ઉત્સવવેપારસ્પેશિયલ ફિચર્સ

ઈકો-સ્પેશિયલ: મૂડીબજારના ભાવિ વિકાસનો આધાર કોણ બનશે?

-જયેશ ચિતલિયા

દેશમાં રોકાણકારોની અને ડિમેટ એકાઉન્ટસની સંખ્યા એકધારી વધી રહી છે. કારણ ઘણાં છે, અર્થ પણ ઘણાં થઈ શકે. કારણો છે, શૅરબજારમાં રોકાણ તરફ સતત આકર્ષાતો વર્ગ અને અર્થ છે શૅરબજારમાં તેજી લાંબી ચાલતી રહેશે. મૂડીસર્જનના બહેતર અને સરળ માધ્યમ તરીકે ભારતનો બચત કરતો વર્ગ બહુ ઝડપથી ઈન્વેસ્ટર્સ વર્ગમાં પલટાઈ જશે એવી આસ્થા અસ્થાને નથી. માન્યમાં નહીં આવે પણ ભારતમાં ડિમેટ એકાઉન્ટસની સંખ્યા રશિયા, મેક્સિકો, જપાન અને ઈથોપિયા જેવા દેશોની વસતિ કરતાં વધી ગઈ છે. બાંગ્લાદેશની વસતિ અને ભારતમાં ડિમેટ એકાઉન્ટસની સંખ્યા લગભગ સમાન સ્તરે પહોંચી ગઈ છે.

જાન્યુઆરી ૨૦૨૩ બાદ અત્યાર સુધીના ગાળામાં નવા ૬ કરોડ ડિમેટ એકાઉન્ટસ ખુલ્યા છે. વાસ્તવમાં આ ઓગસ્ટમાં જ ડિમેટ એકાઉન્ટસની કુલ સંખ્યા ૧૭ કરોડને પાર કરી ગઈ. એકલા ઓગસ્ટમાં ૪૨ લાખથી વધુ એકાઉન્ટસ ઓપન થયાં છે.

આ આંકડા ભારતીય માર્કેટમાં ઈક્વિટી અને ફાઈનાન્સિયલ એસેટસમાં રોકાણનો ટ્રેન્ડ કેટલી ઝડપી ગતિએ વધી રહ્યો છે તેનો સંકેત આપે છે. ૨૦૨૩ના આખા વરસમાં ૩.૧૦ કરોડ ડિમેટ એકાઉન્ટસ ખુલ્યાં હતાં, જેની સામે ૨૦૨૪ના આટલા સમયમાં-અર્થાત્ ઓગસ્ટ સુધીમાં ૩.૧૮ કરોડ એકાઉન્ટસ ખૂલી ગયાં છે. ઈક્વિટી રોકાણનું વધતું આકર્ષણ હકીકતમાં જેમ-જેમ શૅરબજાર ઊંચે જઈ રહ્યું છે તેમ તેમ ડિમેટ એકાઉન્ટસ પણ વધી રહ્યાં છે. લોકોનો માર્કેટ પ્રવેશ એકધારો વધી રહ્યો છે. અનેક લોકો એકથી વધુ (મલ્ટીપલ) ડિમેટ એકાઉન્ટસ પણ ધરાવતા થયા છે. માર્કેટની તેજી ઉપરાંત કેવાયસી (નો યોર કલાયન્ટ)ની વિધિ સરળ બનવાથી તેમ જ એક બ્રોકરથી બીજા બ્રોકર પાસે શિફટ થવાનું પણ સરળ બનવાથી ડિમેટ ખાતામાં વધારો થઈ રહ્યો છે. અલબત્ત, નવા ઈસ્યુઓની વધતી સંખ્યા અને ઈન્ટ્રા ડે ટ્રેડિંગનું આકર્ષણ પણ આ એકાઉન્ટસ વધારવામાં ભાગ ભજવી રહ્યા છે. ઈક્વિટીનું વળતર લોકોને વધુ ને વધુ માર્કેટ તરફ ખેંચી રહ્યું છે. ભાવિ ગ્રોથનો આશાવાદ ડિમેટ એકાઉન્ટસ અને ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ વધવાના બીજાં કારણો શું?

જેના જવાબમાં કહી શકાય કે માર્કેટ અને સ્ટોકસના રોકાણમાં વધી રહેલા વળતર, ભાવિ ગ્રોથનો આશાવાદ અહીં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

એક રસપ્રદ ઉદાહરણ તરીકે જોઈએ તો જાન્યુઆરી ૨૦૨૩થી અત્યાર સુધીમાં સેન્સેક્સમાં ૩૫ ટકા અને નિફટીમાં ૩૯ ટકા વળતર ઉપજયું છે. જયારે કે બીએસઈ સ્મોલ અને મિડકેપ સ્ટોકસમાં ૯૪ ટકા વળતર ઉપજયું છે. એક મહત્ત્વની વાત એ પણ નોંધવી રહી કે ભારતીય મૂડીબજારમાં હાલ સતત ઓવર વેલ્યુએશન અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે. જોકે ભાવિ ગ્રોથના આશાવાદમાં રોકાણકારો કોઈપણ ઊંચા ભાવે માર્કેટમાં ખરીદી કરી રહ્યા છે. આ મુદો ચર્ચા-વિચારણા અને અભ્યાસ માગી લે છે.

વધી રહેલો રોકાણકારોનો પ્રવાહ
હવે તો સમય એવો આવ્યો છે, જેમાં શૅરબજારમાં ગુજરાતીઓની મોનોપોલી તૂટી રહી છે અને નવાઈ લાગે એમ ઉત્તર અને પૂર્વ ભારતનાં ઈન્વેસ્ટરોની સંખ્યા ચાર ગણી વધી છે. અન્ય ભાષા અને રાજ્યોના ઈન્વેસ્ટરો પણ હવે ઈક્વિટીઝમાં મૂડીરોકાણ કરવા માટે મોટી
સંખ્યામાં શૅરબજારમાં પ્રવેશી રહ્યા છે. છેલ્લા થોડાક વખતથી વધુ સંખ્યામાં ઉત્તર ભારતીય ઈન્વેસ્ટરો પ્રોપર્ટી અને ગોલ્ડ ઉપરાંત શૅરબજારમાં પણ નાણાં રોકતા થયા છે. કોરોના મહામારી બાદ ઉત્તર અને પૂર્વ ભારતના લોકો પણ શૅરબજારો તરફ આકર્ષિત થયા છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)માં ઉત્તર ભારતીય ઈન્વેસ્ટરોની સંખ્યા વર્ષ ૨૦૨૦ પછી ચાર ગણી વધીને ૩ કરોડ ૫૭ લાખ જેટલી થઈ છે. બીજી બાજુ, પૂર્વ ભારતની આગેવાની ઈશાન ભારતનાં રાજ્યો, ઓડિશા અને પશ્ર્ચિમ બંગાળે લીધી છે. તેમના ઈન્વેસ્ટરોની સંખ્યા પણ ચાર વર્ષમાં ચાર ગણી વધી ગઈ છે. નવા ૮૯ લાખ ઈન્વેસ્ટરોનો ઉમેરો
થયો છે.

આની સરખામણીમાં પશ્ર્ચિમ ભારત, જેમાં આર્થિક પાટનગર મુંબઈ અને વેપારીઓના વર્ચસ્વવાળા ગુજરાત રાજ્યનો સમાવેશ થાય છે, તેના ઈન્વેસ્ટરોની સંખ્યા ત્રણ ગણી વધી છે. એજ રીતે, વર્ષ ૨૦૨૦થી દક્ષિણ ભારતના ઈન્વેસ્ટર બેઝમાં ૧૭૨ ટકાનો વધારો નોંધાયો છે.

આ બધાનું કારણ શું?
બિઝનેસ વિશ્ર્લેષકોનું માનવું છે કે માથાદીઠ આવકમાં થઈ રહેલા વધારા, બહેતર ઈન્ટરનેટ કનેક્ટિવિટી, સ્માર્ટફોનના વ્યાપક વપરાશ તેમજ અસંખ્ય ચેનલો દ્વારા મૂડીબજારો વિશે ફેલાવવામાં આવી રહેલી જાગૃતિને લીધે અન્ય ભાષા અને રાજ્યોના ઈન્વેસ્ટરોની સંખ્યા વધવા માંડી છે, આમ શૅરબજારમાં ઈન્વેસ્ટમેન્ટ હવે માત્ર મહાનગરો પૂરતું સીમિત રહ્યું નથી. આ વર્ષની એપ્રિલ ૧ અને ૩૧ જુલાઈ વચ્ચેના સમયગાળામાં ઉત્તર ભારતના ૩૩.૩ લાખ ઈન્વેસ્ટરો ઉમેરાયા હતા. એની સામે પશ્ર્ચિમ ભારત અને દક્ષિણ ભારતના નવા ઈન્વેસ્ટરોની સંખ્યા અનુક્રમે ૧૯.૬ લાખ અને ૧૪.૯ લાખ હતી. સ્ટોકબ્રોકિંગ કંપનીઓના અભ્યાસ મુજબ, ૨૦૨૧ની સાલ પછી શૅરબજારોમાં દેશભરમાંથી રિટેલ ઈન્વેસ્ટરોની સંખ્યા ચાર ગણી વધી છે. જેમાં દેશના સૌથી વધુ વસતિવાળા ઉત્તર પ્રદેશમાંથી ઘણા ઈન્વેસ્ટરો મૂડીબજારો તરફ આકર્ષિત થયા હોવાની બાબત નોંધનીય ગણાય.

આર્થિક સાક્ષરતા સંબંધી થયેલા સર્વે મુજબ યુપીઆઈ અને આધાર-બેઝ્ડ ઈ-કેવાયસી જેવી ડિજિટલ સાર્વજનિક પાયાભૂત સુવિધાને લીધે વધુ ને વધુ લોકો પોતાની મૂડીને શૅરબજાર તરફ વાળી રહ્યા છે.
જોકે, હવે આ માર્ગે ખરા ઈન્વેસ્ટર્સ કેટલા અને સ્પેકયુલેટર્સ કેટલા ઊભા થાય છે એ તો આગામી સમય જ કહેશે.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…