શૅરબજારમાં નબળાઇ વચ્ચે એનબીએફસી શૅરોમાં કરંટ કેમ આવ્યો?
નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં નિસ્તેજ અને ઘટાડાનો માહોલ હોવા છતાં પસંદગીના નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓના શેરમાં કરંટ જોવા મળ્યો છે. વાસ્તવમાં આઇઆઇએફએલ ફાયનાન્સ સામે રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ હાથ ધરેલી કાર્યવાહી બાદ આઇઆઇએફએલના શેરમાં એકતરફ ૨૦ ટકાની નીચલી સર્કિટ લાગી હતી, જ્યારે બીજી તરફ પસંદગીની એનબીએફસી કંપનીના શેરોમાં સાત ટકાથી ૨૦ ટકા સુધીની તેજી જોવા મળી હતી. એકંદરે નબળા બજારમાં મંગળવારના ઇન્ટ્રા-ડે ટ્રેડમાં બીએસઇ પર લિસ્ટેડ, મુખ્યત્વેે ગોલ્ડ લોનના વ્યવસાય સાથે સંકળાયેલા પસંદગીના ફાઇનાન્શિયલ્સના શેરોેમાં ૨૦ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યોે છે. સીજીસીએલ, સીએસબી બેન્ક, મુથુટ ફાઇનાન્સ અને મણપ્પુરમ ફાઇનાન્સના શેરમાં ઇન્ટ્રા-ડે સાત ટકાથી વીસ ટકા સુધીના ઉછાળા જોવા મળ્યો હતો. રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયાએ ચોથી માર્ચ, ૨૦૨૪ના તેના આદેશમાં આઈઆઈએફએલ ફાઈનાન્સને તાત્કાલિક અસરથી ગોલ્ડ લોન મંજૂર કરવાનું અથવા વિતરણ કરવાનું બંધ કરવાનો નિર્દેશ આપ્યા પછી આઇઆઇ-એફએલના શેરમાં કડાકો બોલી ગયો હતો.