(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે સપ્તાહના આરંભે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં હાજર ભાવમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૨૦નો ઘટાડો આવ્યો હતો, જ્યારે નાકા ડિલિવરી ધોરણે ખપપૂરતી માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.
દરમિયાન આજે અનાજ અને જાહેર વિતરણ વિભાગે આગામી નવેમ્બર મહિનાના મુક્ત વેચાણ માટે બાવીસ લાખ ટન ખાંડ છૂટી કરવામાં આવી હોવાનું એક યાદીમાં જણાવ્યું હતું. વધુમાં તાજેતરમાં અનાજ મંત્રાલયે ગત પહેલી ઑક્ટોબરથી શરૂ થયેલી વર્તમાન ખાંડ મોસમ માટે ૩.૩ કરોડ ટન ખાંડના ઉત્પાદનનો અંદાજ મૂક્યો છે, જે ૨.૯ કરોડ ટનની વપરાશી માગ તેમ જ ૪૫ લાખ ટન ઈથેનોલના ઉત્પાદન માટેની માગ માટે પર્યાપ્ત હોવાનું મંત્રાલયે ઉમેર્યું હતું.
દરમિયાન આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ તેમ જ રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં ઉપાડ લગભગ ૨૬થી ૨૭ ટ્રકનો રહ્યો હતો. તેમ જ ખપપૂરતી માગ રહેતાં સ્મોલ તથા મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૨૦ના ઘટાડા સાથે અનુક્રમે રૂ. ૩૬૯૨થી ૩૭૮૨માં અને રૂ. ૩૭૫૨થી ૩૯૫૬માં ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા.
જોકે, આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની ખપપૂરતી માગ જળવાઈ રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૩૦થી ૩૬૮૦માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૭૦થી ૩૭૬૦માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા.