ટેરિફને કારણે નિકાસલક્ષી લઘુએકમોની નિષ્ક્રીય અસ્કાયમતોમાં વધારો થવાનું જોખમ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ : અમરિકા દ્વારા ભારતના માલસામાન પર લાગુ કરાયેલા ૫૦ ટકા ટેરિફની સૌથી ગંભીર અસર દેશના નિકાસલક્ષી એવા માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (એમએસએમઈ) પર જોવા મળશે જેને પરિણામે આ ક્ષેત્રની એમએસએમઈની નોન પરફોર્મિંગ એસેટસ (એનપીએ)માં સાધારણ વધારો થવાની ચિંતા વ્યકત કરવામાં આવી છે.
નિકાસલક્ષી એવા પસંદગીના એમએસએમઈની એનપીએમાં સાધારણ વધારો થવાનું જોખમ રહેલું છે એમ ક્રિસિલ દ્વારા જણાવાયું હતું. માર્ચ ૨૦૨૧થી માર્ચ ૨૦૨૫ના ગાળામાં એમએસએમઈના એનપીએ પ્રમાણમાં નોધપાત્ર ઘટાડો થયો છે.
આ પણ વાંચો : ટ્રમ્પ નરમ પડશેઃ અમેરિકા દ્વારા ભારત પર લગાવેલ 25 ટકા એક્સ્ટ્રા ટેરિફ હટશે?
આ ગાળામાં એનપીએનું પ્રમાણ ૮.૭૦ ટકા પરથી ઘટી ૩.૬૦ ટકા પર આવી ગયું છે. નીતિવિષયક ટેકા, નિયમનકારી દરમિયાનગીરી તથા કોરોના બાદ આર્થિક રિકવરીને કારણે એનપીએના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું.
જો કે અમેરિકા દ્વારા લાગુ કરાયેલા ટેરિફને કારણે વર્તમાન નાણાં વર્ષમાં એનપીએનું પ્રમાણ સાધારણ વધી ૩.૭૦ ટકાથી ૩.૯૦ ટકાની વચ્ચે રહેવાની શકયતા છે. ૩૧મી માર્ચ ૨૦૨૪ના અંતે એમએસએમઈની બાકી પડેલી લોનનો આંક રૂપિયા ૨૮,૦૪,૫૧૧ કરોડ હતો.
વર્તમાન વર્ષના આગસ્ટમાં અમેરિકા ખાતે ભારતની નિકાસ સતત ત્રીજા મહિને ઘટી છે. ટેરિફને પરિણામે ઓગસ્ટમાં અમેરિકા ખાતે ભારતની નિકાસમાં જુલાઈની સરખામણીએે ૧૬.૩૦ ટકા ઘટી ૬.૭૦ અબજ ડોલર રહી છે. આ અગાઉ જુલાઈમાં ૩.૬૦ ટકા અને જૂનમાં મેની સરખામણીએ ૫.૭૦ ટકા ઘટાડો જોવા મળ્યો હતો. નિકાસમાં થઈ રહેલા ઘટાડાને ધ્યાનમાં રાખી એજન્સીની એનપીએ અંગેની ધારણાં આવી પડી છે.