વેપાર

ફેડરલનાં બમ્પર રેટ કટ સાથે સોનામાં સાપ્તાહિક ધોરણે ₹ ૧૦૪૯નો બમ્પર ઉછાળો

કોમોડિટી -રમેશ ગોહિલ

અમેરિકી ફેડરલ રિઝર્વે ગત ૧૭-૧૮ સપ્ટેમ્બરની બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટના બમ્પર રેટ કટની જાહેરાત કરવાની સાથે સાથે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં સોનાના વૈશ્ર્વિક ભાવમાં ઉછાળો આવ્યો હતો અને ભાવ ઔંસદીઠ ૨૬૦૦ ડૉલરની સપાટી કુદાવી ગયા હતા. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર વર્તમાન કૅલૅન્ડર વર્ષ ૨૦૨૪માં અત્યાર સુધીમાં સલામતી માટેની માગને ટેકે સોનાના ભાવમાં ૨૭ ટકા જેટલો ઉછાળો આવી ગયો છે, જે વર્ષ ૨૦૧૦ પછીનો અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો છે. વધુમાં આંતરરાષ્ટ્રીય સ્તરે મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધવાથી સોનામાં સલામતી માટેની માગનો ટેકો મળતાં તેજીને વધુ ઈંધણ મળ્યું હતું. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સપ્તાહ દરમિયાન સોનામાં તેજીનું વલણ જોવા મળ્યું હતું. જોકે, ગત સપ્તાહ દરમિયાન સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સાપ્તાહિક ધોરણે ૩૬ પૈસા જેટલો ઉછાળો આવ્યો હોવાથી સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં સ્થાનિકમાં સોનામાં ભાવવધારો ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૪૯ સુધી સીમિત રહ્યો હતો.

ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર સ્થાનિકમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરા રહીત ૧૦ ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત ૧૩મી સપ્ટેમ્બરના રૂ. ૭૩,૦૪૪ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૭૩,૬૯૪ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. ૭૩,૦૫૪ અને ઉપરમાં રૂ. ૭૪,૦૯૩ની રેન્જમાં અથડાઈને અંતે સપ્તાહની ઊંચી રૂ. ૭૪,૦૯૩ની સપાટીએ જ બંધ રહ્યા હતા. આમ સપ્તાહ દરમિયાન ભાવમાં ૧.૪૩ ટકાનો અથવા તો રૂ. ૧૦૪૯નો ઉછાળો નોંધાયો હતો. જોકે, વૈશ્ર્વિક બજારમાં ઉછાળા પશ્ર્ચાત્ નફારૂપી વેચવાલી નીકળતા ભાવમાં ઘટાડો જોવા મળે તેવા આશાવાદ સાથે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલી પાંખી રહી હતી. તેમ જ જ્વેલરી ઉત્પાદકોએ થોભો અને રાહ જૂઓની નીતિ અપનાવી હતી, જ્યારે રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આગામી પખવાડિયા પછી દેશમાં નવરાત્રી, દશેરા, ધનતેરસ અને દિવાળી જેવાં તહેવારો આવી રહ્યા છે અને તહેવારોને ટાંકણે જ સોનામાં આગઝરતી તેજી જોવા મળી હોવાથી અપેક્ષિત માગ પર માઠી અસર પડે તેવી ભીતિ અમુક જ્વેલરો સેવી રહ્યા છે. વધુમાં દિવાળી પશ્ર્ચાત્ લગ્નસરાની મોસમ દરમિયાન પણ જો ભાવ ઊંચી સપાટીએ રહેશે તો લગ્નસરાની માગ પણ નબળી અથવા તો ખપપૂરતી રહેવાની શક્યતા જ્વેલરો વ્યક્ત કરી રહ્યા છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર ગત સપ્તાહના અંતે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે ૧.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૬૨૧.૯૬ ડૉલર અને વાયદામાં ભાવ ૧.૨૪ ટકા વધીને ૨૬૪૭.૧૦ ડૉલરના મથાળે રહ્યા હતા. ગત સપ્તાહે ફેડરલના નીતિ ઘડવૈયાઓએ શેષ વર્ષ ૨૦૨૪માં વધુ ૫૦ બેસિસ પૉઈન્ટનો, વર્ષ ૨૦૨૫માં ૧૦૦ બેસિસ પૉઈન્ટનો અને વર્ષ ૨૦૨૬માં ૫૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકવામાં આવે તેવો અંદાજ મૂકી રહ્યા છે. આમ મોટી માત્રામાં રેટ કટને કારણે આગામી સમયગાળામાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં સોનાની તેજીને ટેકો મળતો રહેશે, એમ એલિગીઅન્સ ગોલ્ડનાં ચીફ ઓપરેટિંગ ઑફિસર એલેક્સ એબકેરિને જણાવતા ઉમેર્યું હતું કે રાજકીય-ભૌગોલિક તણાવ અને ડૉલર ઈન્ડેક્સની નરમાઈને ટેકે સોનામાં ઝડપી તેજીની શક્યતા નકારી ન શકાય.

જોકે, તાજેતરમાં જોવા મળેલી તેજી પશ્ર્ચાત્ નફારૂપી વેચવાલીનાં આંચકા સાથે તેજી થાક ખાય તેમ હોવાથી શક્યત: કરેક્શન જોવા મળે તેવી શક્યતા એક વિશ્ર્લેષકે વ્યક્ત કરી હતી, જ્યારે ટીડી સિક્યોરિટીઝનાં કૉમૉડિટી સ્ટ્રેટેજિસ્ટ ડેનિયલ ઘલીએ જણાવ્યું હતું કે ફેડરલ દ્વારા અપનાવાયેલી હળવી નાણાનીતિને પગલે સોનામાં લેવાલીને ટેકે તેજી જોવા મળી છે અને આ ખરીદી ક્યાં સુધી જળવાઈ રહેશે તેના પર નજર છે.

તેમ છતાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડોના આંતરપ્રવાહમાં સાધારણ વૃદ્ધિ જોવા મળી છે અને તેમાં પણ ખાસ કરીને એશિયન ખરીદદારોની હજુ લેવાલી જોવા મળી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે તાજેતરની અસાધારણ તેજીને પગલે સોનાના મુખ્ય વપરાશકાર દેશ ચીન અને ભારતમાં રિટેલ સ્તરની માગ ખરડાઈ ગઈ છે. ગત સપ્તાહે કોમર્ઝ બૅન્કે એક નોટ્સમાં જણાવ્યું હતું કે આ તેજી કાયમી નથી અને ઊંચા મથાળેથી કરેક્શન જોવા મળે તેવી શક્યતા નકારી ન શકાય. વધુમાં ફેડરલ રિઝર્વ આગામી ૬-૭ નવેમ્બર અને ૧૭-૧૮ ડિસેમ્બરની પ્રત્યેક નીતિવિષયક બેઠકના અંતે વ્યાજ દરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ધારણા મૂકી હતી, જ્યારે ફોરેક્સ ડૉટ કૉમના વિશ્ર્લેષક ફવાદરઝાકઝાદાએ જણાવ્યું હતું કે રશિયા, ગાઝા, યુક્રેન, ઈઝરાયલ, પેલેસ્ટાઈનમાં પ્રવર્તી રહેલા રાજકીય-ભૌગોલિક તણાવને કારણે સોનામાં સલામતી માટેની માગ જળવાઈ રહેશે.

એકંદરે ફેડરલ રિઝર્વે વર્ષ ૨૦૨૦ પછી પહેલી વખત વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો ઘટાડો કર્યો હોવાથી વૈશ્ર્વિક સોનું નવી ઊંચી સપાટીએ પહોંચ્યું છે. બેઠકનાં અંતે ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે બેરોજગારીનાં દરની ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ ગત સપ્તાહે જાહેર થયેલા બેરોજગારીનાં ડેટા પણ બજારની અપેક્ષા કરતાં પ્રોત્સાહક આવતા સોનાની તેજીને પ્રેરકબળ મળ્યું હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે હવે બજારની નજર અન્ય કેન્દ્રવર્તી બૅન્કોનાં વ્યાજદરમાં ઘટાડા પર, અમેરિકી અર્થતંત્રનાં અહેવાલો અને મધ્યપૂર્વનાં દેશોનાં તણાવ પર સ્થિર થઈ છે. જોકે, અમારા મતે આગામી સપ્તાહ દરમિયાન સોનાના વૈશ્ર્વિક ભાવ માટે ઔંસદીઠ ૨૫૨૦ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને ઔંસદીઠ ૨૭૦૦ ડૉલરની સપાટી પ્રતિકારક સપાટી પુરવાર થાય તેમ જણાય છે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ટેકાની સપાટી ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૨,૦૦૦ અને રૂ. ૭૫,૦૦૦ની સપાટી પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button