યુએઈ સાથેના કરારથી કોપરની આયાત વધવાની ઉદ્યોગમાં ભીતિ | મુંબઈ સમાચાર
વેપાર

યુએઈ સાથેના કરારથી કોપરની આયાત વધવાની ઉદ્યોગમાં ભીતિ

નવી દિલ્હીઃ યુએઈ સાથેનાં કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રિમેન્ટ (સીઈપીએ)થી દેશમાં કોપર રોડની આયાતમાં ઉછાળો આવવાની ચિંતા ઈન્ડિયન પ્રાઈમરી કોપર પ્રોડ્યુસર્સ એસોસિયેશન (આઈપીસીપીએ)એ વ્યક્ત કરતાં ચેતવણી આપી હતી કે આયાતમાં વધારો થવાથી સ્થાનિક કોપર રિફાઈનિંગ ઉદ્યોગમાં થતાં રોકાણ પર માઠી અસર પડશે.

વર્ષ 1996થી હિન્દુસ્તાન કોપર લિ., હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, વેદાંતા લિ. અને કચ્છ કોપર લિ. જેવાં ભારતીય ઉત્પાદકોએ સ્થાનિકમાં નાણાકીય વર્ષ 2025ની અપેક્ષિત 8.5 લાખ ટનની માગ સામે 12.5 લાખ ટનની રિફાઈનિંગ ક્ષમતા વિસ્તરણ કરી છે. તેમ જ ભવિષ્યમાં પણ રિફાઈનિંગ ક્ષમતા વધારવા ની કંપનીઓ યોજના ધરાવી રહી છે. જોકે, આઈપીસીપીએએ વાણિજ્ય મંત્રાલયને પત્ર લખીને જણાવ્યું હતું કે યુએઈ સાથેના કરારને કારણે કંપનીઓની યોજનાઓમાં મહત્ત્વપૂર્ણ અંતરાય ઊભો કરે છે. કેમ કે યુએઈ પાસે તાંબાની ખાણ, સ્મેલ્ટિંગ અથવા તો રિફાઈનિંગનું માળખું ન હોવા છતાં તે ભારતમાં મામૂલી મૂલ્યવર્ધન સાથે કોપર રોડની નિકાસ કરે છે. યુએઈની કંપનીઓ આયાતી કોપર કેથોડને રોડમાં રૂપાંતરિત કરે છે. આ પ્રક્રિયાથી ટૅરિફનું વર્ગીકરણ બદલાય જાય છે અને મૂલ્યમાં નજીવો વાસ્તવિક ઉમેરો થાય છે.

આ પણ વાંચો: કોપરની વેરાઈટીઓમાં પીછેહઠ, ટીન અને નિકલમાં સુધારો

એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર નાણાકીય વર્ષ 2023 અને 2024માં સીઈપીએ હેઠળ તબક્કાવાર ટૅરિફમાં ઘટાડો થતાં આયાત ઓછી રહી હતી, પરંતુ મે, 2025માં કોપર રોડ પરની ડ્યૂટી જે બે ટકા હતી તે ઘટાડીને એક ટકો અને ત્યાર બાદ મે, 2026માં સંપૂર્ણપણે ડ્યૂટી દૂર થવાની શક્યતા હોવાથી આયાતમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. પરિણામે નાણાકીય વર્ષ 2025માં કોપર રોડની આયાત જે નાણાકીય વર્ષ 2024માં 43.45 કિલો ટનની હતી તે બમણી થઈને 86.06 કિલો ટનની સપાટીએ રહી હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button