વેપાર

એચડીએફસી બૅન્કના શૅરને ક્યો એરું આભડી ગયો? ત્રણ સત્રમાં શૅરના ભાવમાં ૧૨ ટકાનું ધોવાણ! શૅરબજારને શેની ચિંતા છે?

કરંટ ટોપિક -નિલેશ વાઘેલા

મુંબઇ: દેશની ખાનગી ક્ષેત્રની ટોચની બૅન્કમાં જેની ગણના થાય છે, એવી એચડીએફસી બૅન્કના શેરમાં તેના પરિણામની જાહેરાત બાદ સતત ધોવાણ થઇ રહ્યું છે. ા શેરમાં ત્રણ સત્રમાં ૧૨ ટકા જેવું તોતિંગ ધોવાણ નોંધાયું છે. સવાલ એ છે કે આમ થવા પાછળનું કારણ શું? આ રકાસની શરૂઆત તેના નાણાકીય પરિણામ પછી થઇ છે. જોકે, બૅન્કે ૩૪ ટકાનો સારો નફો બતાવ્યો હોવા છતાં ગુરૂવારે તેના શેરમાં આઠ ટકાનો જબરો કડાકો કેમ પડ્યો?

નિષ્ણાતો આ પડતી માટે અલગ અલગ કારણો આપી રહ્યાં છે જોકે સાથે મધ્યમથી લાંબાગાળા માટે એચડીએફસી બૅન્ક માટે પોઝિટીવ વ્યૂ પણ જાહેર કરી રહ્યાં છે. પરિણામ જાહેર થવા સાથે બુધવારે એચડીએફસી બેન્કનો શેર આઠ ટકાથી વધુ ઘટીને રૂ. ૧,૫૩૬.૯૦ પર બંધ થયો હતો. એનલિસ્ટ અનુસાર આ શેર માટે આ પછડાટ લગભગ ચાર વર્ષમાં સૌથી મોટી છે અને તે વધુ નીચી સપાટીએ જઇ રહ્યો છે.

આ પછી ગુરૂવારે ઇન્ટ્રા-ડેમાં શેર રૂ. ૧,૪૮૦ની નીચી સપાટીએ પહોંચ્યો હતો, જે તેના રૂ. ૧,૪૬૦.૫૫ની બાવન સપ્તાહની નીચી સપાટીની નજીક હતો અને કેટલાક પુલબેક છતાં પણ બીએસઇ પર રૂ. ૧,૪૯૧ પર ત્રણ ટકા નીચા અંત આવ્યો હતો. સપ્તાહના અંતે પણ વેચવાલી ચાલુ રહી અને તે વધુ એક ૧.૦૮ ટકા ગબડીને રૂ. ૧૪૭૦.૭૦ની સપાટીએ સ્થિર થયો. આમ ત્રણ સત્રમાં કુલ ૧૨ ટકાથી વધુનો કડાકો નોંધાયો છે. જોકે, શનિવારના સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં તે ૦.૫૪ ટકાના મામૂલી સુધારા સાથે રૂ. ૧૪૭૮.૬૫ની સપાટીએ સ્થિર થયો છે. દેશની સૌથી મોટા ખાનગી ક્ષેત્રના ધિરાણકર્તા બૅન્કે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં તેના ચોખ્ખા નફામાં ૩૪ ટકાનો મજબૂત વધારો નોંધાવ્યો હતો. તો પછી સવાલ એ થાય કે, રોકાણકારોની નિરાશા પાછળનું કારણ શું છે જેના કારણે માત્ર ત્રણ ટ્રેડિંગ સેશનમાં સ્ટોક ૧૨ ટકા ગબડ્યો છે?

વિશ્ર્લેષકો આને માટે ઘણાં કારણો આપી રહ્યાં છે, જેમ કે ડિસેમ્બર ક્વાર્ટરમાં બૅન્કની પ્રોવિઝન્સ અને કન્ટિજેન્સીસ રૂ ૪,૨૨૦ કરોડના સ્તરે પહોંચી છે, જે અગાઉના વર્ષના ક્વાર્ટરમાં રૂ. ૨,૮૧૦ કરોડની સરખામણીએ ઘણી વધારે હતી. બૅન્કના નીચા લિક્વિડિટી કવરેજ રેશિયો (એલસીઆર) અને નીચા માર્જિન સામે પણ વિશ્ર્લેષકોએ ભ્રુકુટી તાણી છે.

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં માર્જિનને નકારાત્મક અસર પહોંચાડનાર ઇન્ક્રીમેન્ટલ કેશ રિઝર્વ રેશિયો (આઇસીઆરઆર) ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા પાછો ખેંચી લેવાયા છતાં, એચડીએફસી બૅન્કનું ચોખ્ખું વ્યાજ માર્જિન ક્વાર્ટર-ઓન-ક્વાર્ટરમાં ૩.૪ ટકાના સૂસ્ત સ્તરે નોંધાયું હતું. આ ઉપરાંત ધિરાણ વૃદ્ધિ સામે થાપણ વૃદ્ધિની મંદ ગતિ પણ વિશ્ર્લેશકોેને ચિંતાનો વિષય જણાય છે. નોમુરા સિક્યોરિટીઝના વિશ્ર્લેષક પરમ સુબ્રમણ્યમ અને અંકિત બિહાનીએ જણાવ્યું હતું કે, એચડીએફસી બૅન્કમાં થાપણ વૃદ્ધિ (૨ ટકા ક્વાર્ટર-ઓન-ક્વાર્ટર) અને લોન વૃદ્ધિ (૫ાંચ ટકા ક્વાર્ટર-ઓન-ક્વાર્ટર)ની પરિસ્થિતિ, ક્રેડિટ-ડિપોઝિટ રેશિયો સંદર્ભે ચિંતા ઉપજાવે છે. આ રેશિયો હવે સેક્ટરના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે, જે અગાુના કવાર્ટરના ૧૦૭ ટકા સામે વધીને ૧૧૦ ટકા સુધી પહોંચ્યો છે. આગળ જતાં થાપણ વૃદ્ધિ નોંધપાત્ર અવરોધ ઉબો કરી શકે છે.

નોમુરાના એનલિસ્ટોએ અગાઉના નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૬માં બૅન્કની થાપણ વૃદ્ધિનો અંદાજ ૨૦ ટકાથી ઘટાડીને ૧૭ ટકા સીએજીઆર જાહેર કર્યો હતો, કારણ કે બૅન્કે રિટેલ ડિપોઝિટ એકત્રીકરણ માટે ચાવીરૂપ એવી, શાખા વિસ્તરણ યોજનાઓને ધીમી કરી છે. વિશ્ર્લેષકોએ એચડીએફસી બૅન્ક માટે લોન વૃદ્ધિનું અનુમાન પણ ૧૭ ટકાથી ઘટાડીને ૧૫ ટકા કર્યું છે અને નેટ ઈન્ટરેસ્ટ માર્જિન (એનઆઈએમ)નો અંદાજ ૧૫ બેસિસ પોઈન્ટ્સથી ઘટાડ્યો છે.

આગળ જતાં એનઆઇએમમાં કોઇપણ નોંધપાત્ર વૃદ્ધિ હાસલ કરવા, ફંડિંગ મિશ્રણમાં જથ્થાબંધ ઋણ ઘટાડવા માટે બૅન્કને લોન વૃદ્ધિને નોંધપાત્ર વેગ આપવો પડશે અને તે માટે થાપણ વૃદ્ધિની જરૂર છે જે વર્તમાન વલણ નથી અને એક પડકાર રહેશે, કારણ કે સિસ્ટમમાં પ્રવાહિતા તંગ છે અને ડિપોઝિટ મોબિલાઇઝેશન મુશ્કેલ બની રહ્યું છે.

૩૧ ડિસેમ્બર સુધીમાં બૅન્કની કુલ થાપણો રૂ. ૨૨.૧૪ લાખ કરોડ હતી, જે એક વર્ષ અગાઉની સરખામણીએ ૨૮ ટકાની જેટલી વધુ છે. આની સામે ગ્રોસ એડવાન્સિસ, તે દરમિયાન, વાર્ષિક ધોરણે ૬૨ ટકા વધીને રૂ. ૨૪.૬૯ લાખ કરોડના સ્તરે રહ્યું છે. વિશ્ર્લેષકે જણાવ્યું હતું કે, આગળ જતાં નીચા એલસીઆર, સી-ડી રેશિયોની અડચણ અને ધીમી ડિપોઝિટ વૃદ્ધિ એનઆઇએમ પર દબાણ લાવી શકે છે અને શેરબજારને તેની વિશેષ ચિંતા છે.

પ્રવાહિતાની તંગ સ્થિતિ બૅન્ક માટે ડિપોઝિટ એકત્ર કરવા માટે પડકાર ઉભી કરી રહી છે. ડિપોઝિટ માટેના આસ્ક રેટ વર્તમાન રન રેટ કરતાં વધી જાય છે, જે ક્રેડિટ વૃદ્ધિમાં ઘટાડો લાવી શકે છે. લિક્વિડિટી કવરેજમાં ઘટાડો અને વધતો એલડીઆર (લોન ટુ ડિપોઝિટ રેશિયો) આવકારદાયક પરિસ્થિતિ નથી. જો કે, વિશ્ર્લેષકો બેન્કની મધ્યમથી લાંબા ગાળાની સંભાવનાઓ અંગે આશાવાદી
રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button