વેપાર

ડૉલરમાં નબળાઈ અને ઈક્વિટીમાં સુધારા સાથે રૂપિયામાં 10 પૈસાનો સુધારો…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં લેવાલી રહી હોવાના પ્રોત્સાહક અહેવાલ સાથે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં એક તબક્કે 11 પૈસાનો ઘટાડો ધોવાઈ ગયો હતો અને સત્રના અંતે ગઈકાલના બંધ સામે 10 પૈસાના સુધારા સાથે 90.56ના મથાળે બંધ રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવતા ઉમેર્યું હતું કે આજે આયાતકારોની ડૉલરમાં લેવાલી મંદ પડવાને કારણે પણ રૂપિયાને ટેકો મળ્યો હતો.

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 90.66ના બંધ સામે સાધારણ સુધારા સાથે 90.63ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 90.77 અને ઉપરમાં 90.48 સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે 10 પૈસા વધીને 90.56ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં સાધારણ એક પૈસાની નરમાઈ જોવા મળી હતી.

તાજેતરમાં અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલ અને વૈશ્વિક બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં રૂપિયામાં સુધારાતરફી વલણ જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરતાં મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ ઉમેર્યું હતું કે માત્ર ભૂરાજકીય તણાવ અને આયાતકારોની ડૉલરમાં માગ રૂપિયાને દબાણ હેઠળ રાખી શકે છે. તેમ છતાં અમારા મતે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયાની રેન્જ 90.30થી 90.80 આસપાસની જોવા મળી શકે છે.

નોંધનીય બાબત એ છે કે અમેરિકાનાં નીતિવિષયક જોખમોને ધ્યાનમાં લેતા ચીનના નિયામકે બૅન્કોને અમેરિકી ટ્રેઝરીનું રોકાણ ઘટાડવા અનુરોધ કર્યો હોવાથી ગઈકાલે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સે 97ની સપાટી ગુમાવી હતી. તેમ જ આજે ગઈકાલના બંધ સામે સાધારણ 0.01 ટકાના સુધારા સાથે 96.82 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.16 ટકા ઘટીને બેરલદીઠ 68.93 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

આ સિવાય સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 208.17 પૉઈન્ટનો અને 67.85 પૉઈન્ટનો સુધારો આવ્યો હતો. તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 2254.64 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button