ધર્મતેજ

શ્રીકૃષ્ણનું બહુઆયામી વ્યક્તિત્વ

જીવનનું અમૃત -ભાણદેવ

(ગતાંકથી ચાલુ)
ભગવાન શ્રીકૃષ્ણ ઉદ્ધવજીને, સુદામાજીને, અર્જુનજીને, દ્રૌપદીજીને, પાંડવોને, કુંતાજીને, વિદુરજીને, પિતામહ ભીષ્મને અને તે કાળના આર્યાવર્તની સર્વ પ્રજાને અપરંપાર પ્રિય હતા.

તે કાળની પ્રજાને જ શા માટે? શ્રીકૃષ્ણ તો મીરાંને, ચાંડાલને, નરસિંહ મહેતાને, ચૈતન્ય મહાપ્રભુને, જ્ઞાનેશ્ર્વર મહારાજને અરે! ભારતવર્ષની સર્વ પ્રજાને સર્વકાળે પ્રિય, અતિ પ્રિય લાગ્યા છે.

ભારતવર્ષની પ્રજાને જ નહિ, વિશ્ર્વભરની સર્વ પ્રજાને મારા શ્રીકૃષ્ણ સર્વ કાળે પરમ પ્રેમાસ્પદ લાગે છે, લાગ્યા છે અને લાગતા જ રહેશે;

કારણ કે શ્રીકૃષ્ણ સ્વરૂપત: પરમ પ્રેમાસ્પદ છે!

૩. બંસીધર શ્રીકૃષ્ણ
ભગવાન શ્રીકૃષ્ણ બંસી વગાડે ત્યારે શું થાય?

ત્યારે બ્રહ્માંડ ડોલી ઊઠે! ત્યારે ગોપીઓ દોડે! ત્યારે ગોપબાળકો દોડે! ત્યારે ગાયો દોડે! ત્યારે યમુનાનાં પાણી સ્થિર થઈ જાય!

ભગવાન શ્રીકૃષ્ણના હાથમાં શું હોય? સુદર્શનચક્ર! હા, પણ તે તો ક્યારેક જ! ભગવાનના હાથમાં વિશેષત: શું હોય? બંસી જ બંસી! તેથી જ શ્રીકૃષ્ણ ચક્રધર કરતાં બંસીધર વિશેષ છે!

શ્રીકૃષ્ણનો બંસીનાદ શું છે? પરમાત્માનું જીવાત્માને પોતાના તરફ આવવાનું દિવ્ય આહ્વાન (Divine Call) છે.

द्दष्ट्वा कुमुद्वन्तमखण्डमण्डलं रमाननाभं नवकुङ्कुमरुणम्।
वनं च तत्कोमलगीमिरञ्जितं जगौ कलं वामद्दशां मनोहरम्॥

श्रीमद् भागवत; 10-29-3
“તે રાત્રે (પૂર્ણિમાની રાત્રે) ચંદ્રદેવનું મંડલ અખંડ હતું. ચંદ્રદેવ નૂતન કે શર સમાન લાલ બની રહ્યા હતા. તેમનું મુખમંડલ લક્ષ્મીજી સમાન જણાતું હતું. તેમનાં કોળમ કિરણોથી સમગ્ર અરણ્ય અનુરાગમાં રંગાઈ ગયું હતું. તે જોઈને ભગવાન શ્રીકૃષ્ણે પોતાની બંસી પર વ્રજસુંદરીઓના ચિત્તને હરણ કરનાર ‘कलीं’ બીજની મધુર તાન છેડી.
ભગવાનની બંસીનો આ અલૌકિક નાદ સાંભળીને ગોપીઓ પર શી અસર થઈ?

ભગવાન વ્યાસ શ્રીમદ્ ભાગવતમાં કહે છે-
नशम्य गीतं तदनङ्गवर्धनं व्रजस्त्रियः कृष्णगृहीत मानसाः।
आजग्मुरन्योन्यमलक्षितोद्यमाः स यत्र कान्तो जवलोलकुण्डलाः॥

श्रीमद् भागवत; 10-39-4

“ભગવાત્ પ્રેમને અપરંપાર વિકસિત કરનાર તે બંસીવાદન સાંભળીને, જેમનું મન શ્રીકૃષ્ણમાં પ્રારંભથી જ સંલગ્ન થયેલું છે, તેવી ગોપીઓ ભગવાન પાસે પહોંચવા માટે નીકળી પડે. તેમણે અન્યોન્ય કોઈને જાણ પણ કરી નથી. તે વખતે તેમની તીવ્ર ગતિથી તેમના કાનનાં કુંડળો ઊછળી રહ્યાં હતાં.

શ્રીકૃષ્ણનો આ બંસીનાદ સાંભળીને ગોપીઓ ભગવાન પાસે પહોંચવા માટે જાણે દોડ મૂકે છે.

ગોપીઓ એટલે કોણ? જીવસૃષ્ટિ.

બંસીનાદ એટલે શું? ભગવાન દ્વારા જીવોને પોતાની પાસે આવવાનું આહ્વાન!

ભગવાન શ્રીકૃષ્ણનો બંસીનાદ આજે પણ ચાલુ છે. કાન હોય તેઓ સાંભળે!

વૃંદાવનથી મથુરા જતી વખતે ભગવાન શ્રીકૃષ્ણે પોતાની આ બંસી શ્રી રાધાજીને સોંપી દીધી હતી. વૃંદાવનત્યાગ પછી ભગવાન શ્રીકૃષ્ણે બંસી કદી વગાડી નથી અને માખણ કદી ખાધું નથી.

હા, કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણના મહાસંમેલન વખતે ભગવાન શ્રીકૃષ્ણ સાથે સર્વ વૃંદાવનવાસીઓનું મિલન થાય છે. તે વખતે શ્રી રાધાજી તે જ બંસી ભગવાન શ્રીકૃષ્ણને સોંપે છે અને ત્યારથી ભગવાન પુન: બંસીવાદનનો પ્રારંભ કરે છે. તે જ વખતે યશોદામાં ભગવાનને માખણ ખવડાવે છે અને ભગવાન ત્યારથી માખણ ખાવાનો પુન: પ્રારંભ કરે છે.

આવા છે મારા બંસીધર શ્રીકૃષ્ણ!

૪. રાસેશ્ર્વર શ્રીકૃષ્ણ
‘રાસ’ શબ્દ ‘‘रस’’ પરથી બન્યો છે, એવો એક મત છે. रसो वै सः અનુસાર પરમાત્મા રસસ્વરૂપ છે, રસરાજ છે. પરમાત્મા સત્, ચિત્ત અને આનંદ છે. આનંદની જ એક અભિવ્યક્તિ રસ છે, જ્યાં ભગવાન હોય ત્યાં આનંદ હોય જ, રસ હોય જ! તદ્નુસાર અમારા કૃષ્ણ રસરાજ છે અને તેથી રાસેશ્ર્વર પણ છે.

શ્રીકૃષ્ણ અને રાસ તો જાણે એકરૂપ ગણાય છે. શ્રીકૃષ્ણ અને રાસને છૂટા પાડી શકાય તેમ નથી.

ભગવાન શ્રીકૃષ્ણ એક મહાન કળાકાર પણ છે. શ્રીકૃષ્ણ બંસીવાદક છે અને નૃત્યકાર પણ છે. શ્રીકૃષ્ણ નટેશ્ર્વર છે.

ચીરહરણલીલાથી ગોપીઓનો આવરણભંગ થયો.

ગોપીઓના સમર્પણભાવથી ભગવાન શ્રીકૃષ્ણ પ્રસન્ન થઈને કહે છે-

यातबला व्रजं सिद्धा मयेमा रंस्यथ क्षपाः।
यदुद्दिश्य व्रतमिंदं चेरुरार्यार्चनं सतीः॥

  • श्रीमद् भागवत; 10-22-27

  • “હે કુમારિકાઓ! હવે તમે વ્રજમાં તમારે ઘરે જાઓ. તમારી સાધના સિદ્ધ થઈ છે. તમે આગામી શરદપૂર્ણિમાએ મારી સાથે રાસ રમશો, જે ઉદ્દેશ્યથી તમે વ્રત અને કાત્યાયની દેવીની ઉપાસના કરી છે.

ભગવાને ગોપીઓને વરદાન આપ્યું છે – “આવતી શરદપૂર્ણિમાએ હું તમને મારી સાથે રાસ રમાડીશ.

શરદપૂર્ણિમા આવી છે. માનવી ભૂલી જાય છે, ભગવાન ભૂલી જતા નથી. ભગવાન બંસીવાદન દ્વારા ગોપીઓને આવાહન આપે છે. આવાહન – રાસ રમવા માટે! ગોપીઓ આવે છે. વનવિહરણલીલા ચાલે છે. ગોપીઓને મદ થયો છે. ભગવાન અંતર્ધાન થઈ જાય છે. ગોપીઓ આક્રંદ કરે છે, કાકલૂદી કરે છે અને ‘ગોપગીત’ દ્વારા ભગવાનને પ્રગટ થવા પ્રાર્થના કરે છે.

ભગવાન પ્રગટ થાય છે અને સૌ રાસલીલા માટે તૈયાર થાય છે.

બ્રહ્માજીએ દેવોને આજ્ઞા આપી છે અને તદ્નુસાર દેવોએ રાસલીલા સ્થાનની સફાઈ કરી રાખી છે. ભગવાન અને ગોપીઓ પદત્રાણ વિના જ રાસ રમશે. તેમના પગે કાંટાકાંકરા વાગે નહિ, તેવી કાળજી રાખવાની છે. ભગવાન શ્રીકૃષ્ણ અને હજારો ગોપીઓ હવે મહારાસના પ્રારંભ માટે તત્પર થયા છે.

મહારાસનાં ત્રણ વર્તુળ બન્યાં છે. સૌથી વચ્ચે કેન્દ્રસ્થાને છે – રાધાકૃષ્ણ, બીજા વર્તુળમાં છે – જેટલી ગોપીઓ, તેટલા કૃષ્ણ. અર્થાત્ એક ગોપી, એક કૃષ્ણ, એક ગોપી, એક કૃષ્ણ! તૃતીય વર્તુળમાં અનેક ગોપીઓ અને એક કૃષ્ણ! આ રીતે રાસલીલા માટે સૌ ગોઠવાયાં છે. સર્વ ગોપીઓનાં ચરણમાં સુવર્ણનાં નૂપુર છે. ભગવાનનાં ચરણમાં નૂપુર નથી. ભગવાનનાં ચરણમાં નૂપુર પહેરાવે કોણ? કોની હિંમત ચાલે? ચંદ્રાવલીજી હિંમતવાન છે. ચંદ્રાવલીજી ભગવાનનાં ચરણોનો સ્પર્શ કરીને, ભગવાનનાં ચરણોમાં નૂપુર પહેરાવે છે.

અંતરિક્ષમાં બ્રહ્માજી, દેવો, ગંધર્વો, ક્ધિનરો આવી ગયા છે. બ્રહ્માજી ગંધર્વોને, ક્ધિનરોને આજ્ઞા આપે છે –
“જાઓ! તમારાં વાજિંત્રો લઈને આવો. ભગવાનના આ મહારાસમાં તાલ કોણ પુરાવશે?

ગંધર્વો, ક્ધિનરો પોતાનાં વાજિંત્રો લઈને હાજર થાય છે.

ભગવાન ઝાંઝરનો ઝણકાર કરે છે, બંસીનાદ કરે છે અને મહારાસનો પ્રારંભ કરે છે.

આ મહારાસથી ચંદ્ર પોતાની ગતિ ભૂલી જાય છે, યમુનાનાં પાણી સ્થિર થઈ જાય છે. ભગવાન શ્રીકૃષ્ણ અને અસંખ્ય ગોપીઓ મહારાસ રમી રહ્યાં છે. બ્રહ્માંડ ડોલી ઊઠ્યું છે! ભગવાન શિવ ‘શિવા’ ગોપી બનીને અને દેવર્ષિ નારદજી ‘નારદી’ ગોપી બનીને આ મહારાસમાં સંમિલિત થયા છે.

રાત્રિ છ માસની બની છે.

આ મહારાસ બંધ નથી થયો. આ મહારાસ આજે પણ અવિરત ચાલુ જ છે. અનેક ભાવસિદ્ધ ભક્તો આ મહારાસનાં દર્શન પામીને ધન્ય થયા છે અને આજે પણ આ દર્શન અશક્ય નથી!

શ્રીકૃષ્ણ ક્યાંય ગયા નથી. આજે પણ અહીં અને અહીં છે અને શ્રીકૃષ્ણ તો રાસેશ્ર્વર છે!

૫. પરમ આકર્ષક વ્યક્તિત્વ
ભગવાન શ્રીકૃષ્ણ પરમ સુંદર છે, પરમ પ્રેમાસ્પદ છે. તે તો છે જ; પરંતુ સાથેસાથે શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ પરમ આકર્ષક પણ છે જ!

આ આકર્ષક તત્ત્વ શું છે? અંશને અંશી પ્રત્યે આકર્ષણ હોય જ છે. શ્રીકૃષ્ણ પરબ્રહ્મ પરમાત્મા છે અર્થાત્ સર્વ જીવોના અંશી છે. જીવો અંશ છે અને શ્રીકૃષ્ણ અશી છે. તદ્નુસાર સર્વ જીવોને શ્રીકૃષ્ણ પ્રત્યે સ્વરૂપત: જ આકર્ષણ રહે છે.

શ્રીકૃષ્ણમાં એવું શું છે, જેથી તેઓ પરમ આકર્ષક છે? એવાં તત્ત્વો તો અનેક છે, પરંતુ પ્રધાન અને પ્રથમ તત્ત્વ છે, તે શ્યામરંગી શરીરમાં અવતરેલી મહાચેતના. આ મહાચેતના જ ભગવાન શ્રીકૃષ્ણની આકર્ષકતાનું પ્રધાન તત્ત્વ છે. આ કેન્દ્રસ્થ તત્ત્વમાં અનેક તત્ત્વો પ્રગટ થાય છે જે શ્રીકૃષ્ણના વ્યક્તિત્વને વધુ ને વધુ આકર્ષકતા બક્ષે છે.

ભગવાન શ્રીકૃષ્ણની દેહયષ્ટિ, તેમના ચરણકમલ, તેમનું પિતાંબર, તેમનો શ્યામસુંદર વર્ણ, તેમની પ્રલંબ ભુજાઓ, તેમનું ઉન્નત વક્ષ:સ્થલ, કંઠમાં ધારણ કરેલી વનમાલા અને વૈજયંતીમાળા, તેમનાં નેત્રકમલ, ઉન્નત નાસિકા, શ્યામરંગી સ્નિગ્ધ અને વાંકડિયા કેશ, મસ્તક પર મોરમુગુટ, હાથમાં બંસી – આવું છે શ્રી કૃષ્ણનું આકર્ષક શરીર! તેમની વાક્છટા, તેમનું પ્રેમાળ મધુર હાસ્ય, તેમની સુમધુર દૃષ્ટિ, તેમની સિંહ જેવી ધીરગંભીર અને ચપળ ચાલ, તેમના શરીરની પ્રત્યેક અંગભંગી, તેમના મુખ પરના અલૌકિક ભાવ!

આવું છે ભગવાન શ્રી કૃષ્ણનું પરમ આકર્ષક વ્યક્તિત્વ!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત