કર્મ વિના જીવી નથી શકાતુંતો કર્મફળથી કેમ બચવું ?

માનસ મંથન -મોરારિબાપુ
ગોસ્વામીજીનું દૃઢ માનવું છે કે જીવ ક્યાંય પણ જાય પરંતુ કર્મ એનો પીછો કરે છે. કર્મ જીવનું જરાય તાડન ન કરી શકે એટલા માટે જીવનું કર્તવ્ય છે કે એ ઋષ્યમૂક પર ચાલ્યો જાય. ઋષ્યમૂક પર્વતનો અર્થ છે સત્સંગ. સત્સંગની ઊંચાઈ છે સાધુસંગ. ઋષ્યમૂક પર્વતનો અર્થ કરો તો ઋષિનું મુખ. ઋષિનું મુખ એટલે સદ્વચન. જ્યાં સદ્વાર્તા થતી હોય, સદ્દ્કથા થતી હોય, સદ્દ્ચર્ચા થતી હોય, સદ્દ્સંવાદ થતો હોય એવી મહેફિલમાં જવું એટલે કર્મથી બચવું. અને આ પ્રવૃત્તિઓ, આપણાં કર્મો, આપણી આધિ-વ્યાધિઓ અને ઉપાધિઓ; આપણે જીવ છીએ,અનેક પ્રકારની સમસ્યાઓ આપણી પાછળ દોડી રહી છે, પરંતુ જો આપણે સત્સંગમાં ચાલ્યા જઈએ છીએ તો ત્યાં કર્મરૂપી વાલિ નથી આવી શકતો. જ્યાં સુધી આપણે અહીં કથાના હોલમાં છીએ ત્યાં સુધી કર્મ નથી આવતું. કેમ કે આપણે ઋષ્યમૂકમાંથી નીકળીએ છીએ ત્યાં જ આપણી પ્રવૃત્તિઓનો વાલિ આપણને પકડી લે છે ! અને નિરંતર સત્સંગમાં બેસી રહેવાનું પણ આપણા માટે સંભવ નથી. કેમ કે આપણા બધાની પ્રવૃત્તિઓ છે. આપણે દેશ-કાળ આધીન છીએ. પરંતુ માણસ જેટલો સત્સંગમાં જીવે એટલો કર્મથી બચી શકે. અને સત્સંગનો મતલબ એવો નથી કે મોરારિબાપુ બોલે અને તમે સાંભળો. મરીઝસાહેબનો એક ગુજરાતી
શે’ર છે-
બે જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ,
દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી.
દિલવાળા માત્ર બે જણા મળી જાય તો પણ એક મહેફિલ છે. અને દિલ વગર લાખો મળે તો પણ એને સભા નથી કહેવાતી. લોકમાં કે વેદમાં સત્સંગ સિવાય બીજો ઉપાય, બીજો વિકલ્પ નથી. ઈશ્ર્વર પાસે કોઈ દિવસ માગો નહીં. અને માગ્યા વિના ન રહેવાય તો એટલું માગો કે, અમને કોઈ સંતનો સંગ આપો. જે અમારા તન-મનને શાંત કરે, અમારા મનને સ્વાન્ત: સુખથી ભરી દે એવા કોઈ સંતની અનુભૂતિ કરાવો. ‘રામચરિતમાનસ’માં ગોસ્વામીજી કહે છે- बिनु सतसंग बिबेक न होई | राम कृपा बिनु सुलभ न सोई || સાધુની વાણીથી, એની દ્રષ્ટિથી, એના મૌનથી,એના આચરણથી વિવેક જાગે. બાપ, આ કયારે થાય ? કામના છૂટી, લોભ છૂટ્યો. મારી ને તમારી કામનાઓ જેટલી ઓછી થાય તેટલી અંત:કરણની વિશુદ્ધિ થાય. અંત:કરણની શુદ્ધિ એ જ્ઞાનમાર્ગની શુદ્ધિ છે. રામકથાનો સત્સંગ પણ સિદ્ધી આપે. સિદ્ધી એટલે શુદ્ધિ. કથામાં તમે આવો એટલે થોડી શુદ્ધિ તો આવે જ પણ પાછા આપણે હતાં તેવાં થઈ જઈએ છીએ તે વાત જુદી છે. બાકી કથાઓ બંધ થઇ ગઈ હોત, સીધી વાત છે. જે ફિલ્મ ન ચાલે તે બંધ થઇ જાય. જે થીએટર ન ચાલે તે મગફળીનું ગોડાઉન થઈ જાય. કંઈક થાય છે બાપ. ન થતું હોત તો તમને સત્સંગ ગમત જ નહીં. કેટલો સમય ફેર પડે છે તે આપણી ગંભીરતા પર આધાર રાખે છે. ઔષધિને ખરલમાં જેટલી વધુ ઘૂંટો એટલી એ વધારે ગુણકારી બને છે. એટલે રામકથાનાં સૂત્રોને ઘેર જઈ જેટલાં વધુ ઘૂંટશો એટલાં ગુણવર્ધક બનશે.આપણા ગ્રંથો કહે છે કે તમે સંગથી બહુ સાવધાન રહેજો. યુવાન ભાઈ-બહેનોને હું ખાસ કહું છું,તમે ભજન ન કરો. કરો તો બહુ સારું છે. પરંતુ હું બહુ દબાવ નથી નાખતો કે તમે ચોવીસ કલાક ભજન કરો. તિલક કરો, માળા કરો, ભજન કરો, પૂજાપાઠ કરો, નહીં, તમે જાઓ, ફિલ્મ પણ જુઓ, એને હું તમને સાડાબારે છોડી દઈશ. એનો અર્થ ખોટો નહીં સમજતા. તમારામાં રુચિ હોય તો જુઓ. પરંતુ વ્યાસગાદી તમારી પાસે એટલી અપેક્ષા જરૂર કરશે, કે તમે એવો સંગ ન કરો, જે સંગ તમારું પતન કરે, ઉત્તરોત્તર તમારા ચિત્તને નષ્ટ કરી દે. એવો સંગ ન કરો. સ્કૂલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ માટે આ બહુ અગત્યનું છે. એવો સંગ ન કરો. આજની દુનિયા બગડી છે, એવાં દ્રશ્યોનો સંગ ન કરો, એવી કિતાબોનો, દોસ્તોનો સંગ ન કરો. એમનો પરિત્યાગ પણ ન કરો, વિવેકથી વર્તો. અપને આપકો બચાઓ.
પૈસા તો છે આપણી પાસે, પછી દુસંગ થઈ જશે, પછી માણસની શું દશા થાય છે ? કરવાની ક્ષમતા તો છે. પૈસા તો છે, એક પલીતો ચાંપવાની જરૂર છે, દુસંગ મળી ગયો, પછી પતન. સિનેમા જોવાની કોઈ મના નથી કરતું, પણ જે દ્રશ્ય તમને કલુષિત કરે, માનસિક સ્તર નીચું કરી દે, એ છોડો. એટલા માટે આ સત્સંગ છે. તમારી રુચિ પણ છે સત્સંગમાં, એને હું આદર આપું છું.
મારાં યુવાન ભાઈ-બહેનો, જીવ પાસે ઇચ્છા છે, પરંતુ સામર્થ્ય નથી. આપણે જીવ છીએ. આપણી પાસે ઈચ્છાઓ ઘણી છે પરંતુ સામર્થ્ય નથી કે
આપણે હર ઈચ્છા પૂરી કરી શકીએ ! પરમાત્મા પાસે સામર્થ્ય છે પરંતુ ઈચ્છા નથી. પરમાત્મા એને કહેવાય છે, જેનામાં ઈચ્છાનો નિતાંત અભાવ છે અને સામર્થ્ય ભરપૂર છે. અને આપણે એવા છીએ કે આપણી પાસે ઈચ્છાઓ ઘણી છે, સામર્થ્ય બિલકુલ નથી ! કથા ઈચ્છા અને સામર્થ્યને ભેગાં કરી દે છે. અને ત્યારે જીવનના રસમાં આપણે ડૂબી જઈએ છીએ. સુગ્રીવમાં ઈચ્છા ઘણી છે,સામર્થ્ય નથી. રામમાં સામર્થ્ય ઘણું છે પરંતુ જો રામને બ્રહ્મ સમજો તો રામમાં કોઈ ઈચ્છા નથી. અને અહીં ઋષ્યમૂક પર્વત પર જે મિલન થવાનું છે એમાં ઈચ્છાગ્રસ્ત જીવ અને સામર્થ્યમયી શિવનું મિલન છે. પરંતુ એમાં વચ્ચે મિલન કરાવનારા કોઈ હનુમાન જોઈએ. અને હનુમાનને હું કહું છું બુદ્ધપુરુષ. અને હનુમાનતત્ત્વને કહું છું સદ્દ્ગુરુ. ઘણાં લોકો કહે છે કે ગુરુની જરૂર નથી. જેમને જરૂર ન હોય એમને ઠીક છે. હું ત્રણ વસ્તુ તમને કહું. તમારી કોઈ પણ ઈચ્છા ન હોય તો તમારે ગુરુની કોઈ જરૂર નથી. તમારામાં વિષયની કોઈ કામના ન હોય તો તમારે ગુરુની જરૂર નથી. અને તમે પૂર્ણ નિર્ભીક હો તો તમારે ગુરુની જરૂર નથી. હું બહુ જવાબદારી સાથે કહી રહ્યો છું. સુગ્રીવને હનુમાનની જરૂર છે કેમ કે સુગ્રીવ નિર્ભીક નથી, સુગ્રીવ નિર્વિષયી નથી અને સુગ્રીવ ઈચ્છામુક્ત નથી. જો જીવ અભય હોય, નિર્વિષયી હોય, ઈચ્છાથી મુક્ત હોય તો ગુરુની જરૂર નથી.
મારાં ભાઈ-બહેનો, આપણે ભયભીત છીએ, વિષયી છીએ. આપણી નબળાઈઓની કોઈ સીમા નથી. એટલા માટે આપણે કોઈ બુદ્ધપુરુષની જરૂર છે. સુગ્રીવ પ્યારો લાગે છે. એનામાં નબળાઈઓ હોવા છતાં કાળા આકાશમાં થોડી વીજળી ચમકી રહી છે. એ બિચારો જુએ છે પરંતુ નિર્ણય નથી કરી શકતો તો વિચાર્યું, હવે હું મારા ગુરુની આંખો પર ભરોસો કરું. હે હનુમાનજી, આપ બ્રહ્મચારીનું રૂપ લઈને જાઓ અને એ કોણ છે એનો પરિચય કરો. હું ઈશ્ર્વરને નથી ઓળખી શકતો; મારા ગુરુ મને ઓળખ કરાવી દે. ગુરુતત્ત્વ બહુ જરૂરી છે.
- જયદેવ માંકડ