વેપાર

શૅરબજારમાં ચૂંટણી પરિણામ અંગેની અનિશ્ર્ચિતતા અને ડેટાથી ભરપૂર સપ્તાહ દરમિયાન ભારે અફડાતફડીની સંભાવના

બિગ બેરીશ કેન્ડલ પેટર્નમાં મંદીના સંકેત, નિફ્ટીએ ૨૨,૩૦૦ની ઉપર નિર્ણાયક બંધ આપવો અનિવાર્ય

ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા

મુંબઈ: આજે સોમવારથી શરૂ થઇ રહેલા લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કાની ગતિવિધી, ચોથા ક્વાર્ટરના પરિણામ, ફુગાવાના ડેટા અને એફઆઇઆઇનું વલણ આ સપ્તાહે બજારની દિશા નક્કી કરશે. ચૂંટણીની આસપાસના સમાચારો અને અટકળોનો પ્રવાહ પણ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર ખાસ અસર બતાવશે. આ ઉપરાંત વૈશ્ર્વિક ક્રૂડ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડની હિલચાલ અને કરન્સી માર્કેટમાં રૂપિયા-ડોલરની વધઘટ પણ બજારની ચાલને પ્રભાવિત કરશે.

મતદાનનું પ્રમાણ ઓછું રહ્યું હોવાથી ચૂંટણી પરિણામ અંગેની અનિશ્ર્ચિતતાને કારણે સ્થાનિક બજારોમાં વર્તમાન વલણ ટૂંકા ગાળામાં ચાલુ રહેવાની શક્યતા છે. આગળના ડેટાથી ભરપૂર સપ્તાહમાં, રોકાણકારોનું ધ્યાન ભારત અને યુએસ સીપીઆઈ ડેટા, યુરોપ અને જાપાનના જીડીપી રીલીઝ અને ફેડરલના ચેરમેનની સ્પીચ પર કેન્દ્રિત રહેશે. વધુમાં, ચોથા ક્વાર્ટરના પરિણામોનો આગામી સેટ પણ બજારના સેન્ટિમેન્ટને આકર્ષિત કરશે.

ટેકનિકલ ધોરણે બજારે બિગ બેરીશ કેન્ડલ પેટર્નની રચના કરી છે, તે જોતા નિષ્ણાતો જણાવે છે કે નિફઅટી જો ૨૨,૩૦૦ની ઉપ મક્કમ બંધ નહીં આપે તો મંદીવાળા હાવી રહે એવી સંભાવના છે. શેરબજાર માટે પાછલુ સપ્તાહ ખૂબ ઊથલપાથલભર્યું અને રોકાણકારો માટે નુકસાનકારક રહ્યું હતું. માર્કેટ કેપિટલ અથવા રોકાણકારોની સંપત્તિમાં જબરૂ ધોવાણ નોંધાયું છે. સમીક્ષા હેઠળના ૦૬ મે, ૨૦૨૪થી ૧૦ મે, ૨૦૨૪ દરમિયાનના સપ્તાહમાં વિદેશી ફંડોની એકધારી વેચવાલીને કારણે બજારનું માનસ ખોરવાયું હતું.

સેન્સેક્સ પાછલા અઠવાડિયે, બીએસઇ બેન્ચમાર્ક ૧,૨૧૩.૬૮ પોઈન્ટ્સ અથવા ૧.૬૪ ટકા, અને નિફ્ટી ૪૨૦.૬૫ પોઈન્ટ્સ અથવા ૧.૮૭ ટકા ઘટ્યો હતો. એફઆઈઆઈએ કુલ રૂ. ૨૧,૯૦૦ કરોડની ચોખ્ખી વેચવાલી નોંધાવી હતી અને માર્કેટ કેપમાં રૂ. ૯.૬૮ લાખ કરોડનું ધોવાણ થયું હતું. આ સપ્તાહના અંતે માર્કેટ કેપ રૂ. ૩૯૬.૫૬ લાખ કરોડ રહ્યું હતું, જે ત્રીજી મે, શુક્રવારના અંતે રૂ. ૪૦૬.૨૪ લાખ કરોડ હતું. નિષ્ણાતો માને છે કે, સ્થાનિક સેન્ટિમેન્ટ નકારાત્મક હોવા છતાં, વૈશ્ર્વિક બજારોમાં, ખાસ કરીને અમેરિકન શેરબજારમાં જોવા મળેલી મજબૂતાઈએ ઘટાડાની ગતિને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. રોકાણકારો માટે સ્થાનિક અને વૈશ્ર્વિક બંને બજારો પર ઝીણી નજર રાખવી જરૂરી છે.

અ સપ્તાહે સ્થાનિક અને વૈશ્ર્વિક બંને મોરચે આર્થિક ડેટાનો મારો થવાનો છે. સ્થાનિક રીતે, ક્ધઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) અને જથ્થાબંધ ભાવ સૂચકાંક (ડબલ્યુપીઆઇ) પર રોકાણકારો ફોકસ કરશે અને વૈશ્ર્વિક સ્તરે, યુએસ પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ (પીઆઇઆઇ) અને ક્ધઝ્યુમર પ્રાઇસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

એ જ સાથે, ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલનું પ્રવચન આપ્તાહની મુખ્ય ઘટના બની રહેશે. ચીનના ઔદ્યોગિક ઉત્પાદનના ડેટા અને જાપાનના જીડીપીના આંકડા પણ ગ્લોબલ માર્કેટના સેન્ટિમેન્ટને અસર કરશે અને તેની અસર સ્થાનિક બજાર પર જોવા મળશે. આ અઠવાડિયે ૨૦૦થી વધુ કંપનીઓ તેમના પરિણામો જાહેર કરશે. ઝોમેટો, આઇનોક્સ ઇન્ડિયા, વરૂણ બેવરેજિસ, ભારતી એરટેલ, પીવીઆર આઇનોક્સ, રેડિકો ખેતાન, એડલવાઇસ ફાઇનાન્સિયલ સર્વિસીસ, આંધ્ર સિમેન્ટ, મેનકાઇન્ડ ફાર્મા, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન, આરવીએનએલ, ટિટાગઢ રેલ વિકાસ નિગમ અને કૌક્યો કેમલિન તેમાં મુખ્ય છે.

પ્રાઇમરી માર્કેટની હલચલમાં મેઈનબોર્ડ આઈપીઓમાં, ગો ડિજિટ જનરલ ઈન્સ્યોરન્સ ૧૫ મેના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને ૧૭ મેના રોજ બંધ થશે. આધાર હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ અને ટીબીઓ ટેક લિમિટેડ ૧૫ મેના રોજ બોર્સીસ પર લિસ્ટ થશે. ઈન્ડિજેન લિમિટેડ ૧૩ મેના રોજ એક્સચેન્જમાં લિસ્ટ કરશે.

એસએમઇ સેગમેન્ટમાં રૂલ્કા ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ ૧૬ મેના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને ૨૧ મેના રોજ બંધ થશે. ક્વેસ્ટ લેબોરેટરીઝ લિમિટેડ ૧૫ મેના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને ૧૭ મેના રોજ બંધ થશે. ઈન્ડિયન ઇમલ્સિફાયર લિમિટેડ ૧૩ મેના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને ૧૬ મેના રોજ બંધ થશે.

વીતેલા સપ્તાહમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ રોકડ સેગમેન્ટમાં આશરે રૂ. ૮૨,૮૦૦ કરોડના શેરનું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)એ આશરે રૂ. ૫૨,૧૫૨ કરોડના મૂલ્યના શેરોનું વેચાણ કર્યું હતું. બીજી તરફ, એફઆઇઆઇએ લગભગ રૂ. ૬૧,૨૬૪ કરોડની કિંમતની ઇક્વિટી ખરીદી હતી અને ડીઆઇઆઇએ આશરે રૂ. ૬૯,૩૫૪ કરોડની કિંમતની ખરીદી કરી હતી. એફઆઇઆઇની ભારે વેચવાલી અને ચાલી રહેલી સામાન્ય ચૂંટણીના પરિણામોની ચિંતાએ બજારોમાં એકંદર દબાણમાં વધારો કર્યો છે.

બ્રોડ બેઝ્ડ ઈન્ડેક્સમાં બીએસઈ-૧૦૦ ઈન્ડેક્સ ૧.૮૩ ટકા, બીએસઈ-૨૦૦ ઈન્ડેક્સ ૨.૦૪ ટકા, બીએસઈ-૫૦૦ ઈન્ડેકસ ૨.૨૫ ટકા, બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ ૩.૨૭ ટકા અને સ્મોલ કેપ ઈન્ડેક્સ ૩.૮૦ ટકા ઘટ્યા હતા. આઈપીઓ ૩.૫૨ ટકા અને એસએમઈ આઈપીઓ ૦.૨૪ ટકા ઘટ્યા હતા. કાર્બોનેક્સ ૧.૮૨ ટકા અને એસએન્ડપી બીએસઈ ગ્રીનેક્સ ૦.૭૩ ટકા ઘટ્યા હતા. સેકટરલ ઈન્ડેક્સમાં એફએમસીજી ૧.૨૯ ટકા, ઓટો ૧.૨૫ ટકા અને ટેક ૦.૩૪ ટકા વધ્યા હતા જ્યારે પીએસયુ ૪.૮૪ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૪.૭૬ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૪.૫૦ ટકા, રિયલ્ટી ૩.૧૧ ટકા, પાવર ૨.૯૩ ટકા, કેપિટલ ગુડ્સ ૨.૬૦ ટકા, હેલ્થકેર ૨.૪૬ ટકા, બેન્કેક્સ ૨.૨૭ ટકા, આઈટી ૦.૫૯ ટકા અને મેટલ ૦.૩૨ ટકા ઘટ્યા હતા.

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી વધેલા પાંચ શેરોમાં હિન્દુસ્તાન યુનિલિવર ૬.૦૧ ટકા, કોટક મહિન્દ્રા બેન્ક ૫.૧૧ ટકા, ટાટા મોટર્સ ૩.૧૬ ટકા, નેસ્લે ઈન્ડિયા ૩.૦૫ ટકા અને ભારતી એરટેલ ૧.૯૬ ટકા ઊછળ્યો હતો. જ્યારે સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી ઘટેલા પાંચ શેરોમાં ટાઈટન ૭.૪૨ ટકા, લાર્સન એન્ડ ટ્રુબ્રો ૬.૯૬ ટકા, એચડીએફસી બેન્ક ૫.૬૪ ટકા, એશિયન પેઈન્ટ્સ ૫.૫૮ ટકા અને ઈન્ડસઈન્ડ બેન્ક ૫.૧૯ ટકા ગબડ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button