ક્રૂડતેલના ભાવમાં કડાકા સાથે ડૉલર સામે રૂપિયામાં બાવીસ પૈસાનું બાઉન્સબૅક
મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદાના ભાવમાં ૧.૧૯ ટકાનું ગાબડું પડ્યું હોવાના નિર્દેશ અને એશિયન બજારમાં ડૉલર નબળો પડ્યો હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં વિક્રમ નીચી સપાટીએથી બાવીસ પૈસાનું બાઉન્સબૅક જોવા મળ્યું હતું અને સત્રના અંતે રૂપિયો ૮૩.૧૦ની સપાટીએ બંધ રહ્યો હતો. ગઈકાલની ગણેશચતુર્થીની જાહેર રજા બાદ આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત સોમવારના ૮૩.૩૨ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૨૨ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૨૭ અને ઉપરમાં ૮૩.૦૬ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે બાવીસ પૈસા વધીને ૮૩.૧૦ના મથાળે રહ્યો હતો. એકંદરે આજે એશિયન બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ તેમ જ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં રૂપિયામાં બાઉન્સબૅક જોવા મળ્યો હોવાનું એલકેપી સિક્યોરિટીઝનાં રિસર્ચ એનાલિસ્ટ જતીન ત્રિવેદીએ જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતે આગામી ટૂંકા સમયગાળામાં ડૉલર સામે રૂપિયો ૮૨.૭૫થી ૮૩.૩૫ આસપાસની રેન્જમાં અથડાતો રહે તેવી શક્યતા નકારી ન શકાય.
દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ઘટ્યા મથાળેથી ૦.૧૪ ટકાના સુધારા સાથે ૧૦૪.૬૮ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો.