અમેરિકાની ટ્રેડ ડીલની પ્રગતિના અહેવાલે વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 284ની અને ચાંદીમાં રૂ. 556ની પીછેહઠ
બ્રિક્સ દેશો પર 10 ટકા અતિરિક્ત ટૅરિફ લાદવા ટ્રમ્પની ધમકી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વિશ્વના ઘણાંખરા વેપારી ભાગીદાર દેશો સાથે ટ્રેડ ડીલમાં પ્રગતિ થઈ રહી હોવાનું અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે જણાવવાની સાથે પહેલી ઑગસ્ટથી ટૅરિફનો અમલ શરૂ થવાની જાહેરાત કરી હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે સોનમાં રોકાણકારોની સલામતી માટેની માગ નબળી પડતાં હાજર અને વાયદાના ભાવ 0.7 ટકા અને ચાંદીના ભાવ 0.9 ટકા જેટલા ઘટાડા સાથે ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા. વધુમાં ટ્રમ્પે બ્રિક્સ રાષ્ટ્રોની નીતિ અમેરિકાની વિરુદ્ધની હોવાથી તેમણે બ્રિક્સ રાષ્ટ્રો પર વધુ 10 ટકા ટૅરિફ લાદવાની ધમકી પણ આપી હતી.
આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 283થી 284નો ઘટાડો આવ્યો હતો. તેમ જ શુદ્ધ સોનાના ભાવે રૂ. 97,000ની સપાટી ગુમાવી હતી. તેમ જ ચાંદીના ભાવમાં પણ કિલોદીઠ રૂ. 556નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન વિશ્વ બજાર પાછળ સોનાના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હતું. તેમ જ વધુ ભાવઘટાડાના આશાવાદમાં સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 283 ઘટીને રૂ. 96,350 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 284 ઘટીને રૂ. 96,737ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો 58 પૈસા ગબડીને ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરોમાં વધારો થતાં વિશ્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે 999 ટચ ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારોની માગ ખપપૂરતી રહેતા ભાવ કિલોદીઠ રૂ. 556ના ઘટાડા સાથે રૂ. 1,07,024ના મથાળે રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે વૈશ્વિક સ્તરે સોનામાં સલામતી માટેની માગ નબળી પડતાં હાજર અને વાયદામાં આૈંસદીઠ ભાવ આગલા બંધ સામે 0.7 ટકાના ઘટાડા સાથે અનુક્રમે 3311.09 ડૉલર અને 3320.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે 0.9 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 36.58 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આગામી થોડા દિવસોમાં ઘણાં વેપાર કરારને અંતિમ ઓપ આપવામાં આવશે અન્ય દેશો પરનાં ટૅરિફની જાહેરાત આગામી નવમી જુલાઈના રોજ કરવામાં આવશે. તેમ જ ઊંચા ટૅરિફનો અમલ આગામી પહેલી ઑગસ્ટથી થશે, એવી જાહેરાત અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે કરી હતી. નોંધનીય બાબત એ છે કે અગાઉ એપ્રિલ મહિનામાં અમેરિકા ખાતે આયાત કરતાં ઘણાં દેશો પર 10 ટકા બેઝિક ટૅરિફની અને 50 ટકા અતિરિક્ત ટૅરિફની જાહેરાત કરી હતી, પરંતુ ત્યાર બાદ 10 ટકા ટૅરિફ જાળવી રાખીને અતિરિક્ત ટૅરિફનો અમલ નવમી જુલાઈ સુધી મુલતવી રાખ્યો હતો. જોકે, હવે વધુ ત્રણ સપ્તાહની મુદત વધારવામાં આવી છે. આમ એકંદરે ટૂંકા સમયગાળાની મુદત વધારવામાં આવતા આજે સોનામાં નરમાઈનું વલણ જોવા મળ્યું હોવાનું ઓએનડીએનાં વિશ્લેષક કેલ્વિન વૉંન્ગે જણાવતાં ઉમેર્યું હતું કે આગામી ટૂંકા સમયગાળા માટે સોનામાં આૈંસદીઠ 3320 ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થશે અને જો ભાવ આ સપાટી કુદાવશે તો ત્યાર બાદ 3360 ડૉલરની સપાટી પ્રતિકારક સપાટી રહેશે.
એકંદરે ટૅરિફલક્ષી ફુગાવો વધવાની ભીતિ સપાટી પર હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ધીમી ગતિએ કાપ મૂકશે અને વર્ષ દરમિયાન માત્ર બે જ વખત વ્યાજદરમાં કાપ મૂકવામાં આવે તેવી ધારણા બજાર વર્તુળો મુકી રહ્યા છે.
આ પણ વાંચો… રૂપિયો મજબૂત થતાં સોના-ચાંદીમાં ઘટાડો: આજના મુંબઈના લેટેસ્ટ ભાવ જાણો?