ધર્મતેજ

મુક્તાનંદ સ્વામી: મહત્તા અને મૂલ્યવત્તા

ભજનનો પ્રસાદ – ડૉ. બળવંત જાની

(ભાગ-૮)

(૨) ‘અવધૂતગીત’

ઈ.સ. ૧૮૨૮, વિ.સં. ૧૮૮૪ના ચૈત્ર માસની રામનવમી અને રવિવારે વડતાલધામમાં રચેલ અવધૂતગીત, ચોપાઈ, દોહા, સોરઠા, હરિગીત. છંદોબંધમાં રચેલ ‘અવધૂતગીત’ પણ ભાગવત ભક્તિ-વિભાવનાનો પરિચાયક ગ્રંથ છે. મૂળ તો ગુરુચોવીશીની જ વિષયસામગ્રી છે. શ્રીમદ્ ભાગવતના એકાદશ સ્કંધ, ૭ થી ૯ અધ્યાય શ્રીકૃષ્ણ-ઉદ્ધવ સંવાદરૂપે દત્તાત્રેય મુનિ-ઉપદેશ… ભક્તિચરિત્ર સંદર્ભે જે કથાનક છે એને અહીં પદ્યમાં ઢાળેલ છે. રસળતા અનુવાદને કારણે બધું સુસ્પષ્ટ થાય છે.

શ્રીકૃષ્ણે ઉદ્ધવને ગુરુભક્તિનો ઉપદેશ દત્તાત્રેયના ચરિત્રને અનુષંગે કહેલો એ અહીં મુક્તાનંદ સ્વામી સંપ્રદાયના અનુયાયીઓને પ્રબોધે છે. આ જ ઉપદેશાત્મક વિગતો શ્રીજી મહારાજે વચનામૃતમાં પણ અનેક સ્થાને વણી લીધેલ છે. ખરા ભક્તની ઓળખ એ છે કે પોતાના અવગુણ જાણે અને અન્યના ગુણો ગ્રહણ કરે. ચોપાઈ, દોહા, સોરઠા, બંધમાં વિષયને લયાન્વિત રીતે પ્રયોજવાના કૌશલ્યનો પરિચય આ ૩૩ પદ-ખંડમાં વિભાજિત ગ્રંથમાંથી મળી રહે છે.

(૩) ‘ઉદ્ધવગીતા’

ઈ.સ. ૧૮૨૪, વિ.સં. ૧૮૮૦ શ્રાવણ માસની કૃષ્ણપક્ષની અષ્ટમીને બુધવારે ગઢડાધામમાં ‘ઉદ્ધવગીતા’ની રચના પૂર્ણ કરેલી. શ્રીમદ્ ભાગવતના દશમસ્કંધમાં ઉદ્ધવ-ગોપીના સંવાદને અને ઉદ્ધવનાં નિરીક્ષણ-પ્રતીતિને અહીં મુક્તાનંદ સ્વામીએ પ્રેમભક્તિભાવની પરકોટિના દૃષ્ટાંતરૂપે નિરૂપેલ છે. ‘શિક્ષાપત્રી’માં પણ શ્રીહરિએ ‘માહાત્મ્યજ્ઞાનયુગ્ભૂરિ સ્નેહો ભક્તિશ્ર્ચ માધવે’ (૧૦૩) અર્થાત્ સ્નેહભાવથી ભગવાન-શ્રીકૃષ્ણ પરત્વે પ્રીતિ દાખવવી, એનું વિશેષ મહાત્મ્ય સમજવું; એ ભક્તિ છે. શ્રીહરિએ પણ ગોપીઓની પ્રેમભક્તિની પ્રશંસા કરેલી. એ માહાત્મ્યને દશમસ્કંધાનુક્રમે મુક્તાનંદજીએ ૧૦૮ કડવાં અને ૨૭ પદમાં આખ્યાનસ્વરૂપમાં આલેખેલ છે. કડવામાં ક્યાંક ધોળ, ક્યાંક ગરબી, રાગ મારુ, રામગરી, સામેટી, અને પરજ જેવા રાગ. રાગિણીથી આખ્યાનને ગેયતા અર્પી છે.

પ્રારંભનાં નવ કડવાંમાં મંગલાચરણ, પછી નંદ-યશોદા અને ગોપબંધુ તથા ગોપાંગનાઓને પોતાનો સંદેશો લઈને એ પાઠવવા ઉદ્ધવને ગોકુળ મોકલ્યા એ વિગતો તથા બ્રાહ્મમુહૂર્ત સુધી નંદ-યશોદા સાથે ચાલેલ સંવાદ નિરૂપીને સવારના પ્રથમ પ્રહરનું ગોકુળનું વર્ણન કર્યું છે.

દશમા કડવાંથી ગોપી-ઉદ્ધવ મિલન, ગોપીઓએ એક પછી એક ઉદ્ધવને પોતાના વિયોગની વ્યથા કહી નેનું નિરૂપણ ૫૦મા કડવાં સુધી છે. ૫૧-૫૨મા કડવામાં કૃષ્ણે પાઠવેલા સંદેશાનું કથન છે. પુન: ૮૩ કડવાં સુધી ગોપીઓ પોતાના વિયોગદુ:ખને કથે છે. ૮૪ થી ૧૦૦ સુધી રાધા અને પછી લલિતાએ પોતાની અને ગોપીઓની વિયોગવ્યથા વર્ણવી છે. પછીનાં આઠ કડવાંમાં ઉદ્ધવે કહેલ ગોપીઓનો મહિમા, નંદ-યશોદાની વિદાય અને શ્રીકૃષ્ણ સમક્ષ ગોપીઓનાં વખાણ પ્રસ્તુત કર્યાં છે. ગ્રંથના રચનાસંદર્ભની વિગતો કથીને આખ્યાનને પૂર્ણ કરેલ છે. પ્રેમભક્તિભાવને કથાનકમાં ઢાળીને આખ્યાન સ્વરૂપમાં ઢાળેલ આ રચનાની મધ્યકાલીન આખ્યાન પરંપરાના પ્રવાહમાં ઉચિત મુલવણી થઈ નથી.

(૪) ‘ધામવર્ણન ચાતુરી’

છ-છ કડીની એક, એવી ૧૮ ચાતુરી-ખંડમાં ગોલોકધામ, ભગવાનના અક્ષરધામનું આલેખન મુક્તાનંદજીએ વર્ણનાત્મક રીતે કર્યું છે. વચનામૃતમાં શ્રીહરિએ ગ.પ્ર. ૧૨, પં. ૧માં મુમુક્ષુઓની જિજ્ઞાસાને પોષક એવું વર્ણન બતાવ્યું છે.

મુક્તાનંદજી ચાતુરી ત્રીજીથી જ એનો આરંભ કરતાં કહે છે

‘ભવભયહારી શ્રીકૃષ્ણનું, ગોલોક ધામ અનૂપ
માયાથી પર અતિ દિવ્ય છે, સુખદાયક તેનું રૂપ
તિયાં દિવ્ય ગોપી-ગોપને, પ્રભુસંગ પ્રબળ સનેહ.’

મૂળ તો વૃંદાવન, રાસલીલા સ્થાનક, રાસરમણ, શતરંગ, સરિતાવહેણ, આ સુખદાયી અક્ષરધામમાં ઉદ્ધવ સ્વામીના મતને પુષ્ટ કરીને, જ્ઞાન-વૈરાગ્યની ભાવનાને પ્રગટાવનારા શ્રીકૃષ્ણનો નિવાસ છે.

‘સંક્ષેપે કરી વર્ણવ્યું, હરિધામ મહાસુખકંદ;
તેને સ્વામી કેરા શરણથી, સહુ પામે નર ત્રિયાવૃંદ. -૪

ધામવર્ણન ચાતુરી તેને, જે કોઈ શીખે ગાય;
તેના પાતક સર્વે નાશ પામે, અતિ કૃતારથ થાય. -૫

અષ્ટાદશ એ ચાતુરી સુણી, અર્થ ઉર ધરે જેહ;
કહે મુક્તાનંદ શ્રીકૃષ્ણની, ભક્ત થાશે તેહ. (૬-૧૮)

સ્વામિનારાયણ સંપ્રદાયની ભક્તિવિભાવનાના આ કાવ્યનો મહિમા એમાંના ધામવર્ણનના ધ્યાન-ગાનથી વિશેષ પ્રગટે છે. આવા સ્તોત્રગાનનો મહિમા મુક્તાનંદજીએ શ્રીમદ્ ભાગવત વર્ણનમાંથી, ‘વચનામૃત’ સંદર્ભે આલેખ્યો જણાયો હોઈને એમાંના ભાવને પ્રગટાવતા ગુજરાતી શબ્દચયન, લય, પ્રાસ-અનુપ્રાસ અર્થપૂર્ણ જણાતા હોઈ આ રચના મુક્તાનંદ સ્વામીની કવિપ્રતિભાની દ્યોતક છે. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button