
નવી દિલ્હી: સંસદનું બજેટ સત્ર ૨૮ જાન્યુઆરીથી શરૂ થશે, જ્યારે કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ૧ ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. આ માહિતી શુક્રવાર, નવમી જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ દ્વારા રજૂ કરાયેલ એક નોંધ દ્વારા જાહેર કરવામાં આવી હતી.
સત્તાવાર નોંધ અનુસાર, બજેટ સત્ર ૨૮ જાન્યુઆરી ૨૦૨૬થી શરૂ થશે અને બીજી એપ્રિલ ૨૦૨૬ સુધી ચાલુ રહેશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ સમાપ્ત થશે, જ્યારે સંસદ બીજા તબક્કા માટે નવમી માર્ચ ૨૦૨૬ના રોજ એકત્ર થશે.
સરકાર ૨૯ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ આર્થિક સર્વેક્ષણ ૨૦૨૫-૨૬ રજૂ કરશે અને ૨૦૨૬-૨૭ માટે કેન્દ્રિય અંદાજપત્ર પહેલી ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે. બજેટ શેડ્યૂલ અંતર્ગત, બજેટ સત્રનો પ્રથમ તબક્કો ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ સમાપ્ત થશે, જ્યારે સંસદ બીજા તબક્કા માટે નવમી માર્ચ ૨૦૨૬ના રોજ બેઠક યોજશે.
બજેટ સત્ર માટેની મુખ્ય તારીખો સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ દ્વારા નક્કી કરવામાં આવી છે, જે મુજબ, સંસદીય સત્રનો પ્રથમ ભાગ ૨૮ જાન્યુઆરીથી ૧૩ ફેબ્રુઆરી સુધી ચાલશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ૨૮ જાન્યુઆરીએ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરશે, જ્યારે આર્થિક સર્વે ૨૯ જાન્યુઆરીએ રજૂ કરવામાં આવશે.
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સતત નવમી વખત કેન્દ્રીય બજેટ રજૂ કરશે, જ્યારે આઝાદી પછીનું દેશનું આ ૮૮મું બજેટ હશે. અગાઉ, દેશનું આર્થિક અંદાજપત્ર ૨૮ ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવતું હતું, પરંતુ ૨૦૧૭ થી, તે પહેલી ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવે છે. આવું એટલા માટે છે કારણ કે બજેટ દરખાસ્તો આગામી નાણાકીય વર્ષથી, એટલે કે પહેલી એપ્રિલથી લાગુ થઈ શકે છે. બજેટ સામાન્ય રીતે લોકસભામાં સવારે ૧૧ વાગ્યે રજૂ કરવામાં આવે છે.



