(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીનાં આજના અંતિમ તબક્કા પૂર્વે વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટમાં મક્કમ વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે સત્ર દરમિયાન એક તક્ક્કે બૉમ્બે સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૪૮૫.૫૪ પૉઈન્ટનો અને ૧૫૨.૬૦ પૉઈન્ટનો કડાકો બોલાઈ ગયા બાદ મેટલ અને બૅન્કિંગ ક્ષેત્રના શૅરોમાં વૅલ્યૂ બાઈંગ નીકળતાં સત્રના અંતે સેન્સેક્સ ૬૯૪.૩૯ પૉઈન્ટના અને નિફ્ટી ૨૧૭.૯૫ પૉઈન્ટના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જોકે, આજે સ્થાનિકમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વધુ રૂ. ૨૫૬૯.૪૧ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી, જ્યારે તેની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૩૦૩૦.૯૬ કરોડની લેવાલી રહી હોવાના અહેવાલ હતા.
એકંદરે આજે અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીને ધ્યાનમાં લેતા સાવચેતીના માનસ વચ્ચે બજારમાં મધ્યસત્ર સુધી નરમાઈનું વલણ જ જોવા મળ્યું હતું,પરંતુ મધ્યસત્ર બાદ વૅલ્યૂ બાઈંગનો ટેકો મળતાં અંતે તેજીના અન્ડરટોને બજાર બંધ રહી હતી. આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૭૮,૭૮૨.૨૪ના બંધ સામે નરમાઈ સાથે ૭૮,૫૪૨.૧૬ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૮,૨૯૬.૭૦ અને ઉપરમાં ૭૯,૫૨૩.૧૩ સુધી વધ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે ૬૯૪.૩૯ પૉઈન્ટ અથવા તો ૦.૮૮ ટકા વધીને ૭૯,૪૭૬.૬૩ના મથાળે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નિફ્ટી ગઈકાલના ૨૩,૯૯૫.૩૫ના બંધ સામે ૨૩,૯૧૬.૫૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૨૩,૮૪૨.૭૫ અને ઉપરમાં ૨૪,૨૨૯.૦૫ની રેન્જમાં અથડાઈને અંતે ૨૧૭.૯૫ પૉઈન્ટ અથવા તો ૦.૯૧ ટકા વધીને ૨૪,૨૧૩.૩૦ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે બીએસઈ ખાતે કુલ ૪૦૫૮ કંપનીના શૅરોમાં કામકાજ થયા હતા, જેમાંથી ૨૪૬૮ કંપનીના શૅરના ભાવ વધીને, ૧૪૭૮ કંપનીના શૅરના ભાવ ઘટીને અને ૧૧૨ કંપનીના શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ આજે ૨૦૭ કંપનીના શૅરના ભાવ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ અને બાવીસ કંપનીના શૅરના ભાવ બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા.
અમેરિકાની ચૂંટણી પૂર્વે આજે પરિણામોની અનિશ્ર્ચિતતા છતાં આવતીકાલથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે વ્યાજ દરમાં કાપ મૂકવામાં આવે તેવા આશાવાદ સાથે વિશ્ર્વ બજારમાં મક્ક્મ વલણ જોવા મળ્યું હતું.
જોકે, સ્થાનિક સ્તરે જાહેર થઈ રહેલા કોર્પોરેટ પરિણામો નબળા આવી રહ્યા હોવાથી બજારમાં સુધારો મર્યાદિત માત્રામાં જોવા મળી રહ્યો હોવાનું મહેતા ઈક્વિટીઝનાં રિસર્ચ વિભાગના વાઈસ પ્રેસિડૅન્ટ પ્રશાંત તાપસેએ જણાવ્યું હતું.
એકંદરે અમેરિકામાં ચૂંટણીના પરિણામોની અવઢવ ઉપરાંત બીજા ત્રિમાસિકગાળાના જીડીપીના અંદાજોમાં ઘટાડો કરવામાં આવે તેવી ભીતિ સેવાઈ રહી હોવા છતાં આજે સ્થાનિક બજારમાં તીવ્ર સુધારો જોવા મળ્યો હોવાનું જીઓજિત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવતા ઉમેર્યું હતું કે ગત ઑક્ટોબર મહિનાના ઔદ્યોગિક ઉત્પાદનનો પીએમઆઈ આંક જે ગત સપ્ટેમ્બર મહિનામાં આઠ મહિનાના તળિયે પહોંચ્યો હતો તેની સામે વધીને ૫૭.૫ની સપાટીએ રહ્યો હોવાના અહેવાલે બજારના સુધારાને અમુક અંશે ટેકો આપ્યો હતો.
એકંદરે આજે પાછોતરા સત્રમાં મુખ્યત્વે બૅન્કિંગ, મેટલ અને ઑઈલ તથા ગૅસ ક્ષેત્રના શૅરોમાં વ્યાપક લેવાલી નીકળતાં તેજીને ટેકો મળ્યો હતો. આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૨૧ શૅરના ભાવ વધીને અને નવ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે નિફ્ટી હેઠળના ૫૦ શૅર પૈકી ૩૯ શૅર વધીને અને ૧૧ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. આજે સેન્સેક્સ હેઠળના મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ ૪.૭૨ ટકાનો ઉછાળો જેએસડબ્લ્યુ સ્ટીલમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે ટાટા સ્ટીલમાં ૩.૬૪ ટકાનો, એક્સિસ બૅન્કમાં ૨.૭૩ ટકાનો, એચડીએએફસી બૅન્કમાં ૨.૫૬ ટકાનો, ઈન્ડ્સઈન્ડ બૅન્કમાં ૨.૪૯ ટકાનો અને સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં ૨.૩૩ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ ૧.૪૬ ટકાનો ઘટાડો અદાણી પોર્ટસમાં જોવા મળ્યો હતો. આ સિવાય આઈટીસીમાં ૦.૯૬ ટકાનો, એશિયન પેઈન્ટ્સમાં ૦.૯૧ ટકાનો, ભારતી એરટેલમાં ૦.૮૦ ટકાનો, ઈન્ફોસિસમાં ૦.૬૩ ટકાનો અને લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં ૦.૩૯ ટકાનો ઘટાડો આવ્યો હતો.
આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં સૌથી વધુ મેટલ ઈન્ડેક્સમાં ૨.૩૮ ટકાનો ઉછાળો આવ્યો હતો. આ સિવાય બૅન્કેક્સમાં ૨.૧૯ ટકાનો, કૉમૉડિટી ઈન્ડેક્સમાં ૧.૮૪ ટકાનો, ફાઈનાન્સિયલ સર્વિસીસ ઈન્ડેક્સમાં ૧.૫૮ ટકાનો, ટેલિકોમ્યુનિકેશન ઈન્ડેક્સમાં ૦.૮૩ ટકાનો, ઑટો ઈન્ડેક્સમાં ૦.૮૧ ટકાનો, રિઅલ્ટી ઈન્ડેક્સમાં ૦.૬૮ ટકાનો અને યુટિલિટી ઈન્ડેક્સમાં ૦.૬૭ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે આઈટી, ટૅક્નોલૉજી અને સર્વિસીસ ઈન્ડેક્સમાં પીછેહઠ જોવા મળી હતી.
દરમિયાન આજે એશિયામાં ટોકિયો, શાંઘાઈ અને હૉંગકૉંગની બજાર સુધારા સાથે બંધ રહી હતી અને સિઉલની બજારમાં નરમાઈનું વલણ હતું.
વધુમાં આજે યુરોપના બજારોમાં પણ મધ્યસત્ર દરમિયાન સુધારો દર્શાવાઈ રહ્યો હતો.