સ્ટાન્ડર્ડ સોનું ₹ ૬૨,૦૦૦ની ઉપર, ચાંદીની વધુ ચમક ઝાંખી પડી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બેઠકના મિનટ્સની જાહેરાત અગાઉ જીઓપોલિટિકલ અનિશ્ર્ચિતતાને કારણે હેજ ફંડો ફરી સેફ હેવન ઇન્વેસ્ટમેન્ટ તરફ વળ્યાં હોવાથી આંતરરાષ્ટ્રીય બજારના સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો હતો. દેશાવરોમાં પણ બંને કિંમતી ધાતુના ભાવમાં સુધારો હતો. જોકે, સ્થાનિક બજારમાં સોનાના ભાવના વધારા સામે ચાંદીમાં ઘટાડો ચાલુ રહ્યો હતો.
સાવચેતીના માનસ વચ્ચે બુલિયન બજારમાં ઝમક વિહોણું હવામાન રહ્યું હતું. અહીં ઝવેરી બજારમાં બંને કિમતી ધાતુમાં સામસામા રાહ જોવા મળ્યાં હતાં. સોનામાં સાધારણ સુધારો હતો અને સ્ટાન્ડર્ડ સોનાએ રૂ. ૬૨,૦૦૦ની સપાટી વટાવી હતી. જ્યારે ચાંદી નીચી ઔદ્યોગિક લેવાલી અને સટ્ટાકીય લેવાલીના અભાવે વધુ નીચી સપાટીએ ગબડી હતી.
વિશ્ર્વબજાર પાછળ સ્થાનિક ઝવેરી બજારમાં પણ કામકાજની શરૂઆત સહેજ સુધારા સાથે થઇ હતી અને બંને કિંમતી ધાતુના ભાવ ઊંચા મથાળે ખૂલ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં કોમેક્સ ખાતે ગોલ્ડમાં પાછલા બંધ સામે ઔંશ દીઠ નવ ડોલરના ઉછાળે ૨૦૨૭ ડોલર અને સિલ્વરમાં પાછલા ૨૩.૦૧ ડોલરના ભાવ સામે સુધારા સાથે ૨૩.૦૬ ડોલર પ્રતિ ઔંશનો ભાવ બોલાયો હતો.
સ્થાનિક ઝવેરી બજાર ખાતે આઇબીજેએના ડેટા અનુસાર ૯૯૯ ટચના શુદ્ધ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૨,૧૩૬ના પાછલા બંધ સામે રૂ. ૬૨,૨૨૬ની સપાટીએ ખૂલીને અંતે રૂ. ૧૨૨ના સુધારા સાથે રૂ. ૬૨,૨૫૮ની સપાટીએ સ્થિર થયું હતું.
જ્યારે ૯૯૫ ટચના સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૬૧,૮૯૦ પ્રતિ દસ ગ્રામના પાછલા બંધ સામે રૂ. ૬૧,૯૭૭ની ઊંચી સપાટીએ ખૂલ્યા બાદ અંતે રૂ. ૧૧૯નો સુધારો નોંધાવતા રૂ. ૬૨,૦૦૦ની સપાટી વટાવીને રૂ. ૬૨,૦૦૯ની સપાટીએ સ્થિર થયા હતા.
એ જ રીતે, .૯૯૯ ટચની હાજર ચાંદી એક કિલો દીઠ રૂ. ૭૦,૮૯૮ના પાછલા બંધ સામે સહેજ સુધારા સાથે રૂ. ૭૦,૯૫૦ની ઊંચી સપાટીએ ખૂલ્યા બાદ રૂ. ૧૯૦ના ઘટાડા સાથે રૂ. ૭૦,૭૦૮ પ્રતિ કિલોના ભાવે સ્થિર થઇ હતી. વિશ્ર્લેષકો માને છે કે ડોલર ઇન્ડેક્સની વોલેટાલિટી ચાલશે ત્યાં સુધી સોનાચાંદીના ભાવમાં પણ અસ્થિરતા જોવા મળશે.