અમેરિકાના શટડાઉનના અંત માટેનાં મતદાન પૂર્વે વૈશ્વિક સોનામાં ટકેલું વલણ, ચાંદીમાં સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવમાં આજે ગવર્મેન્ટ શટડાઉનના અંત માટે થનારા મતદાન પૂર્વે લંડન ખાતે સોનાના ભાવમાં સાંકડી વધઘટે ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીના ભાવમાં એક ટકા જેટલો ઉછાળો આવ્યો હોવાના અહેવાલને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 235થી 236નો ઘટાડો આવ્યો હતો.
જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 13 પૈસા નબળો પડ્યો હોવાથી આયાત પડતરો વધવાને કારણે ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો, જ્યારે ચાંદીમાં વિશ્વ બજાર પાછળ સટ્ટાકીય આકર્ષણ જળવાઈ રહેતાં ભાવ વધુ કિલોદીઠ રૂ. 1945 વધી આવ્યા હતા.
આપણ વાચો: દિવાળી બાદ સોનાના ભાવ તૂટ્યા; આ કારણે થઇ રહ્યો છે ઘટાડો
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલીનું આકર્ષણ જળવાઈ રહેવાની સાથે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 1945ના સુધારા સાથે રૂ. 1,56,705ની સપાટીએ રહ્યા હતા.
વધુમાં આજે વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાથી તેમ જ સ્થાનિક સ્તરે ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરારહિત ધોરણે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 235ના ઘટાડા સાથે રૂ. 1,23,417 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 236 ઘટીને રૂ. 1,23,913ના મથાળે રહ્યા હતા.
આપણ વાચો: ગજબઃ સોનાના ભાવ આસમાને પણ એફઆઈઆરમાં જૂના ભાવનો જ ઉલ્લેખ, કારણ શું?
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આૈંસદીઠ 4124.17 ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા અને વાયદામાં ભાવ 0.3 ટકા વધીને 4130 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ એક ટકો વધીને આૈંસદીઠ 51.76 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકા ખાતે ગવર્મેન્ટ શટડાઉનનો અંત આવે અને સરકારી આર્થિક આંકડાઓની જાહેરાત થતા અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાત અંગે કેવું વલણ અપનાવે તેના અણસાર મળે તે માટે રોકાણકારોની નજર આજે અમેરિકી હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવમાં શટડાઉનના અંત માટે થનારા મતદાન પર હોવાનું યુબીએસના વિશ્લેષક ગિઓવન્ની સ્ટુનોવોએ જણાવતા ઉમેર્યું હતું કે શટડાઉનના અંતને બાદ કરતાં અન્ય કોઈ પરિબળોમાં ફેરફાર ન થયા હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સોનામાં સ્થિર વલણ જોવા મળ્યા બાદ પુનઃ ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળે તેવી શક્યતા નકારી ન શકાય.
નોંધનીય બાબત એ છે કે વૈશ્વિક સ્તરે ભૂરાજકીય તણાવ, આર્થિક તણાવ, ફેડરલની હળવી નાણાનીતિનો આશાવાદ, ડિડૉલરાઈઝેશન, એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં આંતરપ્રવાહ અને કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલી જેવા કારણોસર આ વર્ષમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 57 ટકા જેટલો ઉછાળો આવી ગયો છે અને ગત 20મી ઑક્ટોબરના રોજ ભાવ આૈંસદીઠ 4381.21 ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચી ગયા હતા.
તાજેતરમાં વૈશ્વિક સોનાએ કોન્સોલિડેશન પશ્ચાત્ આૈંસદીઠ 4050 ડૉલરની સપાટી કુદાવી છે જે તેજીનું વલણ જળવાઈ રહેવાનો નિર્દેશ આપે છે. હવે આગામી પ્રતિકારક સપાટી આૈંસદીઠ 4160થી 4170 ડૉલર આસપાસની છે અને આ સપાટી કુદાવતા ભાવ વધીને આૈંસદીઠ 4380 ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા એએનઝેડએ એક નોટ્સમાં વ્યક્ત કરી છે.
આ સિવાય જેપી મોર્ગને કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલીને ટેકે વર્ષ 2026નાં ચોથા ત્રિમાસિકગાળામાં સોનાના ભાવ આૈંસદીઠ 5000 ડૉલરની સપાટી પાર કરે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.



