
હાલમાં સોના અને ચાંદીના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે હવે રોકાણકારોની નજર એક નવી ધાતુ પર અટકી ગઈ છે. આ મેટલ ભવિષ્યમાં ‘ડાર્ક હોર્સ’ સાબિત થઈ શકે છે અને તમને જાણીને નવાઈ લાગશે કે આ ધાતુ છે કોપર એટલે કે તાંબુ. વાત કરીએ 29મી જાન્યુઆરી 2026ના ભારતીય બજારમાં સોનું રૂ. 1.78 લાખ પ્રતિ 10 ગ્રામ અને ચાંદી રૂ. ચાર લાખ પ્રતિ કિલોના ઐતિહાસિક સ્તરે પહોંચ્યા બાદ, હવે નિષ્ણાતો કોપરને વ્યૂહાત્મક રોકાણ તરીકે જોઈ રહ્યા છે.
વાત કરીએ આધુનિક અર્થતંત્રમાં કોપરના મહત્વ અને તેમાં રોકાણની તકોની તો જ્યારે સોનું અને ચાંદી તેમના ઓલ-ટાઇમ હાઈ લેવલ પર હોય છે, ત્યારે ત્યાંથી વધુ વળતરની શક્યતા મર્યાદિત બની જાય છે. બીજી તરફ, ટેકનોલોજી અને ગ્રીન એનર્જીમાં વધતા વપરાશને કારણે કોપરની માંગમાં વિક્રમી ઉછાળો જોવા મળી રહ્યો છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ક્લાઉડ કમ્પ્યુટિંગના યુગમાં ડેટા સેન્ટર્સની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ સેન્ટર્સમાં વીજળીના ટ્રાન્સમિશન અને મેનેજમેન્ટ માટે મોટા પાયે કોપરની જરૂર પડે છે. આ માંગ માત્ર હંગામી નથી, પરંતુ લાંબા ગાળાની અને માળખાગત છે.
એઆઈ સિવાય દુનિયા હવે અશ્મિભૂત ઈંધણ છોડીને ગ્રીન એનર્જી તરફ વળી રહી છે. EV કાર તરફ વળી રહ્યા છે. તમારી જાણ માટે કે પેટ્રોલ કાર કરતાં ઇલેક્ટ્રિક કારમાં અનેકગણું વધારે કોપર વપરાય છે. સોલર પેનલ્સ અને વિન્ડ ટર્બાઇન્સમાં પણ તાંબાનો ઉપયોગ અનિવાર્ય છે. ગ્લોબલ ગ્રીન ટ્રાન્ઝિશનને કારણે કોપરની માંગમાં વીસ ટકા સુધીનો વધારો અંદાજવામાં આવી રહ્યો છે.
ચિલી અને ઇન્ડોનેશિયા જેવા મોટા ઉત્પાદક દેશોમાં માઇનિંગ (ખનન) સંબંધિત અવરોધો અને કડક પર્યાવરણીય નિયમોને કારણે કોપરનો પુરવઠો ઘટી રહ્યો છે. જ્યારે માંગ વધતી હોય અને સપ્લાય મર્યાદિત હોય, ત્યારે કિંમતોમાં ઉછાળો આવવો નિશ્ચિત માનવામાં આવે છે.
જો તમે કોપરની તેજીનો ફાયદો ઉઠાવવા માંગતા હોવ, તો આ માટે ભારતમાં મુખ્ય બે રસ્તાઓ છે. પહેલું એટલે તમે કોપર માઇનિંગ અને મેટલ કંપનીઓના શેર ખરીદી શકો છો. હિન્દુસ્તાન કોપર લિમિટેડ, વેદાંતા લિમિટેડ અને હિંડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓ રોકાણકારોના રડાર પર છે. જ્યારે બીજું એટલે અનુભવી ટ્રેડર્સ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર કોપરના ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં ટ્રેડિંગ કરી શકે છે. જોકે, આમાં જોખમનું પ્રમાણ વધુ હોવાથી સાવચેતી રાખવી જરૂરી છે.
આ પણ વાંચો વિશ્વ બજાર પાછળ ચાંદી રૂ. 40,638ના કડાકા સાથે 3.40 લાખની અંદર, સોનું રૂ. 9545 તૂટ્યું



