નવી સરકારના સત્તારૂઢ થવાથી બજારની સુનામી અંકુશમાં આવશે
નિફ્ટી માટે મહત્ત્વનું રેઝિસ્ટન્સ લેવલ ૨૩,૭૦૦ અને સપોર્ટ લેવલ ૨૨,૫૦૦, ઘટાડે લેવાલી હિતાવહ
ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા
વૈશ્ર્વિક પરિબળોને કોરાણે મૂકીને શેરબજારે સમીક્ષા હેટળના પાછલા સપ્તાહમાં સ્થાનિક પરિબળોને આધારે સુનામી ઉછાળા અને પછડાટનો અનુભવ કરાવ્યો હતો, જેમાં એક્ઝિટ પોલના જૂઠાણાં અને અંતિમ પરિણામના સત્ય વચ્ચે આખલો મૂંઝાઇ ગયો હતો. જોકે. અંતે રિઝર્વ બેન્કે જીડીપીના ગ્રોથ પ્રોજેકશનમાં જાહેર કરેલી વૃદ્ધિ સાથે એનડીએની સરકાર સતત ત્રીજી વખત સત્તારૂઢ થઇ રહી હોવાના સંકેત મળતાં સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ઓલટાઇમ ઊંચી સપાટી હાંસલ કરવામાં સફળતા મેળવી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં માટે બે ટકાનો વધારો નોંધાવનાર ૨૦૨૪નું આ અત્યાર સુધીનું સૌથી મજબૂત સપ્તાહ હતું, જેમાં સેન્સેક્સ ૭૬,૬૯૩.૩૬ પોઇન્ટની અને નિફ્ટી ૨૩,૨૯૦.૧૫ પોઇન્ટના નવા વિક્રમી શિખરે સ્થિર થયો હતો.
બજારોનું ધ્યાન હવે મંત્રાલયની ફાળવણી, ચોમાસાની પ્રગતિ, નાણાકીય વર્ષ ૨૦૨૫ના કોર્પોરેટ પરિણામ, જીડીપી વૃદ્ધિ, જીએસટી વસૂલી અને એફઆઇઆઇના રોકાણ પ્રવાહ પર કેન્દ્રિત કરશે. નવી સરકારે ચાર્જ સંભાળ્યા પછી પાછલા અઠવાડિયે બજારોમાં જે તોફાની સુનામી જોવા મળી હતી, તેના પર અંકુશ આવશે અને ઊથલપાથલ મર્યાદિત બનશે એવી અપેક્ષા વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યાં છે. બજાર ૨,૦૦૦થી વધુ પોઈન્ટની રેન્જમાં ફંગોળાતું રહ્યું હતું, જે મે ૨૦૨૦ પછીની સૌથી પહોળી વીકલી રેન્જ હતી. એક્ઝિટ પોલમાં બીજેપી માટે જે નિર્ણાયક જીતની આગાહી કરવામાં આવી હતી તે અપેક્ષા પૂર્ણ ન થવાથી ભયાનક અફડાતફડી મચી હતી અને સપ્તાહના અંત સુધીમાં બજાર તેના પહેલાના સ્તરે પાછું ફરી ગયું હતું. રાજકીય સ્થિરતા સાથે નીતિ સાતત્યની અપેક્ષાએ બજારની શરૂઆત તેજી સાથે થવી જોઇએ.
આ ઉપરાંત અઠવાડિયે જાહેર થનારા ફુગાવાના આંકડા અને ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (આઇઆઇપી) પણ બજારને અસર કરશે. મે મહિનાના ફુગાવાના આંકડા ૧૨ જૂને જાહેર થવાની ધારણા છે. અર્થશાસ્ત્રીઓ અપેક્ષા રાખે છે કે તે એપ્રિલના ૪.૮૩ ટકાથી વધુ ઘટીને ૪.૮ ટકા થશે, જે માર્ચમાં ૪.૮૫ કરતાં થોડો ઓછો હતો. એપ્રિલમાં ઘટાડા મોટે ભાગે બળતણ અને ઊર્જાના ભાવમાં ઘટાડો (માર્ચમાં -૪.૨૪ ટકા વિરુદ્ધ -૩.૨૪ ટકા); ખાદ્ય ફુગાવો સતત ઉપરના માર્ગે રહ્યો (માર્ચમાં ૭.૮૭ ટકા વિરુદ્ધ ૭.૬૮ ટકા). ૧૪ જૂને, જથ્થાબંધ ભાવ સૂચકાંક (ડબલ્યુપીઆઇ) ડેટા પણ જાહેર થશે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે એપ્રિલમાં ૧.૨૬ ટકાથી વધીને મે મહિનામાં ૪ ટકા થઈ જશે; આ મોટે ભાગે ફ્યુઅલ ઇન્ફ્લેશનના કારણે હોઈ શકે છે, જે એપ્રિલમાં ૧.૩૮ ટકાથી મે મહિનામાં વધીને ૭ ટકા થવાની ધારણા છે.
એ જ દિવસે ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (આઇઆઇપી) ડેટા પણ જાહેર થશે, જે એપ્રિલમાં ૪.૯ ટકાથી મે મહિનામાં ૩.૯ ટકા સુધી ધીમું થવાની ધારણા છે, જ્યારે અપેક્ષિત ૫.૧ ટકાથી નીચે હતી. મેન્યુફેક્ચરિંગ, જે ઇન્ડેક્સના ૭૮ ટકાનો સમાવેશ કરે છે, મે મહિનામાં ૪.૯ ટકાની ધીમી વૃદ્ધિ જોવાની ધારણા છે, જે એપ્રિલમાં ૫.૨ ટકા હતી. ૧૩ જૂનના રોજ, ગ્રાહકોના સેન્ટિમેન્ટને ટ્રેક કરવા માટે બજાર મે પેસેન્જર-વ્હિકલ સેલ્સ ડેટા પર પણ નજર રાખશે.
ફેડરલ ઓપન માર્કેટ કમિટી (એફઓએમસી) ૧૧ અને ૧૨ જૂનની વચ્ચે મળશે અને યુએસ ફેડ ૧૩ જૂને તેના નીતિ વલણની જાહેરાત કરશે. બજાર મોટાભાગે સેન્ટ્રલ બેન્ક તેના દર ૫.૨૫-૫.૫૦ ટકા પર રાખવાની અપેક્ષા સેવે છે. જોકે, પ્રથમ દરમાં ઘટાડો સપ્ટેમ્બર કે ડિસેમ્બર ૨૦૨૪માં થશે કે કેમ તે અંગે અભિપ્રાય વિભાજિત છે.
વિદેશી ફંડોનું વલણ પણ ખૂબ અગત્યનું છે. ગયા અઠવાડિયે, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) નેટ સેલર જ બની રહ્યા હતા, જેમણે રૂ. ૧૬,૯૭૧ કરોડથી વધુ ઇક્વિટીનું વેચાણ કર્યું હતું. પરંતુ તેઓ ડેટ માર્કેટમાં નેટ બાયર્સ રહ્યાં હતા અને રૂ. ૪,૬૬૯ કરોડની લેવાલી નોંધાવી હતી. ડીઆઇઆઇ (સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો) કેશ સેગમેન્ટમાં ચોખ્ખા ખરીદદાર રહ્યાં હતા, જેમણે રૂ. ૫,૫૭૮ કરોડથી વધુની ઇક્વિટી ખરીદી હતી. આ સપ્તાહમાં, મતદાનનો ચુકાદો અનુમાનોની વિરુદ્ધ જતાં અને ખાસ કરીને મૂડી ખર્ચ સંદર્ભની નીતિમાં ફેરફારની મર્યાદિત તક જોતાં વિદેશી રોકાણકારો નેટ સેલર્સ બની રહે એવી સંભાવના છે.
ટોચના ટેક્નિકલ એનાલિસ્ટે કહ્યું હતું કે, નિફ્ટી માટે ૨,૦૦૦ પોઈન્ટથી વધુની રેન્જમાં ફંગોળાતા બેન્ચમાર્કની આટલી મોટી રેન્જ સાથેનું અસાધારણ સપ્તાહ રહ્યું છે. ઉપરાંત, દરેક ટ્રેડિંગ સેશન સાથે, ઇન્ડેક્સ કાં તો ગેપ અપ અથવા ગેપ ડાઉન ખુલ્યો. આમ થવા છતાં, ઇન્ડેક્સ ત્રણ ટકા વધ્યો હતો.
નિષ્ણાતો માને છે કે ટ્રેડર્સે ઓવર-લીવરેજ્ડ પોઝિશન ટાળવી જોઈએ. સાપ્તાહિક ચાર્ટ (ગત સપ્તાહથી) હેંગિંગ મેન જેવી કેન્ડલસ્ટિક પેટર્ન દર્શાવે છે. ૧૪-પીરિયડ આરએસઆઇ (રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ) પર દૈનિક સમયમર્યાદામાં પણ નકારાત્મક વિચલન જોવા મળ્યું હતું. નકારાત્મક વિચલન ત્યારે થાય છે જ્યારે કિંમત હાયર હાઇ લેવલને સ્પર્શે છે, જ્યારે આરએસઆઇ નીચી ઊંચી સપાટી બનાવે છે.
આ સ્પષ્ટપણે સૂચવે છે કે ટ્રેડર્સેે ઓવર-લીવરેજ્ડ પોઝિશન્સ બનાવવાનું અને ભાવનો પીછો કરવાનું ટાળવું જોઈએ. ઓપ્શન્સ ડેટા સૂચવે છે કે નિફ્ટી ૫૦ માટે મહત્ત્વનું રેઝિસ્ટન્સ લેવલ ૨૩,૭૦૦ અને સપોર્ટ લેવલ ૨૨,૫૦૦ રહેશે અને તાત્કાલિક રેન્જ આ બંનેની વચ્ચે હશે. એકંદરે નિષ્ણાતોે ઘટાડે લેવાલીની સલાહ આપી રહ્યાં છે.