અમેરિકાના ઊંચા ટૅરિફથી લેધર ઉદ્યોગની આવક 10થી 12 ટકા ઘટવાની શક્યતા | મુંબઈ સમાચાર
વેપાર

અમેરિકાના ઊંચા ટૅરિફથી લેધર ઉદ્યોગની આવક 10થી 12 ટકા ઘટવાની શક્યતા

નવી દિલ્હીઃ અમેરિકા દ્વારા ભારતથી થતી આયાત સામે લાદવામાં આવેલી 50 ટકા જેટલી ઊંચી ટૅરિફને કારણે વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતીય લેધર અને લેધર સંલગ્નિત ઉત્પાદક કંપનીઓની આવકમાં 10થી 12 ટકાનો ઘટાડો થવાની શક્યતા અગ્રણી રેટિંગ એજન્સી ક્રિસિલ રેટિંગ્સે એક અહેવાલમાં વ્યક્ત કરી છે.

હાલમાં નિકાસ પર નોંધપાત્ર રીતે ધ્યાન કેન્દ્રિત કરતી કંપનીઓ નિકાસમાં ઘટાડાનો સામનો કરી રહી છે. તેમ છતાં સ્થાનિક સ્તરે આવકવેરામાં કરવામાં આવેલા ઘટાડા, નીચા વ્યાજદર અને ગૂડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સના દરમાં તાર્કિકરણ કરવામાં આવ્યું હોવાથી સ્થાનિક માગમાં સુધારાતરફી વલણ જોવા મળી રહ્યું હોવાનું અહેવાલમાં જણાવ્યું છે.

આ પણ વાંચો: અમેરિકાએ ચીનથી આયાત સામે ટૅરિફ વધારતા ધાતુમાં ગાબડાં

અમેરિકાએ ભારતથી થતી આયાત સામે 25 ટકા રેસિપ્રોકલ ટૅરિફ ઉપરાંત રશિયાથી થઈ રહેલી તેલની ખરીદીને ધ્યાનમાં લેતા અતિરિક્ત 25 ટકા એમ કુલ 50 ટકા ટૅરિફ લાદી હોવાથી નિકાસમાં ઘટાડો થવાને કારણે લેધર અને લેધર સંલગ્નિત ઉત્પાદન ઉદ્યોગની વર્તમાન નાણાકીય વર્ષની આવક અથવા તો રૅવેન્યૂમાં 10થી 12 ટકાનો ઘટાડો જોવા મળે તેવી શક્યતા અહેવાલમાં વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગત નાણાકીય વર્ષ 2025માં લેધર અને લેધર સંલગ્નિત ચીજોની કુલ આવક રૂ. 56,000 કરોડની હતી જેમાં નિકાસનો હિસ્સો 70 ટકા જેટલો હતો અને તેમાં યુરોપ ખાતેની નિકાસનો હિસ્સો 50 ટકા કરતાં વધુ અને અમેરિકા ખાતેની નિકાસનો હિસ્સો બાવીસ ટકા જેટલો રહ્યો હતો.

આ પણ વાંચો: ટૅરિફ હવે હથિયાર બન્યા, ભારત વૈશ્વિક દબાણ સામે નમશે નહીંઃ ચૌહાણ

એકંદરે અમેરિકાએ ગત ઑગસ્ટ મહિનાથી અમેરિકાએ 25 ટકા રેસિપ્રોકલ ટૅરિફનો અમલ કર્યો ત્યારથી જ અમેરિકાની નિકાસ માગ પર માઠી અસર જોવા મળી હતી. વધુમાં 27મી ઑગસ્ટથી વધારાની 25 ટકા ટૅરિફ અમલી થવાથી નિકાસ પર વધુ અસર પડી હતી, જ્યારે કમ્બોડિયા, ઈટાલી, વિયેટનામ અને ફ્રાન્સ જેવા દેશો પર 15થી 20 ટકા ટૅરિફ લાદવામાં આવી છે.

ક્રિસિલ રેટિંગ્સનાં ડિરેક્ટર જયશ્રી નંદકુમારે જણાવ્યું હતું કે ટૅરિફને પગલે લેધર ઉદ્યોગમાં ઓર્ડરો ઘટવાથી અમેરિકાનાં નિકાસ વૉલ્યૂમમાં 13થી 14 ટકા જેટલો ઘટાડો થશે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button