ઑગસ્ટમાં વનસ્પતિ તેલની આયાત સાત ટકા વધી | મુંબઈ સમાચાર
વેપાર

ઑગસ્ટમાં વનસ્પતિ તેલની આયાત સાત ટકા વધી

રિફાઈન્ડ પામતેલનાં શિપમેન્ટમાં ઘટાડો

નવી દિલ્હીઃ ગત ઑગસ્ટ મહિનામાં દેશમાં વનસ્પતિ તેલની આયાત ઑગસ્ટ, 2024નાં 15.63 લાખ ટન સામે સાત ટકા વધીને 16.77 લાખ ટનની સપાટીએ રહી હોવાનું તાજેતરમાં ઔદ્યોગિક સંગઠન સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશન દ્વારા સંકલિત કરવામાં આવેલી આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.

જોકે, સરકારે રિફાઈન્ડ તેલની આયાતજકાતમાં ફેરફાર કર્યા હોવાથી રિફાઈન્ડ પામતેલની આયાતમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.

એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત ઑગસ્ટ મહિનામાં થયેલી કુલ આયાતમાં 16.21 લાખ ટન ખાદ્યતેલની અને 55,821 ટન અખાદ્યતેલની આયાત થઈ હતી.

આપણ વાંચો: આરોગ્ય એક્સપ્રેસ : આ છે તમારી ત્વચાનો ઓલરાઉન્ડર રખેવાળ… વનસ્પતિ એક… ફાયદા અનેક!

તેમ જ ખાદ્યતેલની કુલ આયાતમાં ક્રૂડતેલની આયાત વધીને 16.13 લાખ ટનની સપાટીએ રહી હતી, જ્યારે રિફાઈન્ડ પામતેલની આયાત ગત સાલના સમાનગાળાની તુલનામાં 8000 ટનના ઘટાડા સાથે 92,130 ટનનાં સ્તરે રહી હતી.

અત્રે નોંધનીય બાબત એ છે કે ગત 31મી મેના રોજ સરકારે ક્રૂડ પામતેલ અને રિફાઈન્ડ પામતેલ વચ્ચેની આયાતજકાતનો તફાવત જે 8.25 ટકા હતો તે વધારીને 19.25 ટકા કર્યો હોવાથી રિફાઈન્ડ પામતેલની આયાત પડતરો ન લાગતા રિફાઈન્ડ પામતેલની આયાતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આમ સરકારનો ડ્યૂટી તફાવત વધારવાનો નિર્ણય સચોટ અને સમયસરનો રહ્યો હોવાનું એસોસિયેશને યાદીમાં ઉમેર્યું હતું.

હવે ડ્યૂટી ફેરફારના પગલે ગત ઑગસ્ટ મહિનામાં ક્રૂડ પામતેલની આયાત જે ઑગસ્ટ, 2024માં સાત લાખ ટનની હતી તે વધીને 9.79 લાખ ટનની સપાટીએ રહી છે, આમ એકંદરે રિફાઈન્ડ પામતેલની આયાત હતોત્સાહિત થઈ રહી છે અને ક્રૂડતેલની માગમાં વધારો થવાથી સ્થાનિક રિફાઈનિંગ ક્ષેત્રમાં ફરી સંચાર થયો હોવાનું એસોસિયેશને યાદીમાં ઉમેર્યું હતું.

આપણ વાંચો: સ્વાસ્થ્ય સુધા: શરીરને ઠંડક બક્ષતી વનસ્પતિ ખસ…

જોકે, ગત ઑગસ્ટ મહિનામાં સનફ્લાવર તેલની આયાત ઘટીને 2.57 લાખ ટન (2.84 લાખ ટન) અને ક્રૂડ સોયાબીન તેલની આયાત ઘટીને 3.67 લાખ ટન (4.54 લાખ ટન)નાં સ્તરે રહી છે.

વધુમાં એસોસિયેશનના જણાવ્યાનુસાર ગત ઑગસ્ટ મહિનામાં કનોલા તેલની આયાત 6000 ટન, ક્રૂડ પામ કર્નેલ તેલની આયાત 2993 ટન (4641 ટન)ની સપાટીએ રહી છે. તેમ જ ગત પહેલી સપ્ટેમ્બરના રોજ દેશમાં ખાદ્યતેલનો સ્ટોક છેલ્લાં ત્રણ મહિનાની ઊંચી 18.65 લાખ ટનની સપાટીએ રહ્યો છે.

ઑગસ્ટના અંતે દેશમાં નોંધનીય બાબત એ છે કે ભારત ખાદ્યતેલનો વૈશ્વિક અગ્રણી વપરાશકાર અને આયાતકાર દેશ છે અને દેશમાં મુખ્યત્વે ઈન્ડોનેશિયા અને મલયેશિયાથી પામતેલની, આર્જેન્ટિના, બ્રાઝિલ અને રશિયાથી સોયાબીન તેલની અને રશિયા તથા યુક્રેનથી સનફ્લાવર તેલની આયાત થાય છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button