વ્હાઈટ ગૂડ્સ માટેની પીએલઆઈ સ્કીમ હેઠળ ડીપીઆઈઆઈટીને રૂ. 1914 કરોડનાં રોકાણની 13 અરજી મળી

નવી દિલ્હીઃ વ્હાઈટ ગૂડ્સ માટેની પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) સ્કીમ રૂ. 1914 કરોડનાં રોકાણની બાંયધરી સાથેની કુલ 13 અરજીઓ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રીઝ ઍન્ડ ઈન્ટરનલ ટ્રેડ (ડીપીઆઈઆઈટી)ને મળી છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે વર્તમાન રાઉન્ડમાં એરકન્ડિશનર અને એલઈડી લાઈટ્સ જેવાં વ્હાઈટ ગૂડ્સમાં રોકાણ માટે પીએલઆઈ સ્કીમ હેઠળ અરજી સ્વીકારવાનો સમયગાળો ગત 15મી સપ્ટેમ્બરથી 10મી નવેમ્બર, 2025 સુધીનો નિર્ધારિત કરવામાં આવ્યો હતો.
આપણ વાચો: દેશના અર્થતંત્રમાં ધીમી વૃદ્ધિને સપોર્ટ કરવા CII એ RBI ને કહી આ વાત
પ્રાપ્ત માહિતી અનુસાર ડીપીઆઈઆઈટીને મળેલી કુલ 13 અરજીઓ પૈકી એક અરજી હાલની પીએલઆઈ હેઠળની લાભકર્તાની છે જેણે વધુ રૂ. 15 કરોડના રોકાણની બાંયધરી આપી છે. આ ઉપરાંત નવ અરજદારોએ એરકન્ડિશનર કમ્પોનન્ટ્સનાં ઉત્પાદન માટે ચક્રવૃદ્ધિ ધોરણે રૂ. 1816 કરોડનાં રોકાણની બાંયધરી આપી છે.
આ રોકાણમાં મુખ્યત્વે કોપર ટ્યુબના ઉત્પાદન, એલ્યુમિનિયમના સ્ટોક, કોમ્પ્રેસર, મોટર્સ, હીટ એક્સચેન્જીસ, ક્નટ્રોલ એસેમ્બલીઝ અને અન્ય ઉચ્ચ મૂલ્યના કમ્પોનન્ટ્સનો સમાવેશ થાય છે.
અન્ય ચાર અરજદારોએ રૂ. 98 કરોડના રોકાણ સાથે એલઈડી કમ્પોનન્ટ્સનાં ઉત્પાદન માટેનો પ્રસ્તાવ મૂક્યો છે જેમાં એલઈડી ચીપ્સ, ડ્રાઈવર્સ અને હીટ સિન્કનો સમાવેશ થાય છે.
પ્રસ્તાવિત રોકાણમાં છ રાજ્યોનાં 13 જિલ્લા અને 23 સ્થાનોનો સમાવેશ છે. નોંધનીય બાબત એ છે કે અત્યાર સુધીમાં વ્હાઈટ ગૂડ્સ માટેની પીએલઆઈ સ્કીમ હેઠળ મંજૂર કરવામાં આવેલા 80 લાભકર્તા તરફથી રૂ. 10,335 કરોડનાં રોકાણની બાંયધરી આપવામાં આવી છે. તેમ જ રૂ. 1.72 લાખ કરોડનાં ઉત્પાદનની અને 60,000 સીધી રોજગારીના સર્જનનો અંદાજ મૂકવામાં આવ્યો હોવાનું ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે.
સરકારે ગત 7મી એપ્રિલ, 2021નાં રોજ રૂ. 6238 કરોડનાં ખર્ચ સાથે વ્હાઈટ ગૂડ્સ માટેની પીએલઆઈ સ્કીમને મંજૂરી આપી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ ભારતભરમાં એરકન્ડિશનર અને એલઈડી કમ્પોનન્ટ્સની અર્થયંત્રણા સ્થાપવાની સાથે સ્થાનિકમાં મૂલ્યવર્ધનનું સ્તર જે હાલ 15થી 20 ટકા છે તે વધારીને 75થી 80 ટકા સુધી લઈ જવાનો અને દેશને વૈશ્વિક ઉત્પાદનનું હબ બનાવવાનો છે.



