વેપાર

ઘઉંનો વાવેતર વિસ્તાર બે ટકા વધીને 334.17 લાખ હેક્ટર

નવી દિલ્હીઃ ગત ઑક્ટોબર મહિનાથી શરૂ થયેલી વર્તમાન રવી વાવેતરની મોસમમાં ગત નવમી જાન્યુઆરી સુધી દેશમાં મુખ્ય રવી પાક ગણાતા ઘઉંનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 328.04 લાખ હેક્ટર સામે બે ટકા વધીને 334.17 લાખ હેકટરની સપાટીએ રહ્યો હતો, જ્યારે કુલ રવી વાવેતર વિસ્તાર 644.29 લાખ હેક્ટર રહ્યો છે. જોકે, ગત રવી મોસમમાં કુલ વાવેતર વિસ્તાર 626.64 લાખ હેક્ટર રહ્યો હતો, જે વર્તમાન રવી મોસમના વાવેતરની પ્રગતિ દર્શાવે છે, એમ કૃષિ મંત્રાલયે એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.

નોંધનીય બાબત એ છે કે દેશમાં રવી વાવેતરનો આરંભ ઑક્ટોબર મહિનાથી થતો હોય છે અને તેની લણણી માર્ચ મહિનાથી શરૂ થતી હોય છે. એકંદરે આ વર્ષે થયેલા સારા વરસાદ અને સરકાર દ્વારા ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો હોવાથી વાવેતર વિસ્તારમાં વૃદ્ધિ જોવા મળી છે.

કૃષિ મંત્રાલયની આંકડાકીય માહિતી મુજબ ગત નવમી જાન્યુઆરી સુધીમાં ડાંગરનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 19.49 લાખ હેક્ટર સામે વધીને 21.71 લાખ હેક્ટર રહ્યો છે. તેમ જ કઠોળનો વાવેતર વિસ્તાર પણ ગત સાલના સમાનગાળાના 132.61 લાખ હેક્ટર સામે વધીને 136.36 લાખ હેક્ટરના સ્તરે અને શ્રી અન્ન અથવા કડ અથવા તો જાડા ધાન્યનો વાવેતર વિસ્તાર પણ ગત સાલના સમાનગાળાના 53.17 લાખ હેક્ટર સામે વધીને 55.20 લાખ હેક્ટર રહ્યો છે. આ ઉપરાંત તેલીબિયાંનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 93.33 લાખ હેક્ટર સામે વધીને 96.86 લાખ હેક્ટરની સપાટીએ રહ્યો હોવાનું કૃષિ મંત્રાલયે યાદીમાં ઉમેર્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button