શુદ્ધ સોનું રૂ. 387 વધીને ફરી રૂ. એક લાખની પાર, ચાંદી રૂ. 1537 ચમકી
અમેરિકામાં ફુગાવામાં અપેક્ષા કરતાં ઓછી વૃદ્ધિઃ વ્યાજદરમાં કપાતની શક્યતા પ્રબળ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ગત જુલાઈ મહિનામાં અમેરિકામાં ફુગાવા અથવા તો ક્નઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સમાં બજારની 0.3 ટકાની વૃદ્ધિની અપેક્ષા સામે 0.2 ટકા વધી આવ્યો હોવાન નિર્દેશો સાથે અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા પ્રબળ બનતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદાના ભાવમાં તથા ચાંદીના ભાવમાં 1.2 ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે મધ્યસત્ર દરમિયાન ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી રૂ. 1537નો ચમકારો આવ્યો હતો, જ્યારે સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 386થી 387 વધી આવ્યા હતા, જેમાં શુદ્ધ સોનાના ભાવે ફરી રૂ. એક લાખની સપાટી કુદાવી હતી.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વિશ્વ બજારમાં ચાંદીના ભાવ એક ટકા કરતાં વધુ ઉછળી આવ્યાના અહેવાલને ધ્યાનમાં લેતા સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નીચા મથાળેથી નીકળેલી સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 1537ના ચમકારા સાથે રૂ. 1,14,850ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સોનામાં પણ મધ્યસત્ર દરમિયાન 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરારહિત ધોરણે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 386 વધીને રૂ. 99,656 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 387 વધીને રૂ. 1,00,057ના મથાળે રહ્યા હતા. જોકે, સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી હતી, પરંતુ જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: સોનાની લગડી પર ઊંચા ટૅરિફને ટ્રમ્પના રદિયાથી હાજર સોનામાં 1.50 ટકાના કડાકા બાદ ધીમો સુધારો
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે લંડન ખાતે સત્રના આરંભે સપ્ટેમ્બરમાં રેટ કટના આશાવાદ હેઠળ હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા વધીને આૈંસદીઠ 3355.30 ડૉલર અને વાયદામાં ભાવ 0.2 ટકા વધીને 3405.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ 1.2 ટકાના ઉછાળા સાથે આૈંસદીઠ 38.35 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.
એકંદરે અમેરિકામાં ફુગાવામાં ઘટાડાની સાથે વ્યાજદરમાં કપાતનો આશાવાદ સપાટી પર આવવાની સાથે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ રહેતાં સોનામાં સુધારો જોવા મળ્યો હતો. જોકે, આગામી શુક્રવારે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વલ્દમિર પુતિન સાથે યુક્રેનના મુદ્દે યોજાનારી બેઠકને ધ્યાનમાં લેતા સુધારો મર્યાદિત રહ્યો હોવાનું કેસીએમ ટ્રેડના વિશ્લેષક ટીમ વૉટરરે જણાવતા ઉમેર્યું હતું કે જો આ બેઠકમાં યુદ્ધ વિરામ અંગે કોઈ નક્કર પરિણામ ન આવે તો સોનાના ભાવમાં આૈંસદીઠ 3400 ભણીની આગેકૂચ જોવા મળી શકે છે.
આ પણ વાંચો: સેબીએ રોકાણકારોના હિતમાં લીધો મોટો નિર્ણય, મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરનો ટ્રાન્ઝેક્શન ચાર્જ નાબૂદ
ગત જુલાઈ મહિનામાં અમેરિકાનો ક્નઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સમાં આગલા જૂન મહિનામાં જોવા મળેલી 0.3 ટકાની વૃદ્ધિ સામે 0.2 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી અને ફુગાવો વધીને 2.7 ટકાના સ્તરે રહ્યો હતો. જોકે, બજાર વર્તુળો ફુગાવામાં 0.3 ટકાની વૃદ્ધિ રાખી રહ્યા હોવાથી ફેડરલ દ્વારા આગામી સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં કપાત મૂકવામાં આવે તેવી શક્યતા પ્રબળ બની હતી. તેમ જ સીએમઈ ફેડ વૉચ ટૂલ પર હવે સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કપાતની 90 ટકા ધારણા બજાર વર્તુળો રાખી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે વ્યાજદરમાં કપાતનાં સંજોગોમાં રોકાણકારોની સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં લેવાલી રહેતી હોય છે. જોકે, હવે રોકાણકારોની નજર સપ્તાહના અંતે જાહેર થનારા અમેરિકાનાં પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્, બેરોજગારી તથા રિટેલ વેચાણના ડેટા પર સ્થિર થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.