારી બહેન બીમાર પડી ગઈ હતી. ડેંગૂ (ડેન્ગયૂ) ના તાવે ભરડો લીધો હતો. ઘરમાં ઝેર ખાવા ફૂટી કોડી ન હતી. બે ત્રણ જણ પાસે મદદ માગી. મળી નહીં, હું પાગલની માફક આમથી તેમ દોડતો હતો. ત્યાં સાહેબની ગાડી સામે આવી. બે હાથ પહોળા કરીને ઊભો રહ્યો’
બાબુ અટક્યો. આંખના ખૂણા ભીના થયા હતા. ભીનાશ સાફ કરી. પણ ગળાની ભીનાશ કેમેય સાફ થઈ નહીં: ‘મેં’ સાહેબને માંડીને વાત કરી. તરફ તેમની ગાડીમાં મારી બહેનને હૉસ્પિટલ લઈ ગયા. જરૂરી સારવાર કરી. બધો ખર્ચો સાહેબે આપ્યો. હું એ ગોઝારી રાત ભૂલ્યો નથી. સાહેબનો ઉપકાર શા માટે ભૂલું…મારે પણ એમનું કામ કરવું પડે…’
થોડીવાર અટકીને…
પાછળ ફરી બૂમ પાડી: ‘લલિત ભાઈ…’ એક પળ, બીજી પળે લલિતે હોલમાં પ્રવેશ કર્યો. ઉલ્કાના દિમાગમાં કેટલાક તાણાવાણા મળી રહ્યા હતા.
‘મેં લલિતભાઈને સમજાવ્યા છે’ બાબુએ કહ્યું: ‘ઉલ્કાબહેન, તમે અને લલિતભાઈ એક થઈ જાવ… મારું કહ્યું માનો બહેન…એક, છેલ્લું નેક કામ કરવા દો…’
ઉલ્કા સ્તબ્ધ થઈ ગઈ.
બાબુ નામનો આ માણસ…? ગામનો ઉતાર… સૌના મનની નફરત લઈને ફરનારો જણ…એકાએક આવો સાફ દિલ, અને પ્રેમાળ એ ત્યાગી બની ગયો…?
ઉલ્કા બોલી નહીં.
લલિત નતમસ્તક બેઠો હતો.
‘તમે મારું માન નહીં રાખો તો હું ચાલ્યો જઈશ. ઓરડીને તાળું મારી ગામડે જતો રહીશ…આજની રાત વિચારી લો, લલિત ભાઈનો હાથ પકડી લો. એમના સથવારે જ જીવન પાર પડશે નહીંતર…’
બાબુ ઉઠ્યો.
બન્ને સામે જોઈને બહાર નીકળી ગયો.
ઓરડીના બારણે ટકોરા પડ્યા.
બાબુ થેલામાં તેના બેત્રણ જોડી કપડાં ગોઠવી રહ્યો હતો. બારણું ખખડ્યું એટલે એ ઊભો થયો. કોણ આવ્યું હશે સવારમાં…?
બારણું ખોલતા જ એ અવાચક બની ગયો. સામે લલિત અને ઉલ્કા ઊભાં હતાં. બાબુની તૈયારી વિશે એમને ઝાઝું સમજવું પડે તેમ ન હતું.
‘ગામડે જવાની તૈયારી બંધ કરો બાબુભાઈ’
ઉલ્કાએ કહ્યું: ‘શું તમે મોટાભાઈ તરીકે અમારા મેરેજ સંબંધી કાગળોમાં સહી કરવા કોર્ટમાં નહીં આવો?’
બાબુની આંખો છલકાઈ ઊઠી.
‘અને મેરેજ બાદ અમારા સત્કાર સમારોહ નિમિત્તે યોજેલ ભોજનમાં પણ હાજર રહેવાનું છે’ ઉલ્કાએ વાત પૂરી કરી.
…ને ખરાબ માણસ રડી પડ્યો.