મન એક રોગ છે, જો મન ન હોય તો ઘણી બધી બીમારીઓનો ઉદ્ભવ જ ન થાય
માનસ મંથન -મોરારિબાપુ
એક પ્રશ્ર્ન છે, ‘બાપુ, કથામાં કાલે આપે કહ્યું કે જમુનાજી મન, ઈચ્છાઓ, સત્ત્વ, પ્રાણ અને પુણ્યની ગાંઠને મિટાવી દે છે. એનો વિસ્તાર કરો. જમુનાજલમાં વહી જઈએ તો પ્રાણ જાય જ અને આપ જો કોઈ બીજા સંદર્ભમાં પ્રાણની વાત કરો છો તો પ્રાણ ગયો, ભજન-હરિનામ કેવી રીતે થશે ? તો પ્રાણગાંઠનો મતલબ શું છે ? આપણે તો એવું જ સાંભળીએ છીએ કે ધર્મકાર્યનું આ પુણ્ય છે, આ પુણ્ય છે. જો જમુના પણ પુણ્ય હરિ લેતી હોય તો પુણ્ય કરવાની શું જરૂર ?’
मनश्चादी प्राण आदिश्च इच्छाआदिश्च
सत्व आदिश्च पुण्यआदिश्च इत्येषा पंचवर्गणां |
પાંચ કેન્સરની ગાંઠો છે અથવા તો રોગ છે. ગોસ્વામીજીએ ઉત્તરકાંડ’માં ગરુડની જિજ્ઞાસા પર મનોરોગનું વિશ્ર્લેષણ કર્યું છે. અહીં થોડું જુદા રૂપમાં પરંતુ એનો સાર તો એ જ છે કે આપણા જીવનના પાંચ રોગ છે, આપણી પાંચ ગ્રંથિઓ છે. એનું નિકંદન કરનારી આ યમુનાજી છે. એનો પ્રવાહ એ ગ્રંથિઓથી આપણને મુક્ત કરી દે છે. પહેલી ગાંઠનું નામ છે મન. તો મન સ્વયં રોગ છે. મન ન હોય તો ઘણી બધી બીમારીઓનો ઉદ્દ્ભવ જ ન થઈ શકે. મન એક ગાંઠ છે. અને સંતોએ મન પર કામ કર્યું છે. તુલસીદાસજીએ રામચરિતમાનસ’માં પણ એ જ કહ્યું, ‘मोरे मन प्रबोध जेहिं होई મારા મનનો રોગ જાય. ‘राम भजि सुनु सठ मना |’ હે મન ! તું રોગ બનીને મારા જીવનમાં બેઠો છે. એ વાત પણ સાચી કે મન ન હોય તો કોઈ કામ નહીં થાય; સુખ-દુ:ખનો અનુભવ નહીં થાય. પરંતુ ઉપનિષદ ઘણી ઊંચાઈની વાત કરે છે એટલા માટે આપણે પણ એટલી ઊંચાઈ પર જઈને સમજવું પડશે, કેમ કે બહુ જ હાઈટની વાત છે. આપણે જ્યાં જીવી રહ્યાં છીએ ત્યાં તો મન જરૂરી છે. સુખ-દુ:ખ હોય; મન લગાવીને કામ કરવું, મન લગાવીને સૌની સેવા કરવી. બધી જગ્યાએ મન જરૂરી છે. પરંતુ ધીરેધીરે ઉપર ગયા બાદ માણસને ખબર પડી જાય છે, સાધકને સમજાઈ જાય છે કે મન પણ એક ગાંઠ છે, એક રોગ છે.
તો એક ગાંઠ છે આ મન. બીજી ગાંઠ, प्राण आदिश्च’ પ્રાણ ગાંઠ છે. હવે પ્રાણ પર તો જીવન છે. પ્રાણ ગાંઠનો મતલબ પ્રાણ નીકળી જવો એમ નહીં, પરંતુ જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી જિજીવિષા છે કે હજી વધારે જીવવું છે, હજી વધારે જીવવું છે, હજી વધારે જીવવું છે. એ જિજીવિષાની ગાંઠ છે. તો પ્રાણ ગાંઠ નથી, જિજીવિષા ગાંઠ છે. માણસની જિજીવિષા હોય છે કે હજી જીવવું છે, એ નીકળી જવું જોઈએ. રામકથારૂપી યમુનાના પાનથી અયોધ્યાવાસીઓની જિજીવિષા ગઈ, એમની પ્રાણની ગાંઠ ગઈ. તો પ્રાણ ગાંઠ છે એનો મતલબ જિજીવિષા ગાંઠ છે. પ્રાણબળ તો માણસમાં હોવું જોઈએ, અવશ્ય. પ્રાણબલ છે તો આપણે બોલી શકીએ છીએ. પ્રાણબલ છે તો તમે સાંભળી શકો છો. પ્રાણબલ તો સાધના માટે, જીવન માટે બહુ જ આવશ્યક છે. બહુ જીવવું છે એમ નહીં જેટલું જીવવું છે એમાં બહુ જ મોજ કરવી છે, હરિ ભજવા છે, પ્રેમથી જીવવું છે. રોતાં રોતાં શા માટે જીવવું ? તો જિજીવિષા રોગ છે, પ્રાણ રોગ નથી. એટલા માટે શાસ્ત્ર ગુરુમુખે સમજવું પડે છે. આપણે માત્ર ભાષાંતર વાંચી લઈશું તો તો આપણી શંકા વધુ દ્રઢ થશે કે પ્રાણની ગાંઠ યમુનાજી લઈ લેશે ! અને તો પછી યમુનોત્રીમાં કોઈ આવશે જ નહીં ! અહીં વારંવાર આવો. આવવું જરૂરી છે. કેમ કે યમુના જિજીવિષા ખેંચી લેશે.
ત્રીજી ગાંઠ છે ઈચ્છા. ઉપનિષદકારોએ ઈચ્છાને ત્રીજી ગાંઠ કહી છે. અને યમુના ઈચ્છા છીનવી નથી લેતી, બધી ઈચ્છા પૂરી કરી દે છે કે પછી ઈચ્છા બચે જ નહીં. કાલિ સમક્ષ જઈને મા, મા’ કહીને ચોધાર આંસુએ રડતાં રડતાં ઠાકુર રામકૃષ્ણદેવ કહે છે કે મા, મારી એક જ કામના છે અને તે એ કે મારી કામના ન રહે. અને ફરી જગદ્ગુરુ શંકરને યાદ કરું-
न मोक्षस्याकांक्षा भवविभववाञ्छपि च न मे
न विज्ञानापेक्षा शशिमुखि सुखेच्छापि न पुनः |
જ્યારે આદિ ગુરુ શંકર ‘‘देव्यपराधक्षमापनस्तोत्र’ ગાય છે ત્યારે કહે છે, મારે મુક્તિ નથી જોઈતી; મને કોઈ ઈચ્છા નથી. અને ત્રણ પ્રકારની ઈચ્છાને આપણે ત્યાં તૃષ્ણા કહી છે. તુલસીદાસજી એની ચર્ચા કરતાં માનસ’માં લખે છે-
सुत बित लोक इर्षना तीनी |
केहि कै मति इन्ह कृत न मलीनी ||
પુત્રેષણા, વિત્તેષણા અને લોકેષણા એ ત્રણ પ્રકારની ઈચ્છાઓને રોગ ગણાવવામાં આવી છે. એનો મતલબ કોઈ પુત્રની કામના કરે તો એ કંઈ ખરાબ નથી. દશરથે પણ એવી કામના કરી હતી. દેવતાઓ પાસે પુત્રની ઈચ્છા જરૂર કરી શકાય પરંતુ એ ઈચ્છા પૂરી ન થાય તો ફરિયાદ પણ ન થવી જોઈએ. એવું થાય તો સમજવું કે ભગવતીની કૃપાથી એષણા દૂર થઈ ગઈ છે. બાકી સંસારી ઈચ્છશે કે અમને પુત્ર પ્રાપ્ત થાય. વિત્ત, પૈસા પણ આપણા માટે જરૂરી છે. મોટામોટા ત્યાગની વાતો ખોખલી સિદ્ધ થાય છે. જરૂરી છે પૈસા. આવાં સત્કર્મ કરવાં હોય તો પૈસા જરૂરી છે.
ઉપનિષદનું ચોથું સૂત્ર છે, સત્વ વગેરેથી મુક્તિ. આ વાત જરા કઠિન લાગશે ! સત્વ છૂટી જાય ! અને આપણે તો એવું ઈચ્છીએ છીએ એ તમોગુણ છૂટી જાય; થોડો
રજોગુણ છૂટી જાય. સત્વગુણ તો જળવાઈ રહે. તો બાપ ! મન એક મોટી ગ્રંથિ છે. મનને કારણે આપણે ઈર્ષ્યા કરીએ છીએ. આ મનને કારણે આપણે દ્વેષ કરીએ છીએ. આ મનને કારણે નિંદા કરીએ છીએ. આ મનને કારણે આપણે કોઈનું સારું જોઈ નથી શકતા. આ મનને કારણે આપણે કોઈની સરાહના સહન નથી કરી શકતા. હવે વધુ શું કહું ? આપણે બધાં આમાંથી પસાર થઈએ છીએ. મન એક મોટી ગાંઠ છે. કેન્સરની ગાંઠ સારી છે કે કમ સે કમ એને કાઢી શકાય છે.આ મન આપણને બહુ કર્મો કરાવે છે. એટલા માટે તુલસીએ લખ્યું છે કે- ‘कर्मकथा रबिनंदिनि बंदिनि’ યમુના એ કર્મકથા છે. પહેલી ગાંઠ છે મન. બીજી ગાંઠ છે ઇચ્છાઓ. ત્રીજી ગાંઠ છે પ્રાણ. ચોથી ગાંઠ છે સત્વ. અને ઉપનિષદ કહે છે કે અપન્ચ્મી ગાથ છે પુણ્ય. આ બધી ગાંઠો સમાપ્ત કરવી હોય તો એ ધારાનું નામ છે-યમુના. મને લાગે છે કે આપણી સાધના માટે, આપણી ભવિષ્યની જિંદગીની પ્રસન્નતા માટે યમુનાજી આપણને વરદાન આપી શકે છે.
(સંકલન : જયદેવ માંકડ)