ડૉલર સામે રૂપિયામાં નવ પૈસાની આગેકૂચ…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય બજારમાં આજે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવઘટાડો, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં ચોખ્ખી લેવાલી રહી હોવાના અહેવાલ સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના બંધ સામે નવ પૈસાના સુધારા સાથે 87.93ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 88.02ના બંધ સામે સુધારાના અન્ડરટોને 87.94ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 87.97 અને ઉપરમાં 87.74 સુધી મજબૂત થયા બાદ અંતે નવ પૈસાના સુધારા સાથે 87.93ની સપાટીએ બંધ રહ્યો હતો.
રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ રૂપિયો 88ની નીચી સપાટીએ ખૂલે તેવી બાંયધરી આપી હતી. જોકે, ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલની સ્થિતિમાં કોઈ ફેરફારો નથી થયા, જ્યારે અમેરિકા અને ચીન વચ્ચે સરકારી અધિકારીઓ દ્વારા થઈ રહેલી વાટાઘાટોમાં ઉકેલ આવે તેવો આશાવાદ સેવાઈ રહ્યો હોવાનું મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે આવતીકાલે મંગળવારની અને બુધવારની રજા પશ્ચાત્ ડૉલર સામે રૂપિયો 87.70થી 88.30ની રેન્જમાં રહે તેવી શક્યતા જણાય છે.
દરમિયાન આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે 0.36 ટકા ઘટીને બેરલદીઠ 61.07 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 411.18 પૉઈન્ટનો અને 133.30 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી તેમ જ ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 308.98 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સ 0.1 ટકા વધીને 98.53 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.