ઑગસ્ટમાં વાહનોના રિટેલ વેચાણમાં 2.84 ટકાની વૃદ્ધિ

નવી દિલ્હીઃ ગત 15મી ઑગસ્ટના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જીએસટીનાં દરમાં ઘટાડો કરીને વેરાના માત્ર બે જ દર રાખવાની જાહેરાત કર્યા બાદ ઘણાં ગ્રાહકોએ વાહનોની ખરીદી મોકૂફ રાખી હોવાથી ગત ઑગસ્ટ મહિનામાં વાહનોનું કુલ રિટેલ વેચાણ ઑગસ્ટ, 2024ની સરખામણીમાં સાધારણ 2.84 ટકા વધીને 19,64,547 યુનિટની સપાટીએ રહ્યું હોવાનું ફેડરેશન ઑફ ઑટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશને તાજેતરમાં સંકલિત કરેલી આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.
એસોસિયેશનની માહિતી અનુસાર ગત ઑગસ્ટ મહિનામાં પેસેન્જર વાહનોનું વેચાણ ઑગસ્ટ, 2024ના 3,20,291 યુનિટ સામે સાધારણ વધીને 3,23,256 યુનિટની સપાટીએ રહ્યું હતું. એકંદરે ઑગસ્ટ મહિનામાં તહેવારો શરૂ થઈ રહ્યા હોવાથી આરંભિક તબક્કામાં ડીલરોના શૉ રૂમોમમાં બુકિંગ માટે નોંધપાત્ર માત્રામાં પૂછપરછ જોવા મળી પરંતુ જીએસટી 2.0 સુધારાની જાહેરાત સાથે જ જીએસટીમાં ઘટાડો થવાના આશાવાદે ગ્રાહકોએ નવી ખરીદી મોકૂફ રાખી હોવાનું ફેડરેશને યાદીમાં જણાવ્યું હતું.
વધુમાં ગત ઑગસ્ટ મહિનામાં દ્વીચક્રી વાહનોનું રિટેલ સ્તરે વેચાણ વર્ષાનુવર્ષ ધોરણે 2.18 ટકા વધીને 13,73,675 યુનિટ (13,44,380 યુનિટ)ની સપાટીએ રહ્યું હતું, જ્યારે વેપારી વાહનોનું વેચાણ 5.55 ટકા વધીને 75,592 યુનિટ (69,635 યુનિટ)ના સ્તરે રહ્યું હતું. જોકે, દ્વીચક્રી વાહનોમાં જીએસટીમાં ઘટાડાના આશાવાદને કારણે થોડી માગ નબળી રહી હોવા છતાં ઓણમ અને ગણેશ ચતુર્થીનાં સપરમાં દહાડે ડિલિવરી લેવા માટે માગ મજબૂત રહી હતી. તેમ છતાં ઉત્તર ભારતમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે ગ્રામીણ મોબિલિટી પર ભારે અસર થતાં પ્રચલિત મોડૅલના સ્કૂટરના પુરવઠા પર માઠી અસર પડી હોવાનું એસોસિયેશને ઉમેર્યું હતું.
જીએસટીમાં ઘટાડા જેવા નકારાત્મક પરિબળો છતાં એકંદરે ઑટોમોબાઈલમાં સ્થિર વલણ જોવા મળવાની સાથે ડીલરોમાં તહેવારોની મોસમમાં માગ મજબૂત રહે તેવો વિશ્વાસ જોવા મળી રહ્યો હોવાનું એસોસિયેશનના પ્રમુખ સી એસ વિઘ્નેશ્વરે જણાવતાં ઉમેર્યું હતું કે ઑગસ્ટ મહિનામાં ગણેશ ચતુર્થી અને ઓણમ જેવાં તહેવારો આવતા હોવાથી પરંપરાગત ધોરણે ગ્રાહકોની પૂછપરછ અને બુકિંગમાં વધારો જોવા મળતો હોય છે અને તહેવારોમાં ડિલિવરીઓ થતી હોય છે, પરંતુ આ વર્ષે આગામી સપ્ટેમ્બર મહિનાથી જીએસટી 2.0નો અમલ થવાનો હોવાથી અપેક્ષા કરતાં ઓછી માગ જોવા મળી છે.
તેમણે જણાવ્યું હતું કે ઑટોમોબાઈલ પરનાં જીએસટીનાં દરમાં ઘટાડાને આવકારતાં કહ્યું હતું કે જીએસટી 2.0 ઐતિહાસિક છે, જેમાં વેરાના માત્ર બે દર તથા એક વિશિષ્ટ દર રાખવામાં આવ્યા છે, જે લોકો માટે પ્રથમ રિસેટ છે, નાગરિક મૈત્રીલક્ષી અને સરળ વેરા તરફ ભારત આગળ વધી રહ્યું છે. વધુમાં તેમણે કહ્યું હતું કે તહેવારોની મોસમ પૂર્વે જીએસટીનાં દરમાં ઘટાડો થવાથી ઑટોમોબાઈલ ક્ષેત્રે માગમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળશે.
આગામી ટૂંકા સમયગાળાના ભાવિ અંગે તેમણે કહ્યું હતું કે સપ્ટેમ્બરના પહેલા પખવાડિયામાં શ્રાદ્ધ પક્ષ છે, જ્યારે બીજા પખવાડિયામાં સુધારિત જીએસટીનો અમલ થવાનો હોવાથી લોકો નીતિવિષયક સ્પષ્ટતાની અને તહેવારોની મોસમમાં ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ કેવી સ્કીમો આપે છે તેના પર ગ્રાહકોની મીટ મંડાયેલી રહેશે. ખાસ કરીને આ સ્કીમો, જીએસટીનાં દરમાં ફેરફારના લાભને ધ્યાનમાં લેતા ગ્રાહકો આગામી નવરાત્રી, દશેરા, ધનતેરસ જેવા તહોવારો માટેનાં બુકિંગો કરશે, એમ તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચો…..GST સુધારા: કારના શોખીનોને તમારી મનપસંદ કાર સસ્તામાં મળી શકશે!