અમેરિકાએ ચીનથી આયાત સામે ટૅરિફ વધારતા ધાતુમાં ગાબડાં

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકાએ આગામી પહેલી નવેમ્બરથી અમલી બને તેમ ચીનથી થતી આયાત સામે 100 ટકા અતિરિક્ત ટૅરિફ લાદવાની જાહેરાત કરતાં ગઈકાલે વૈશ્વિક બજારમાં કોપર સહિતની વિવિધ ધાતુઓમાં પીછેહઠ જોવા મળી હોવાના ઓવરનાઈટ અહેવાલોને ધ્યાનમાં લેતા આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ સપ્તાહના અંતે માત્ર એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ તથા લીડ ઈન્ગોટ્સમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં અન્ય તમામ ધાતુઓના ભાવમાં કિલોદીઠ રૂ. બેથી 59 સુધીના કડાકા જોવા મળ્યા હતા. વધુમાં ભાવઘટાડો આગળ ધપે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની લેવાલી પણ ખપપૂરતી મર્યાદિત રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની લેવાલી નિરસ રહેતાં એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ તથા લીડ ઈન્ગોટ્સમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં અન્ય તમામ ધાતુઓમાં કડાકા બોલાઈ ગયા હતા, જેમાં મુખ્યત્વે ટીનના ભાવ કિલોદીઠ રૂ. 59 ઘટીને રૂ. 3286, કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. 36 ઘટીને રૂ. 999, કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. 29 ઘટીને રૂ. 917, કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. 24 ઘટીને રૂ. 902, કોપર કેબલ સ્ક્રેપ અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. 23 ઘટીને અનુક્રમે રૂ. 932 અને રૂ. 845, બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. 20 ઘટીને રૂ. 635, નિકલના ભાવ કિલોદીઠ રૂ. 13 ઘટીને રૂ. 1350, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. 12 ઘટીને રૂ. 593 અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ તથા ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને અનુક્રમે રૂ. 266 અને રૂ. 294ના મથાળે રહ્યા હતા.
જાકે, આજે માત્ર એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ તથા લીડ ઈન્ગોટ્સમાં ખપપૂરતી છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. 217 અને રૂ. 185ના મથાળે ટકેલા રહ્યાના અહેવાલ હતા.