રોકાણ માટે ભારત આકર્ષક મથક રહેતાં વર્ષ ૨૦૨૪માં સીધા વિદેશી રોકાણનો આંતરપ્રવાહ વધવાનો આશાવાદ
નવી દિલ્હી: વૈશ્ર્વિક વિપરીત પરિબળો હોવા છતાં દેશની આર્થિક મજબૂતી, ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારાની સાથે આકર્ષક પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ જેવાં કારણોસર સીધા વિદેશી રોકાણ માટે ભારત આગામી વર્ષ ૨૦૨૪ માટે પણ આકર્ષક સ્થાનક તરીકે જળવાયેલું રહેશે.
ભારત રોકાણકારો માટે આકર્ષણનું સ્થળ બની રહે તેની બાંયધરી માટે સરકાર સતત સીધા વિદેશી રોકાણની નીતિની સમીક્ષા કરતી રહે છે અને સમય સમય પર બજારનાં હિસ્સેધારકો સાથે સલાહમસલત કરીને તેમાં ફેરફારો પણ કરતી રહે છે, એમ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી ઍન્ડ ઈન્ટરનલ ટ્રેડ (ડીપીઆઈઆઈટી)ના સચિવ રાજેશ કુમાર સિંઘે જણાવ્યું હતું.
વર્તમાન કૅલૅન્ડર વર્ષમાં ગત જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં દેશમાં સીધા વિદેશી રોકાણનો આંતરપ્રવાહ ગત સાલના સમાનગાળાના ૬૨.૬૬ અબજ ડૉલર સામે ૨૨ ટકા ઘટીને ૪૮.૯૮ અબજ ડૉલરની સપાટીએ રહ્યો હતો. જોકે, એકંદરે વર્ષ ૨૦૧૪થી ૨૦૨૩ દરમિયાન સીધા વિદેશી રોકાણનો પ્રવાહ વર્ષ ૨૦૦૫થી ૨૦૧૪ દરમિયાનના આંતરપ્રવાહ કરતાં બમણો થઈને ૫૯૬ અબજ ડૉલરની સપાટીએ રહ્યો છે. આમ એકંદરે વલણ સકારાત્મક છે અને વિદેશી ખેલાડીઓ માટે ભારત હજુ આકર્ષણનું કેન્દ્ર હોવાનું સિંઘે પીટીઆઈને જણાવ્યું હતું.
તેમના મતાનુસાર ફાર્મા, ફૂડ પ્રોસેસિંગ અને મેડિકલ એપ્લાયન્સીસ જેવાં ક્ષેત્ર માટેની પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ સ્કીમે ફળ આપવાના શરૂ કર્યા છે તેમાં વિદેશી રોકાણકારોનું આકર્ષણ જોવા મળી રહ્યું છે. તેમ જ આ ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણમાં ઉછાળો પણ જોવા મળ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
વધુમાં તેમણે કહ્યું હતું કે સીધા વિદેશી રોકાણના આંતરપ્રવાહમાં ઘટાડાના મુખ્ય કારણોમાં રશિયા-યુક્રેઈન વચ્ચેના વિવાદને કારણે વૈશ્ર્વિક મંદી અને વિશ્ર્વમાં ઘણાં દેશોએ લીધેલા સંરક્ષણાત્મક પગલાંનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભારતમાં સીધા વિદેશી રોકાણના મુખ્ય સ્રોત ગણાતા દેશ સિંગાપોર, યુએસએ અને યુકેના જીડીપી વૃદ્ધિદરમાં ઘટાડાને પણ એક કારણ ગણી શકાય. જોકે, તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ભારત સીધા વિદેશી રોકાણની મર્યાદા વધારીને, નિયમનકારી અવરોધો દૂર કરીને, માળખાકીય વિકાસ કરીને અને વ્યવસાયીક વાતાવરણમાં પણ સુધારો કરીને વૈશ્ર્વિક રોકાણકારો માટે તેની અર્થવ્યવસ્થાના દ્વારો ખુલ્લા કરવાનું જાળવી રાખે છે. આ ઉપરાંત નિષ્ણાતો પણ એવુ માની રહ્યા છે કે વૈશ્ર્વિક પડકારો છતાં ભારત રોકાણ માટેનું મુખ્ય આકર્ષક કેન્દ્ર રહ્યું છે. ખાસ કરીને ઈઝ ઑફ ડુઈંગ બિઝનૅસને પ્રોત્સાહિત કરવા માટે લેવાયેલા પગલાં, કુશાગ્ર માનવસ્રોત અને કુદરતી સ્રોતોની ઉપલબ્ધિ, સીધા વિદેશી રોકાણની ઉદાર નીતિ, બહોળી સ્થાનિક બજાર અને પીએલઆઈ સ્કીમ જેવાં કારણોસર વર્ષ ૨૦૨૪માં વિદેશી રોકાણનો આંતરપ્રવાહ આકર્ષિત થવાનો આશાવાદ સેવાઈ રહ્યો હોવાનું તેઓ ઉમેરે છે.
યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ ઍન્ડ ડેવલોપમેન્ટ્સનાં વર્લ્ડ ઈન્વેસ્ટમેન્ટ રિપોર્ટસ ૨૦૨૩ અનુસાર વિકાસશીલ રાષ્ટ્રોનાં ગ્રીનફિલ્ડ ઈન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટ્સની સંખ્યામાં ૩૭ ટકાનો વધારો થયો છે, જે ઉદ્યોગ અને માળખાકીય ક્ષેત્રમાં રોકાણનાં આશાવાદ માટેનો સકારાત્મક સંકેત છે.