ટ્રમ્પ અને શિ જિનપિંગની મુલાકાતથી વેપાર તણાવ હળવો થવાનો આશાવાદ | મુંબઈ સમાચાર
વેપાર

ટ્રમ્પ અને શિ જિનપિંગની મુલાકાતથી વેપાર તણાવ હળવો થવાનો આશાવાદ

વૈશ્વિક સોનાની નવ સપ્તાહની તેજીને બે્રકઃ સાપ્તાહિક ધોરણે સોનામાં ત્રણ ટકાનો અને ચાંદીમાં છ ટકાનો કડાકો
અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ શિ જિનપિંગ વચ્ચેની આગામી સપ્તાહે યોજાનારી બેઠકમાં વેપાર તણાવનો અંત આવે તેવી શક્યતા જણાતા ગત સપ્તાહના આરંભથી સોના અને ચાંદીમાં રોકાણકારોની નફારૂપી વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.

જોકે, સપ્તાહના અંતે શુક્રવારે જાહેર થયેલા અમેરિકાનાં સપ્ટેમ્બર મહિનાના ફુગાવામાં બજારની 3.1 ટકાની અપેક્ષિત વૃદ્ધિ સામે ત્રણ ટકાની વૃદ્ધિ જોવા મળી હોવાથી અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી 28-29 ઑક્ટોબરની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધુ 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી શક્યતા પ્રબળ બનવાની સાથે અમેરિકી ઈક્વિટી માર્કેટમાં સુધારો જોવા મળ્યો હતો તેમ જ સોના અને ચાંદીના ભાવમાં પણ ઘટાડો થોડો મંદ પડ્યો હતો.

તેમ છતાં સાપ્તાહિક ધોરણે સોનાના વૈશ્વિક ભાવમાં સતત નવ સપ્તાહ સુધી જોવા મળેલી તેજીને બે્રક લાગી હતી અને ત્રણ ટકા આસપાસનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ચાંદીના ભાવમાં સાપ્તાહિક ધોરણે છ ટકા જેટલો ભાવઘટાડો નોંધાયો હતો. જોકે, અમેરિકાએ ગત ગુરુવારે રશિયન તેલ કંપની રોસનેફ્ટ અને લુકૉઈલ પર નિયંત્રણો લાદતા અમુક અંશે સોનાને સલામતી માટેની માગનો પણ ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આપણ વાંચો: ચીનથી થતી આયાત સામે વધુ 100 ટકા ટૅરિફના મુદ્દે ટ્રમ્પનાં યુ ટર્નથી ડૉલર મજબૂત થતાં સોનાચાંદીની તેજીને પંક્ચર

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત સપ્તાહે વિશ્વ બજાર પાછળ સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. તેમ જ ગત સપ્તાહે દિવાળી-લક્ષ્મી પૂજનનો તહેવાર હોવાથી ખાસ માગમાં વૃદ્ધિ જોવા મળી હતી. જોકે, તેમાં ખાસ કરીને રોકાણલક્ષી માગ વધુ રહી હતી.

વધુમાં ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હોવાથી વધુ ભાવઘટાડાના આશાવાદને ધ્યાનમાં લેતા આગામી લગ્નસરા પેટેની ખરીદી અને નવા ઓર્ડરો માટે ઘણાંખરાં ગ્રાહકોએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાનું જ્વેલરોએ જણાવ્યું હતું. આમ એકંદરે આગલા સપ્તાહે ધનતેરસની અને ગત સપ્તાહે દિવાળીની માગ જળવાઈ રહેતાં સ્થાનિક સ્તરે ડીલરો સોનાના ભાવ વૈશ્વિક ભાવની સરખામણીમાં આૈંસદીઠ 25 ડૉલર આસપાસનાં પ્રીમિયમમાં ક્વૉટ કરી રહ્યાના અહેવાલ હતા.

ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહે સ્થાનિકમાં વેરારહિત ધોરણે ભાવમાં 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 17મી ઑક્ટોબરના 10 ગ્રામદીઠ રૂ. 1,29,584ના બંધ ભાવ સામે ઘટીને રૂ. 1,26,730ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 1,21,518 અને ઉપરમાં 1,27,633ની રેન્જમાં રહીને અંતે સાપ્તાહિક ધોરણે 6.22 ટકા અથવા તો રૂ. 8066ના ઘટાડા સાથે સપ્તાહની નીચી 1,21,518ની સપાટીએ બંધ રહ્યા હતા. તે જ પ્રમાણે હાજરમાં ચાંદીના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 17 ઑક્ટોબરનાં કિલોદીઠ રૂ. 1,69,230ના બંધ સામે નરમાઈના અન્ડરટોને નીચામાં રૂ. 1,60,100ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 1,47,033 અને ઉપરમાં રૂ. 1,63,050ની રેન્જમાં રહ્યા બાદ અંતે સાપ્તાહિક ધોરણે 13.11 ટકા અથવા તો કિલોદીઠ રૂ. 1,47,033ની સપ્તાહની નીચી સપાટીએ બંધ રહ્યા હતા.

આપણ વાંચો: ટ્રમ્પની ચીન પરની ટૅરિફની ધમકીઃ વૈશ્વિક સોનાચાંદી નવી ટોચે

વધુમાં ગત સપ્તાહે સોનાના વૈશ્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે પાંખાં કામકાજો વચ્ચે હાથબદલાનું પ્રમાણ વધુ રહ્યું હતું. વાસ્તવમાં ગત સપ્તાહે વૈશ્વિક સોનાની રેન્જ આૈંસદીઠ 4000થી 4300 ડૉલર આસપાસની રહી હોવાથી ટ્રેડરોએ માલ ઓછો છૂટો કર્યો હોવાનું એમકેએસ પીએએમપીનાં રિજિનલ ડિરેક્ટર બર્નાર્ડ સિને જણાવતાં ઉમેર્યું હતું કે ગત સપ્તાહે વેચવાલ ઓછા હતા અને રોકાણકારોએ બજારની અનિશ્ચિતતા અને વ્યાજદરમાં કપાતના આશાવાદને ધ્યાનમાં રાખીને તેની પોઝિશન જાળવી રાખી હતી.

આમ પાંખાં કામકાજો વચ્ચે ચીનના ડીલરો સોનાના ભાવ આૈંસદીઠ 20 ડૉલરના ડિસ્કાઉન્ટથી લઈને આઠ ડૉલર સુધીના પ્રીમિયમમાં ઓફર કરી રહ્યાના અહેવાલ હતા.

એકંદરે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉર વધુ વકરે તેવી ભીતિ હેઠળ વિશ્વ બજારમાં છેલ્લા નવ સપ્તાહથી રોકાણકારોની સોના અને ચાંદીમાં સલામતી માટેની વ્યાપક માગ રહેતાં ભાવમાં એકતરફી તેજીનું વલણ જોવા મળ્યું હતું.

આપણ વાંચો: સોના-ચાંદીમાં આગઝરતી તેજીઃ ધનતેરસ અને દિવાળીના તહેવારોમાં આભૂષણોની માગ હોમાઈ જવાની ભીતિ છતાં રોકાણલક્ષી માગનો આશાવાદ

જોકે, આગલા સપ્તાહના અંત અથવા તો ગત 17મી ઑક્ટોબરે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ તેની એશિયાની મુલાકાતમાં ચીનના પ્રમુખ શિ જિનપિંગને મળે તેવી જાહેરાત થતાં ટ્રેડ વૉર શાંત પડે તેવી શક્યતાઓ સપાટી પર આવતાં રોકાણકારોએ બન્ને કિંમતી ધાતુઓમાં નફો ગાંઠે બાંધવાનું શરૂ કરતાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

જોકે, સપ્તાહના અંતે અમેરિકાના ફુગાવાના ડેટા બજારની અપેક્ષા કરતાં સારા આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ આગામી બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા પ્રબળ બની હોવાથી ગત શુક્રવારે ભાવઘટાડો થોડો મંદ પડ્યો હતો. તેમ છતાં ગત સપ્તાહે સાપ્તાહિક ધોરણે ચાંદીના વૈશ્વિક ભાવમાં છ ટકાનો અને સોનાના ભાવમાં ત્રણ ટકાનો ઘટાડો થયો હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે ગત સપ્તાહે સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં પણ પાંચ મહિનાના લાંબા સમયગાળા પછી બાહ્યપ્રવાહ જોવા મળ્યો હતો.

વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતા આગામી સપ્તાહે સોનાના વૈશ્વિક ભાવ માટે આૈંસદીઠ 4380 ડૉલરની સપાટી પ્રતિકારક સપાટી અને 4250 ડૉલરની સપાટી ટેકાની સપાટી પુરવાર થાય તેવી શક્યતા છે.

જો ટેકાની સપાટી તૂટે તો ભાવ ઘટીને 4170 ડૉલર સુધી પહોંચી શકે છે, જ્યારે આગામી સપ્તાહે ચાંદીના ભાવ આૈંસદીઠ 45.80 ડૉલરથી 54.50 ડૉલરની રેન્જમાં રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે આગામી સપ્તાહે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1,18,000થી 1,27,000ની રેન્જમાં અને ચાંદીના વાયદામાં ભાવ કિલોદીઠ રૂ. 1,32,500થી 1,60,000ની રેન્જમાં રહે તેવી ધારણા વ્યક્ત કરી હતી.

ગત સપ્તાહના અંતે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજરમાં સોનાના ભાવમાં એક તબક્કે આગલા બંધ સામે બે ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો, પરંતુ અમેરિકાના ફુગાવાના ડેટા અપેક્ષાથી સારા આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધુ 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી શક્યતા વધુ પ્રબળ થતાં ભાવ આગલા બંધ સામે માત્ર 0.2 ટકા ઘટીને આૈંસદીઠ 4118.29 ડૉલર અને ડિસેમ્બર વાયદામાં ભાવ 02 ટકા ઘટીને 4137.8 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ 0.6 ટકા ઘટીને આૈંસદીઠ 48.65 ડૉલર આસપાસના મથાળે રહ્યા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે ગત સોમવારે સોનાના વૈશ્વિક ભાવ વધીને આૈંસદીઠ 4381.21 ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા હતા, પરંતુ અમેરિકા અને ચીન વચ્ચે વેપાર તણાવ હળવો થવાના આશાવાદ સપાટી પર આવતા સલામતી માટેની માગમાં ઘટાડો થયો હતો અને નફારૂપી વેચવાલીનું દબાણ વધ્યું હતું.

હાલના તબક્કે વૈશ્વિક સોનામાં આૈંસદીઠ 4000 ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી છે અને જો ભાવ 4000 ડૉલરની અંદર જશે તો 3850 ડૉલર સુધી ઘટે તેવી શક્યતા બ્લ્યુલાઈન ફ્યુચર્સનાં ચીફ માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ ફિલિપ સ્ટ્રિબલે વ્યક્ત કરી હતી.

નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે સોનાના ભાવ નોંધપાત્ર ઘટ્યા હોવા છતાં વર્ષ 2025માં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં પંચાવન ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જોકે, હવે રોકાણકારોની નજર આગામી 28-29 ઑક્ટોબરની અમેરિકી ફેડરલ રિઝર્વની બેઠક પર સ્થિર થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button